Putin India Visit: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 4-5 ડિસેમ્બરે યોજાનારી 23મી ભારત-રશિયા સમિટ માટે ભારત આવ્યા છે. ચાર વર્ષ બાદ આ તેમની પ્રથમ મુલાકાત છે, ત્યારે સુરક્ષા અને કૂટનીતિ ઉપરાંત એક સવાલ સૌના મનમાં છે: પુતિન ભારતમાં શું જમે છે? કોઈપણ હાઈ-પ્રોફાઈલ મુલાકાતમાં તેમની પસંદગી, ચુસ્ત ડાયટ અને સુરક્ષા નિયમોને ધ્યાનમાં રાખીને એક ખાસ અને અત્યંત સુરક્ષિત મેનૂ તૈયાર કરવામાં આવે છે.
વડાપ્રધાન મોદી સાથે હૈદરાબાદ હાઉસમાં પ્રાઈવેટ ડિનર યોજાશે
ભારતની સ્પેશિયલ કુકિંગ અને પ્રોટોકોલ ટીમ આ જવાબદારી સંભાળે છે, જ્યાં પુતિન માટે ભોજન અલગથી બને છે, અને દરેક વાનગીની અનેકવાર તપાસ થાય છે. આ વખતે પણ વડાપ્રધાન મોદી સાથે હૈદરાબાદ હાઉસમાં પ્રાઈવેટ ડિનર યોજાશે, જેમાં ભારતીય સ્વાદ, રશિયન પસંદગી અને પુતિનના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને મેનૂ બનશે. તેમના અગાઉના પ્રવાસોમાં કેવી શાહી દાવત તૈયાર થઈ હતી, તે જાણવું રસપ્રદ છે.
2014માં કાશ્મીરી સ્વાદથી સ્વાગત
2014માં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પુતિન માટે જે ડિનર રાખ્યું હતું, તેમાં કાશ્મીરી ઝલક સ્પષ્ટ દેખાઈ હતી. જેમાં શરૂઆત કેસરથી બનેલું કાશ્મીરનું ખાસ પીણું કાહવાથી કરવામાં આવી હતી. આ સાથે પાલક જેવું લીલું પાન, પોતાના જ રસમાં રાંધેલું હાક કા સાગ. અત્યંત નરમ અને હળવા મસાલાવાળા ગલૌટી કબાબ, તેમજ ધાણાની ગ્રેવીમાં બનેલું મુરગ ધનિયાવાલ કોરમા, બદામ શોરબા, મશરૂમ, પનીર અને કલૌંજી સાથે રાંધેલા શાક પીરશવામાં આવ્યા હતા. આ સાથે મિઠાઈમાં ગુલાબ ખીર, ચીઝકેક અને તાજા ફળ હતા.
2018માં હૈદરાબાદ હાઉસમાં ભવ્ય મુગલઈ દાવત
2018માં હૈદરાબાદ હાઉસ ખાતે યોજાયેલા ભવ્ય ડિનરમાં શાકાહારી અને માંસાહારી બંને પ્રકારની વાનગીઓ હતી, જેમાં સુરક્ષા અને ફૂડ ટેસ્ટિંગ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. જેમાં નોન-વેજમાં હળવા પાર્સલી અને ચીઝ સોસ સાથે સેલ્મન ફિલેટ, ડુંગળી, કેસર અને મસાલામાં રોસ્ટેડ લેમ્બ, ક્રીમી સોસમાં બનેલું ચિકન અને પરંપરાગત મુગલઈ શૈલીમાં રાંધેલું લેમ્બ હતું.
શાકાહારી વાનગીઓમાં શું પીરસાયું હતું?
જ્યારે શાકાહારી વાનગીઓમાં વોટરમેલન ક્રીમ સૂપ, ફણગાવેલા કઠોળ અને ગળી આમલીના દહીં સાથેની ક્રિસ્પી પેસ્ટ્રી, મેંગો સોસ સાથે પીરસવામાં આવેલા કમળ-કકડી અને કઠોળના કબાબ, હોમ મેડ ચીઝ અને મટર મખની ગ્રેવી, કાળા ચણા સાથે બાસમતી ચોખાની વાનગી અને મોસમી શાકભાજી પીરશવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કડક સુરક્ષા પ્રક્રિયાને કારણે પુતિને ખરેખર કઈ વાનગીઓ આરોગી હતી, તે સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ શકતું નથી.
પુતિનને સામાન્ય રીતે શું ભાવે છે?
ભારતમાં ભલે તેમને શાહી દાવત મળે, પણ તેમની દૈનિક ડાયટ ઘણી સામાન્ય હોય છે. જેમાં તેઓ સવારે ઓટ્સ, કોટેજ ચીઝ (મધ સાથે) અને તાજો જ્યુસ પીવે છે. પ્રોટીન માટે તેઓ માછલી, ખાસ કરીને લીંબુ અને બટર સાથે સ્મોક્ડ સ્ટર્જન પસંદ છે. તેમને બાળપણથી લેમ્બ (ઘેટાનું માંસ) પ્રિય છે. તેઓ ટામેટાં, કાકડી અને સલાડ પર વધુ રહે છે. તેઓ કેફિર નામનું ફર્મેન્ટેડ ડેરી ડ્રિંક પીવે છે. તેઓ ઓછી મીઠાઈ ખાય છે, પરંતુ ક્યારેક-ક્યારેક પિસ્તા આઈસ્ક્રીમનો આનંદ માણે છે.
આ પણ વાંચો – રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનો ભારત પ્રવાસ, પાકિસ્તાનની કેમ વધી રહી છે ચિંતા?


