ભારત અને રશિયાના સંબંધો રાજદ્વારી પ્રોટોકોલ કરતાં પણ અનેકગણા આગળ છે, જેનું પ્રતીક રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના તાજેતરના ભારત પ્રવાસમાં જોવા મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોટોકોલ તોડીને પુતિનનું સ્વાગત કરવા માટે પોતે પાલમ એરપોર્ટ પહોંચીને સૌને આશ્ચર્યચકિત કર્યા હતા. વડાપ્રધાન મોદી પુતિનને પોતાની જ કારમાં બેસાડીને સીધા પોતાના સરકારી નિવાસસ્થાને લઈ ગયા હતા.
પુતિન પણ આ સરપ્રાઈઝથી ખુશ થયા
રસ્તામાં જ વડાપ્રધાન મોદીએ કરેલું ટ્વીટ અને સાથેની તસવીરો બંને નેતાઓ વચ્ચેની ગાઢ મિત્રતા રાજકીય ઓછી અને અંગત વધુ હોવાનું દર્શાવે છે. પુતિન પણ આ સરપ્રાઈઝથી એટલા ખુશ થયા હતા કે, તેમણે કારમાં વડાપ્રધાન મોદી સાથે સેલ્ફી પણ લીધી હતી. રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલયે પણ ટ્વીટ કરીને જણાવ્યું કે, વડાપ્રધાન મોદીનું આ સરપ્રાઈઝ ‘ચોંકાવનારું’ હતું.
પુતિનને પણ ભારત પાસેથી મોટી અપેક્ષાઓ
અમેરિકા, યુરોપ અને યુક્રેન તરફથી ભારત પર સતત દબાણ હોવા છતાં, ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે, રશિયા સાથેની તેની મિત્રતાની ઊંચાઈ માપી શકાય તેમ નથી. જોકે, આ મિત્રતાની ખરી કસોટી આવનારા 24 કલાકમાં એટલે કે 5મી ડિસેમ્બરના રોજ થવાની છે. ભારતને S-500, સુખોઈ-57 જેવી અદ્યતન ટેકનોલોજી, સસ્તું તેલ અને મોટા પાયે વેપારની જરૂર છે, તો પુતિનને પણ ભારત પાસેથી મોટી અપેક્ષાઓ છે. આ મુલાકાતમાં જમીની સ્તરના કયા કરારો થાય છે, તે શુક્રવારે નક્કી થશે. સમગ્ર વિશ્વ આ બે મિત્ર નેતાઓ કેવી રીતે વૈશ્વિક સંતુલન સાધે છે તેના પર નજર રાખી રહ્યું છે.
આ પણ વાંચો – Putin India Visit: એક જ કારમાં જોવા મળ્યા મોદી-પુતિન, જુઓ ફોટોસ


