- જેલમાં ઇમરાન સાથે થયેલી બેઠકમાં નિર્ણય લેવાયો
- પંજાબના CM પદના ઉમેદવાર તરીકે મિયાં અસલમ ઇકબાલની પસંદગી
- ઉમર અયૂબ પીટીઆઇના મહામંત્રી છે અને ભૂતપૂર્વ સરમુખત્યાર અયૂબ ખાનના પૌત્ર છે
જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાનખાનના પક્ષ પીટીઆઇએ ગુરુવારે ઉમર અયૂબ ખાનને પક્ષ તરફથી વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કર્યા હતા. પીટીઆઇ અધ્યક્ષ બેરિસ્ટર ગૌહર ખાને ગુરુવારે કહ્યું કે ઇમરાનખાને ઉમર અયૂબખાનને વડાપ્રધાનપદના ઉમેદવારના રૂપમાં નોમિનેટ કર્યા છે તો પંજાબના મુખ્ય પ્રધાનપદ માટે મિયાં અસલમ ઇકબાલની પસંદગી થઇ છે.
54 વર્ષના ઉમર અયૂબ પીટીઆઇના મહામંત્રી છે અને ભૂતપૂર્વ સરમુખત્યાર અયૂબ ખાનના પૌત્ર છે. વર્ષ 2013માં તેઓ ખૈબર પખ્તૂનખ્વાના હરિપુરાથી પીએમએલ-એનના ઉમેદવાર તરીકે ચૂંટણી લડયા હતા, પરંતુ પરાજયનો સામનો કરવો પડયો હતો. વર્ષ 2018ની સામાન્ય ચૂંટણી પહેલાં તેઓ તહરિક-એ-ઇન્સાફ પાર્ટીમાં જોડાયા હતા.
આ પહેલાં ગૌહર ખાન અને પીટીઆઇના નેતાઓ અદિયાલા જેલમાં બંધ ઇમરાન ખાનને મળ્યા હતા. દેશની વર્તમાન રાજકીય સ્થિતિ વિષે તેમણે ચર્ચા વિચારણા કરી હતી. ચર્ચા વિચારણા પછી અદિયાલા જેલ બહાર મીડિયા સાથે વાતચીત કરતાં બેરિસ્ટર ગૌહર ખાને જણાવ્યું હતું કે પીટીઆઇએ પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી ઉમર અયૂબ ખાનની વડાપ્રધાનપદના ઉમેદવાર માટે પસંદગી કરી છે. ઉમર ખાન પણ મે મહિનામાં સર્જાયેલી હિંસક ઘટનાઓમાં 20 થી વધુ અપરાધોનો સામનો કરી રહ્યા છે.
ગૌહર ખાને કહ્યું કે મિયાં અસલમ ઇકબાલને પંજાબના મુખ્યપ્રધાનપદના ઉમેદવાર તરીકે નોમિનેટ કરવામાં આવ્યા છે. બલૂચિસ્તાનના મુખ્યપ્રધાનના રૂપમાં સાલાર ખાન કાકરના નામ પર ચર્ચા વિચારણા ચાલી રહી છે.
સૈન્યના ટોચના અધિકારીઓએ ઇમરાન સરકારનું પતન કર્યું હતું : જેયુઆઇ-એફ
પાકિસ્તાનના એક દક્ષિણપંથી રાજકીય પક્ષના નેતાએ દાવો કર્યો છે કે વર્ષ 2022માં સૈન્યના ટોચના અધિકારીઓએ ઇમરાન ખાનની સરકારને તોડી પાડી હતી. જમિયત ઉલેમા-એ-ઇસ્લામ-ફઝલના નેતા મૌલાના ફઝલ-ઉર-રહમાને એક ટીવી શોમાં દાવો કર્યો હતો કે સૈન્યના પૂર્વ વડા જનરલ કમર જાવેદ બાજવાએ પાકિસ્તાન તહરિક-એ-ઇન્સાફ સરકારને તોડી પાડી હતી. પીપીપી દ્વારા ઇમરાનના પક્ષની સરકાર સામે અવિશ્વાસ દરખાસ્ત રજૂ થઇ ત્યારે જનરલ બાજવા અને ફૈઝ હમીદ અમારા સંપર્કમાં હતા. તેમણે તમામ પક્ષોને અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરવા કહ્યું હતું.


