આબહુ વર્ષો પહેલાંની વાત છે. યુરોપમાં એક વ્યક્તિ હતી, જે હંમેશાં ધર્મગ્રંથોની મજાક ઉડાવતો હતો. તે વિચારથી નાસ્તિક હતો, સાથે ઈશ્વરમાં વિશ્વાસ કરનારા લોકોનું સન્માન પણ નહોતો કરતો. તે ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવનારાઓ સાથે ક્યારેય વૈચારિક વિવાદ નહોતો કરતો, પણ કુતર્કો દ્વારા તેમનું મનોબળ તોડવાનો પ્રયત્ન કરતો હતો.
એક દિવસ તે એક પાદરીની પાસે પહોંચ્યો. જોકે, તેનો ઈરાદો જ્ઞાન મેળવવાનો નહીં, પણ પાદરીની મજાક ઉડાવવાનો અને નીચું જોવડાવવાનો હતો. તેણે પાદરીને પ્રશ્ન પૂછ્યો, `જો હું ખજૂર ખાઉં તો શું મને પાપ લાગે?’
પાદરીએ સહજતાથી કહ્યું, `ના.’
તે વ્યક્તિએ ફરીથી પૂછ્યું, `જો હું ખજૂરની સાથે થોડું પાણી મિલાવું તો મને પાપ લાગે?’
પાદરીએ હળવા સ્મિત સાથે કહ્યું, `તો પણ કંઈ જ ફરક નહીં પડે.’
પેલી વ્યક્તિએ ફરીથી પ્રશ્ન કર્યો, `મહોદય, જો હું તે ખજૂરમાં પાણીની સાથે થોડું ખમીર મિલાવી લઉં તો શું તે ધાર્મિક દૃષ્ટિએ ખોટું છે?’
હવે પાદરીએ તે વ્યક્તિની ઇચ્છા જાણી લીધી, તેમ છતાં સહજ રહીને કહ્યું, `બિલકુલ નહીં.’
ત્યારે એ વ્યક્તિએ પોતાની દલીલ રજૂ કરતાં કહ્યું, `તો પછી ધર્મગ્રંથોમાં શરાબ(દારૂ) પીવાને પાપ શા માટે ગણવામાં આવે છે, જ્યારે શરાબ તો આ જ ત્રણે વસ્તુ ભેગી કરીને બને છે.’
પાદરીએ આ વખતે જવાબ આપવાને બદલે તે વ્યક્તિને સામો પ્રશ્ન કર્યો કે, `જો હું એક મુઠ્ઠી ધૂળ-માટી તમારા પર ફેંકું તો શું તમને વાગશે?’
આ સાંભળી સામેની વ્યક્તિએ કહ્યું, `ના, જરાય ન વાગે.’
ફરીથી પાદરીએ કહ્યું, `જો હું ધૂળ-માટીમાં થોડું પાણી નાખીને તમારા ઉપર ફેંકું તો તમને વાગશે?’
તે વ્યક્તિએ ફરીથી જવાબ આપ્યો, `ના’
હળવા સ્મિત સાથે પાદરીએ ફરીથી પૂછ્યું, `હવે હું ધૂળ-માટી અને પાણીમાં થોડા પથ્થર નાખીને તેને તમારા પર ફેંકું તો શું થશે? તમને વાગશે કે નહીં?’
આવો સવાલ સાંભળીને તે વ્યક્તિ થોડી ગભરાઈ. તેણે કહ્યું, `તમે કેવી વાત કરી રહ્યાં છો! મારું તો માથું જ ફૂટી જાય.’
પાદરીએ કહ્યું, `મને વિશ્વાસ છે કે હવે તમને તમારા પ્રશ્નનો ઉત્તર મળી ગયો હશે.’
ત્યારબાદ તે વ્યક્તિ શરમ અનુભવવા લાગી અને પાદરીની માફી માંગીને ત્યાંથી ચાલી ગઈ. તે દિવસથી તે ઈશ્વર, તેમાં માનનારા અને ધર્મગ્રંથોનું સન્માન કરવા લાગ્યો.
આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો


