- અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા રશિયન પ્રેસિડેન્ટનું નિવેદન
- બાઈડેન પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં વધુ અનુભવી: પુતિન
- અમેરિન લોકો નો વિશ્વાસ હોય તેવા નેતા સાથે કામ કરવા તૈયાર
અમેરિકામાં સામાન્ય ચૂંટણી પહેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પોતાના અમેરિકન સમકક્ષ જો બાઈડેનના વખાણ કર્યા છે. તેમણે બાઈડેનને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં વધુ અનુભવી રાજનેતા ગણાવ્યા.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે તેમનો દેશ બાઈડેનને બીજી ટર્મ જીતતા જોવા માંગે છે. પુતિને રશિયાની સરકારી ચેનલના સંવાદદાતાને એક ઇન્ટરવ્યુ આપ્યો હતો. આ દરમિયાન પુતિને કહ્યું હતું કે તેઓ ચૂંટાયેલા કોઈપણ અમેરિકન નેતા સાથે મળીને કામ કરવા ઈચ્છશે. પરંતુ, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે રશિયાના દૃષ્ટિકોણથી શ્રેષ્ઠ વિકલ્પ કોણ હશે, ત્યારે તેમણે કહ્યું કે તેઓ બાઈડેનની જીતને પસંદ કરશે.
રાષ્ટ્રપતિ પુતિને કહ્યું, બાઈડેન વધુ અનુભવી અને જૂના રાજનેતા છે. પરંતુ, અમે એવા કોઈપણ અમેરિકન નેતા સાથે મળીને કામ કરવા તૈયાર છીએ કે જેના પર અમેરિકન લોકો વિશ્વાસ કરે છે. પુતિનની આ ટિપ્પણી અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા આવી છે. આ ચૂંટણીઓમાં રિપબ્લિકન પાર્ટી ડોનાલ્ડ ટ્રમ્પને ડેમોક્રેટ પાર્ટીના બાઈડેન સામે મેદાનમાં ઉતારી શકે છે. ચૂંટણી પહેલા બંને રાજકીય પક્ષો યુક્રેનને સૈન્ય સહાયને લઈને એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે.
યુક્રેનને મદદને લઈને આમને-સામને
ટ્રમ્પે તાજેતરમાં તેમના નિવેદનોમાં કિવ માટે અમેરિકન ફંડિંગ પર સવાલ ઉઠાવ્યા છે. પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પને નાટોના ટીકાકાર માનવામાં આવે છે. તેમણે તાજેતરમાં કહ્યું હતું કે જો તેઓ પ્રમુખ બનશે તો નાટોના સભ્ય દેશો જે નાણાં ખર્ચતા નથી તેઓ રશિયાને તેમની વિરુદ્ધ હુમલા કરવા માટે પ્રોત્સાહિત કરશે. તો, બાઈડેને આરોપ લગાવ્યો હતો કે ટ્રમ્પે રશિયન સરમુખત્યાર સમક્ષ આત્મસમર્પણ કર્યું છે.
અમેરિકન રાષ્ટ્રપતિના સ્વાસ્થ્યને લઈને કહી આ વાત
બાઈડેનના સ્વાસ્થ્યને લઈને ચાલી રહેલી અટકળો પર પુતિને કહ્યું, “હું ડૉક્ટર નથી. તેથી હું તેના પર ટિપ્પણી કરવાનું યોગ્ય નથી માનતો.” રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું, “બાઈડેનના સ્વાસ્થ્યની ચર્ચા એવા સમયે થઈ રહી છે જ્યારે અમેરિકામાં ચૂંટણી પ્રચાર વેગ પકડી રહ્યો છે અને તે રોજએ-રોજ વધુ તેજ બની રહ્યો છે.” તેમણે કહ્યું કે તેઓ જૂન 2021માં સ્વિટ્ઝર્લેન્ડમાં બાઈડેનને મળ્યા હતા અને અમેરિકન નેતાને સંપૂર્ણપણે સક્ષમ જણાયા હતા.


