- ગુરુ જ્યારે સમર્પણનું, ત્યાગનું, યજ્ઞનું વિધાન આપે છે ત્યારે જે યજ્ઞથી પ્રસાદ પ્રગટ થયા છે એ તો આપણે બધાં મહેસૂસ કરીએ છીએ
`રામચરિતમાનસ’માં `ઉત્તરકાંડ’માં કાગ ભુશુંડિજી ગરુડને પોતાની આત્મકથા, પોતાનો અનુભવ, પોતાની અનુભૂતિ બતાવે છે કે મેં પરમાત્માના ઉદરમાં અનંત બ્રહ્માંડોનાં દર્શન કર્યાં. એ બ્રહ્માંડોમાં મેં બધું ભિન્ન ભિન્ન જોયું પરંતુ `રામરૂપ દૂસર નહીં દેખા.’ એ સમસ્ત બ્રહ્માંડોમાં હું ઘૂમ્યો, પરંતુ ક્યાંય મેં રામનું બીજું રૂપ ન જોયું. રામ અદ્વિતીય છે. રામ પરમ સત્ય છે. જેવી રીતે આકાશમાં ચંદ્ર, સૂરજ, ગ્રહ, નક્ષત્ર વગેરે બધાં પોતપોતાના પરિચય સાથે પોતપોતાની ધરી પર ઘૂમી રહ્યાં છે; કુદરતના નિયમ અનુસાર એ બધાં કર્મ કરી રહ્યાં છે, પરંતુ આકાશ એક છે. હું ભગવાન રામને નિખિલ બ્રહ્માંડનો આત્મા કહું છું, કેમ કે એ આકાશ છે અને એમાં આપણે બધાં છીએ. આપણે બધાં ભિન્ન-ભિન્ન છીએ, પરંતુ એ એક છે. આકાશમાં બધું છે, પરંતુ આકાશ પણ આ પરમાત્મામાંથી પ્રગટ થાય છે. પરમતત્ત્વ રામ આકાશને જન્મ આપે છે. એટલા માટે હું કહું છું કે ભગવાન રામ નિખિલ બ્રહ્માંડના પરમતત્ત્વ છે.
તો જે પરમાત્માથી બધું પ્રગટ થયું છે અને જે પરમાત્મામાં જ બધું લીન થાય છે, એવા મારા રામ વિશ્વાસ છે પરમાત્મા. મા કૌશલ્યા રામજન્મના અવસર પર કહે છે, `બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિ બેદ કહૈ.’ આજે એ પરમાત્મા-પ્રભુ રામનો ત્રિભુવનીય દિવસ છે. રામકથા મારા માટે રોજ નૂતન છે. આ શાબ્દિક નિવેદન નથી, હાર્દિક નિવેદન છે. મને ગુરુકૃપાથી, શાસ્ત્રકૃપાથી, મારા સાધુક્રમમાં એવું લાગે છે. મહારાજ દશરથજી ધર્મધુરંધર હતા; અવધના ચક્રવર્તી સમ્રાટ હતા; કૌશલ્યાદિ પ્રિય રાણીઓ હતી; સૌનું પવિત્ર આચરણ; હરિપદ કમલમાં વિનીત ભક્તિ; એવો પરિવાર હતો, પરંતુ મહારાજ દશરથજીને ત્યાં પુત્ર ન હતો. એ ગ્લાનિ, એ પીડા, એ વેદના, તેઓ પોતાના ગુરુ પાસે જઈને વ્યક્ત કરે છે અને ગુરુ એક યજ્ઞની વિદ્યા બતાવે છે. યજ્ઞ થાય છે. સ્નેહ અને ભક્તિથી આહુતિઓ અપાય છે. આખરે યજ્ઞપ્રસાદના રૂપમાં પ્રસાદનો એક ચરુ નીકળે છે; રાણીઓને વહેંચવામાં આવે છે અને રાણીઓ સગર્ભા થાય છે. એ ત્રેતાકાળમાં ઘટેલી ઘટના સાર્વભૌમ છે, છતાં પણ પ્રત્યક્ષ રૂપમાં આપણી સામે રામ નથી, `રામચરિતમાનસ’ છે અને સાથોસાથ વિશેષ વધાઈ આપું કે આજે `રામચરિતમાનસ’નો પણ પ્રાગટ્યદિન છે.
તો મહારાજ દશરથજીને મનમાં ગ્લાનિ થઈ. દશરથજી પોતાના જીવનરથને ચલાવતાં ગ્લાનિગ્રસ્ત મનને લઈને ગુરુના ગૃહે ગયા. આજે રાજદ્વાર ગુરુદ્વાર પહોંચ્યું. ગુરુ જ ઉપાય છે. અવધપતિ એ ગ્લાનિગ્રસ્ત મન લઈને ગુરુદ્વાર પહોંચે છે. ગુરુએ કહ્યું, એક યજ્ઞ કરવો પડશે. શૃંગી ઋષિને બોલાવ્યા. યજ્ઞ કર્યો. યજ્ઞવિદ્યાથી જે ચરુ નીકળ્યો, એ શું છે? ત્રેતાયુગમાં ઘટેલી ઘટના, ઘટેલી ઘટના આજે આપણા જીવનનું પણ એ સત્ય છે. ત્રેતાયુગમાં એ ઘટના કેવળ અવધપતિ સાથે ઘટી. ગુરુ જ્યારે સમર્પણનું, ત્યાગનું, યજ્ઞનું વિધાન આપે છે ત્યારે જે યજ્ઞથી પ્રસાદ પ્રગટ થયા છે એ તો આપણે બધાં મહેસૂસ કરીએ છીએ. પ્રસાદ એટલે કૃપા. પછી એ પ્રસાદને ત્રણેય રાણીઓમાં વહેંચવામાં આવ્યો.
રામનવમી આવી આપણા ભાગ્યમાં, આપણાં પરમ ભાગ્યમાં, આપણા સદ્ભાગ્યથી, મધ્યાહ્નનો સમય; જડ-ચેતન હર્ષમાં ડૂબેલાં છે. દેવતાઓએ અવધના નભને સંકુલ કર્યું છે; સ્તુતિ કરી રહ્યા છે; પુષ્પાંજલિ વરસાવવામાં આવી રહી છે; દુંદુભિ વાગી રહ્યા છે. પૃથ્વીના બ્રાહ્મણ દેવતા, આકાશના સુર દેવતા, પાતાળના નાગદેવતા બધા પરમાત્માની ગર્ભસ્તુતિ કરે છે અને બધા સ્તુતિ કરીને નિજધામમાં ભીતર ચાલ્યા ગયા. અવધના પ્રાસાદમાં તો ત્રેતાયુગમાં પ્રભુ પ્રગટ થયા, પરંતુ આજનું સત્ય શું છે? આપણે ભીતર જઈએ અને ભીતર રામનવમી થાય.
પરમતત્ત્વ ભક્તિવશ, પ્રેમવશ પ્રગટ થાય છે. મા કૌશલ્યા સાથે સંવાદ થાય છે અને મા કૌશલ્યા કહે છે, જે રૂપે આપ પ્રગટ થયા એનાથી સંસારની સમસ્યાનો નાશ નહીં થાય. આપ અમારા જેવું માનવીય રૂપ ધારણ કરો. અમારે ચતુર્ભુજ ન જોઈએ, અમારે દ્વિભુજ જોઈએ. `રામચરિતમાનસ’ માનવેતર તત્ત્વને માનવીય રૂપ પ્રદાન કરે છે. માએ કહ્યું, આપ બાળક બનીને આવો. માનાં સુજાન વચનામૃત સાંભળીને પરમાત્મા શિશુ રૂપ ધારણ કરે છે. માનવીય સંવેદનાને આત્મસાત્ કરીને એ રડવા લાગ્યા. જે દિવસે રામજન્મ થયો એ દિવસે `રામચરિતમાનસ’નો પણ જન્મ થયો. એટલા માટે ગોસ્વામીજી કહે છે કે એનું પણ જે ગાયન કરશે એ એનું અધોગમન નહીં થાય; સદૈવ ક્રમશ: ઉર્ધ્વગમન થશે. એવા પરમનું પ્રાગટ્ય થયું.
પ્રભુ પહેલાં તો જ્યારે પ્રગટ થયા તો `કૌશલ્યા હિતકારી.’ પરંતુ કૌશલ્યાના હિત માટે જ પરમનું આવવું એટલું સાર્થક નથી. આજે એક માનવીય રૂપમાં જ્યારે પ્રગટ થાય છે ત્યારે ગોસ્વામીજી કહે છે, એ બ્રાહ્મણ માટે આવ્યા, ગાયો માટે આવ્યા, દેવતાઓ માટે આવ્યા અને સાધુઓ માટે આવ્યા. બ્રાહ્મણો માટે આવ્યા એટલે કે પરમાત્મા ધર્મને માટે આવ્યા. બ્રાહ્મણ ધર્મનું પ્રતીક છે. ગાયો માટે આવ્યા એટલે કે પરમાત્મા અર્થ માટે આવ્યા. જીવનમાં ધર્મની જરૂર છે; અર્થની જરૂર છે. દેવતાઓ માટે આવ્યા એટલે કે કામ માટે આવ્યા, રસ માટે આવ્યા અને ભગવાન સાધુ માટે આવ્યા એટલે કે મોક્ષ માટે આવ્યા. એક વસ્તુ યાદ રાખજો. સાધુ જીવંત મોક્ષ છે. સાધુ જંગમ મુક્તિ છે. સાધુ મોક્ષ-વિગ્રહ છે. શિવજીને જો `માનસ’માં સાધુ કહ્યા છે તો શિવ કોણ છે? નિર્વાણરૂપ; એ નિર્વાણરૂપ છે. એટલે તો નિર્વાણપ્રદ પણ છે. ધર્મને માટે, અર્થને માટે, કામને માટે, મોક્ષને માટે પ્રભુ પધાર્યા. ત્રિભુવનમાં જયજયકાર થયો અને વધાઈઓ ગાવામાં આવી; ઉત્સવ મનાવાયો. હું ફરી એક વાર આજના ત્રિભુવનીય દિવસ પર, ભગવાન રામ અને `રામચરિતમાનસ’ના પ્રાગટ્ય અવસર પર સમગ્ર સંસારને ખૂબ ખૂબ વધાઈ આપું છું.