ઈન્ડો-પેસિફિક વિસ્તારમાં દરિયાઈ સુરક્ષાને મજબૂત કરવા માટે ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ મોટું પગલું ભર્યુ છે. ચારેય દેશોના કોસ્ટગાર્ડે મળીને નવું મિશન શરૂ કર્યું છે, જેનું નામ છે ‘QUAD એટ સી શિપ ઓબ્જર્વર મિશન’ આ મિશનનો ઉદ્દેશ્ય છે કે ક્વાડ દેશોની વચ્ચે દરિયાઈ જાગરૂકતા અને પ્રતિક્રિયાને યોગ્ય બનાવવામાં આવે. સાથે જ વિસ્તારમાં સુરક્ષા અને સ્થિરતાને પણ વધારવામાં આવે.
ચારેય દેશના કોસ્ટગાર્ડ અધિકારી એક સાથે કરશે કામગીરી
આ મિશન હેઠળ ચારેય દેશોના બે-બે અધિકારી, જેમાં મહિલા અધિકારી પણ સામેલ છે. એક સાથે અમેરિકી કોસ્ટ ગાર્ડના જહાજ USCGC સ્ટ્રેટન પર તૈનાત થયા છે. આ 418 ફૂટ લાંબુ જહાજ છે, જે હાલમાં ગુઆમ તરફ જઈ રહ્યું છે. આ મિશન ગયા વર્ષે સપ્ટેમ્બરમાં QUAD લીડર્સ સમિટમાં અપનાવવામાં આવેલા વિલ્મિંગ્ટન ઘોષણાઓનો એક ભાગ છે. તેનો ઉદ્દેશ્ય ઈન્ડો-પેસિફિક વિસ્તારને ખુલ્લો, સુરક્ષિત અને નિયમ આધારિત બનાવી રાખવાનો છે. આ પ્રથમ વખત છે, જ્યારે ભારત, જાપાન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના કોસ્ટગાર્ડ અધિકારી એક જ જહાજ પર એક સાથે કામ કરી રહ્યા છે. તેનાથી ચારેય દેશોની વચ્ચે તાલમેલ, વિશ્વાસ અને દરિયાની નજર રાખવાની તાકાતને વધુ મજબૂત બનાવાશે.
ચારેય દેશોની વચ્ચે વધશે સહયોગ
ભારતીય કોસ્ટ ગાર્ડની તેમાં સક્રિય ભાગીદારી વડાપ્રધાન મોદીના SAGAR વિઝન એટલે કે વિસ્તારમાં તમામ લોકો માટે સુરક્ષા અને વિકાસ હેઠળ છે. આ હિંદ-પ્રશાંત મહાસાગરમાં ભારતની દરિયાઈ રણનીતિને વધુ મજબૂત બનાવશે. QUAD એટ સી શિપ ઓબ્જર્વર મિશન’થી ચારેય દેશોના કોસ્ટગાર્ડની વચ્ચે સહયોગમાં વધારો થશે અને આગામી સમયમાં દરિયામાં સુરક્ષા અને મદદની તાકાત મજબૂત થશે.