નવી દિલ્હી : હલકી ગુણવત્તાની આયાત ઘટાડવા તથા ઘરેલું ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા સરકારે કોપર પ્રોડકટસ, ડ્રમ્સ તથા ટીન કન્ટેનર્સ માટે કવોલિટીના ફરજિયાત ધોરણો જારી કર્યા છે.
આં સંદર્ભમાં સરકાર દ્વારા બે અલગ-અલગ નોટિફિકેશન – ડ્રમ્સ એન્ડ ટીન્સ (કવોલિટી કન્ટ્રોલ) ઓર્ડર, ૨૦૨૩ તથા કોપર પ્રોડકટસ (કવોલિટી કન્ટ્રોલ) ઓર્ડર ૨૦૨૩ – જારી કરવામાં આવ્યા છે.
આ ઓર્ડર હેઠળની કોઈપણ ચીજવસ્તુ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડસના માર્કા વગર ઉત્પાદન, વેચાણ, સ્ટોકસ, વેપાર તથા આયાત થઈ શકતી નથી.
સદર નોટિફિકેશનના ઈ-ગેઝેટમાં પ્રકાશિત તારીખના ૬ મહિના સમાપ્ત થવા સાથે આ ઓર્ડર લાગુ થશે.
કોપર અને તેની મિશ્ર ધાતુનો ઉપયોગ મોટેભાગે વીજ ઉત્પાદન, વીજ પરિવહન, ટેલિકમ્યુનિકેશન્સ, વીજ સર્કિટ તથા બીજા કેટલાક સાધનોમાં થાય છે. આવી સ્થિતિમાં કોપર પ્રોડકટસની ગુણવત્તા શ્રેષ્ઠ હોવી જરૂરી છે અને શુદ્ધતાની બાબતમાં કોઈપણ ભોગે સમાધાન ન થવું જોઈએ.
આ ઓર્ડર હેઠળ આવરી લેવાયેલા નવ કોપર પ્રોડકટસમાં વીજ સાધનોના રોડસ, કન્ડેન્સર્સ માટે કોપર ટયૂબ્સ તથા હીટ એકસચેન્જર્સ, રેફ્રીજરેશન અને એસીના હેતુ માટે વપરાતી કોપર ટયૂબ્સનો સમાવેશ થાય છે.
આજ રીતે, ડ્રમ્સ તથા ટીન્સનો ઉપયોગ કેટલાક જોખમી, જ્વલનશીલ પદાર્થોની હેરફેર તથા તેની જાળવણી માટે કરવામાં આવે છે. આમ આવા પદાર્થો માટે વપરાતા ટીન્સ અને ડ્રામ્સની ગુણવત્તા મજબૂત હોવી જરૂરી છે.
બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડસ એકટની કોઈપણ જોગવાઈનો ભંગ કરવા બદલ પ્રથમ વખતના ગુના માટે બે વર્ષ સુધીની સજા અથવા રૂપિયા બે લાખ સુધીનો દંડ ફટકારવામાં આવે છે.