પંજાબમાં આવેલા વિનાશક પૂરથી હાહાકાર મચી ગયો છે, અનેક ગામો પ્રભાવિત થયા છે. આ મુશ્કેલ સમયમાં બોલિવૂડ અને પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો મદદ માટે આગળ આવ્યા છે. આમાં સૌથી મોટું યોગદાન અભિનેતા અક્ષય કુમારે આપ્યું છે. તેમણે પંજાબના રાહત અને પુનર્વસન કાર્યો માટે 5 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. અક્ષય કુમારે આ યોગદાનને ‘સેવા’ ગણાવતા કહ્યું કે, ‘જ્યારે મને મદદ કરવાનો મોકો મળે છે ત્યારે હું પોતાને ધન્ય માનું છું. આ મારા માટે એક નાનો ફાળો છે. મારી પ્રાર્થના છે કે, પંજાબમાં મારા ભાઈઓ અને બહેનો પર આવેલી આ કુદરતી આફત જલ્દીથી દૂર થઈ જાય.’
દિલજીત દોસાંજ અને અન્ય કલાકારો પણ જોડાયા
અક્ષય કુમાર ઉપરાંત, અન્ય કલાકારો પણ પંજાબના પૂર પીડિતોની મદદ માટે આગળ આવ્યા છે. પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંજે 20 ગામોને દત્તક લેવાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું કે, ‘જ્યાં સુધી લોકોનું જીવન ફરીથી શરૂ ન થઈ જાય, અમે તેમની સાથે છીએ.’ રાજ કુન્દ્રાએ પણ પોતાની આગામી ફિલ્મ ‘મેહર’ના પહેલા દિવસની વૈશ્વિક કમાણી પૂર પીડિતો માટે સમર્પિત કરવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, પંજાબી ગાયક એમી વિર્કે પણ 200 ઘરોને મદદ કરવાનું વચન આપ્યું છે, અને ગુરુ રંધાવા રાહત શિબિરોનું આયોજન કરી રહ્યા છે. આ કલાકારોમાં સંજય દત્ત, સોનુ સૂદ, ગિપ્પી ગ્રેવાલ, કરણ ઔજલા, રણદીપ હુડા અને રણજીત બાવા પણ સામેલ છે.
જમીની સ્તરે મદદ : રણદીપ હુડા
આ તમામ કલાકારોમાંથી રણદીપ હુડા એકમાત્ર એવા અભિનેતા છે જે જમીની સ્તરે પૂર પ્રભાવિત વિસ્તારોમાં પહોંચ્યા છે અને લોકોને સીધી મદદ કરી રહ્યા છે. તેમનો આ પ્રયાસ ખૂબ પ્રશંસાને પાત્ર છે. પંજાબ સરકારે જણાવ્યું છે કે, આ પૂરથી 1,655 ગામો પ્રભાવિત થયા છે અને 1,75,216 હેક્ટરથી વધુ કૃષિ જમીનને નુકસાન થયું છે. આવા સંજોગોમાં સેલિબ્રિટીઝ દ્વારા કરવામાં આવેલી આ મદદ નિઃશંકપણે પૂર પીડિતોને આર્થિક અને માનસિક રીતે મદદ કરશે. લોકો પણ આ કલાકારોના પ્રયાસોથી પ્રેરણા લઈને મદદ માટે આગળ આવે તેવી અપીલ કરવામાં આવી રહી છે.