રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોટોકોલ તોડીને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓ વચ્ચે વડાપ્રધાન આવાસ પર રાત્રે સાડા સાત વાગ્યે ડિનરનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો હતો, જે તેમની અંગત મિત્રતાને દર્શાવે છે. જોકે, આ મુલાકાત વચ્ચે એક રસપ્રદ તુલના બહાર આવી છે. જ્યારે ભારતમાં સાંજે 7થી 7:30 વાગ્યે મોટાભાગના લોકો હજૂ પરિવાર સાથે સાંજની ચા પીતા હોય છે, ત્યાં સુધીમાં રશિયામાં સામાન્ય રીતે મોટાભાગના લોકોનું રાત્રિભોજન સમાપ્ત થઈ ચૂક્યું હોય છે.
રશિયામાં 7 વાગ્યે જ કેમ ડિનર?
માસ્ટર રશિયાના અહેવાલમાં જણાવ્યા અનુસાર, રશિયન લોકોના ભોજનનો સમય ભારત કરતાં ઘણો વહેલો છે. રશિયામાં દિવસના ત્રણ મુખ્ય ભોજન ‘જવટ્રક’ (નાસ્તો), ‘ઓબેદ’ (લગભગ 2 વાગ્યે બપોરનું ભોજન) અને ‘ઉજિન’ (રાતનું ભોજન) હોય છે. આ ‘ઉજિન’ (ડિનર) સામાન્ય રીતે સાંજે 6 થી 7 વાગ્યાની આસપાસ પીરસવામાં આવે છે. આ ભોજન દિવસનું બીજું સૌથી મોટું ભોજન હોય છે. નોકરી અને શાળાએથી ઘરે પરત ફર્યા પછી, આ એકમાત્ર સમય હોય છે, જ્યારે આખો પરિવાર એકસાથે બેસીને વાતચીત કરી શકે છે અને ટીવી જોઈ શકે છે.
રશિયામાં ડિનરમાં શું હોય છે?
એક સામાન્ય રશિયન ડિનરમાં એપેટાઇઝર અને ગરમ મેઇન ડિશ હોય છે, જેમાં બટાકા, માંસ અથવા માછલીનો સમાવેશ થાય છે. રસપ્રદ વાત એ છે કે, ડિનર બાદ રશિયન લોકો ખાંડ અથવા જામ સાથે ચા પીવાનું પસંદ કરે છે. આ સમયના તફાવતથી સ્પષ્ટ થાય છે કે, બંને દેશોની સાંસ્કૃતિક ખાદ્ય ટેવો એકબીજાથી કેટલી અલગ છે.
આ પણ વાંચો – Putin India Visit: એક જ કારમાં જોવા મળ્યા મોદી-પુતિન, જુઓ ફોટોસ


