ભારતની સ્ટાર મહિલા બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ લગ્ન કરવા જઇ રહી છે. આજે તેના લગ્ન બિઝનેસમેન વેકાંતા સાંઈ દત્તા સાથે થવાના છે. જેને લઇને કેવી તૈયારીઓ છે. ક્યાં લગ્ન યોજાવાના છે. કોણ કોણ લગ્નમાં હાજર રહેશે. કેવી રીતનું ડેકોરેશન હશે વગેરે બાબત જાણવા સૌ કોઇ ઉત્સુક હોય છે. ત્યારે આવો જાણીએ લગ્નની તૈયારીઓ વિશે.
આજે છે લગ્ન
બે વખત ઓલિમ્પિક મેડલ જીતનાર સિંધુના લગ્ન એક રિપોર્ટ અનુસાર ઉદયપુરના ઉદય સાગર તળાવમાં બનેલી ફાઈવ સ્ટાર હોટેલ રાફેલ્સમાં યોજાશે. બંને શાહી અંદાજમાં લગ્ન કરવા જઈ રહ્યા છે,
જેમાં રમતગમત, રાજકારણ અને ફિલ્મ જગતની અનેક હસ્તીઓ હાજરી આપશે. સ્થળથી લઈને ડેકોરેશન અને ખાણીપીણીની દરેક બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ એજ હોટલ છે જ્યાં ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાએ પણ લગ્ન કર્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર લગ્ન સમારોહ ઉદયપુરમાં 3 અલગ-અલગ ઐતિહાસિક સ્થળો પર યોજાશે. આ માટે ઝિલ મહેલ, લીલા મહેલ અને જગ મંદિરની પસંદગી કરવામાં આવી છે.
રાજસ્થાની દેખાશે ઝલક
લગ્ન સ્થળની સજાવટ શાહી અંદાજમાં કરવામાં આવી છે જેમાં રાજસ્થાનની ઝલક જોવા મળશે. મહેમાનોને બોટ દ્વારા સ્થળ પર લઈ જવામાં આવશે. આ સિવાય લગ્નમાં ભારતીય અને વિદેશી મહેમાનો માટે અનેક પ્રકારની શાહી વાનગીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ વાનગીઓ રાજસ્થાની વાનગીઓ હશે અને મેવાડી શૈલીમાં બનાવવામાં આવશે. 24મી ડિસેમ્બરે હૈદરાબાદમાં રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
હોટલનું ભાડું લાખોમાં
હોટેલના રૂમની વાત કરીએ તો આ હોટલમાં કુલ 101 રૂમ છે. તળાવની વચ્ચે બનેલી આ હોટલનું રોજનું ભાડું 50 હજારથી 1 લાખ રૂપિયા છે. ઓનલાઈન બુકિંગ સાઈટ મુજબ સીઝન પ્રમાણે રેટ બદલાતો રહે છે. હોટેલમાં બે સ્યુટ પણ છે, જેનું રાત્રિનું ભાડું 1 લાખ 44 હજાર રૂપિયા છે. તેમાં આકર્ષક સજાવટ છે અને તળાવનો નયનરમ્ય નજારો ખૂબ નજીકથી જોઈ શકાય છે.
આ મહેમાનો આમંત્રણ
બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ તેના લગ્ન માટે રમતગમત, રાજકારણ અને ફિલ્મ જગતની હસ્તીઓને આમંત્રણ આપ્યું છે. મળતી માહિતી મુજબ ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકર લગ્નમાં હાજરી આપવા પહોંચશે. તેમના સિવાય અમિત શાહ, શિવરાજ સિંહ ચૌહાણ, તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડી, આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ અને ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ સહિત ઘણા રાજકીય ચહેરાઓ પણ દેશના પીએમ નરેન્દ્ર મોદી સાથે જોવા મળી શકે. સિંધુએ અનેક ફિલ્મ સ્ટાર્સને પણ આમંત્રણ આપ્યું છે.


