- રાજસ્થાન સામે સૌરાષ્ટ્ર ચાર વિકેટે 242 રન, પૂજારા 110, જેક્શન 78*
- સદી ફટકારીને ત્રીજી ટેસ્ટ માટે પોતાનો દાવો વધારે મજબૂત કર્યો છે
- આ મેચ પહેલાં પાંચ મેચની આઠ ઇનિંગ્સમાં 76.86ની એવરેજથી 522 રન બનાવ્યા હતા
રવીન્દ્ર જાડેજા અને લોકેશ રાહુલની ફિટનેસના રિપોર્ટમાં વિલંબ થયો હોવાના કારણે ઇંગ્લેન્ડ સામેની વર્તમાન ટેસ્ટ શ્રોણીની ત્રીજી મેચ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ નથી અને કયા ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવું તેની પસંદગીકારો દ્વિધામાં છે. હાલમાં ટેસ્ટ ટીમમાંથી બહાર રહેલા ચેતેશ્વર પૂજારાએ રણજી ટ્રોફીમાં વધુ એક સદી ફટકારીને ત્રીજી ટેસ્ટ માટે પોતાનો દાવો વધારે મજબૂત કર્યો છે. પૂજારાએ જયપુર ખાતે રાજસ્થાન સામે રમાતી રણજી ટ્રોફીના ગ્રૂપ-એની મેચમાં 110 રનની ઇનિંગ રમતા સૌરાષ્ટ્રની ટીમે પ્રથમ દિવસની રમતના અંતે ચાર વિકેટે 242 રન બનાવ્યા હતા. પૂજારાની સાથે શેલ્ડન જેક્શન 176 બોલમાં 78 રન બનાવીને રમી રહ્યો હતો. સૌરાષ્ટ્રની ટીમે એક સમયે 74 રનના સ્કોરે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ પૂજારા અને જેક્શને ચોથી વિકેટ માટે 168 રનની ભાગીદારી નોંધાવીને ટીમને સંકટમાંથી બહાર કાઢી હતી. વર્તમાન રણજી સિઝનમાં પૂજારા બે અડધી સદી અને એક બેવડી સદી ફટકારી ચૂક્યો છે. તેણે આ મેચ પહેલાં પાંચ મેચની આઠ ઇનિંગ્સમાં 76.86ની એવરેજથી 522 રન બનાવ્યા હતા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પૂજારાની આ 62મી સદી નોંધાઈ છે.


