- બે મહિના અગાઉ અપહરણની ફરિયાદ નોંધાવી હતી
- સરગાસણથી 2 મહિના અગાઉ કિશોરી ગુમ થઈ હતી
- પોલીસની મદદ માટે માતાપિતા કરી રહ્યાં છે આજીજી
છેલ્લા 2 મહિનાથી ગુમ કિશોરી ન શોધી શકતી અડાલજ પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યાં છે. બે મહિના પહેલાં અડાલજ પોલીસ સ્ટેશનમાં દીકરીના પિતાએ અપહરણની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ધોરણ 10મા ભણતી કિશોરી ગુમ થયાની જાણ તેના પિતાએ પોલીસને કરી હતી.
કિશોર વયની દીકરી સરગાસણથી 2 મહિના અગાઉ ગુમ થઈ
મળતી માહિતી અનુસાર, બનાસકાંઠાના વતની અને હાલ ગાંધીનગરમાં રહેતાં પરિવારની દીકરી ગુમ થઈ છે. બે મહિના પહેલાં દીકરીના પિતાએ અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમની દીકરી ધોરણ 10 માં અભ્યાસ કરે છે, તેમની કિશોર વયની દીકરી સરગાસણથી 2 મહિના અગાઉ ગુમ થઈ હતી. માતા-પિતાએ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી પરંતુ અપહરણની ફરિયાદ કરવાં છતાય પોલીસે કોઈ તસ્દી લીધી ન હતી, જેને કારણે માતા-પિતા પોલીસ પાસે મદદ માટે હવાતિયાં મારી રહ્યાં છે.
મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને પણ રજૂઆત કરી પરિણામ શૂન્ય
બે મહિનાથી ગુમ કિશોર વયની દીકરીને શોધવામાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરતાં માતા-પિતાએ ન્યાય માટે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને પણ રજૂઆત કરી હતી જેને પગલે પાલીસને આદેશ આપવામાં આવ્યો હોવા છતાંય કોઈ કાર્યવાહી કરવામાં ન આવતાં આખરે માતા-પિતાએ સંદેશ ન્યુઝ પાસે પહોંચ્યા હતાં અને પોતાની હૈયાવરાળ વેદના ઠાલવી હતી.
28 નવેમ્બરના રોજ રાત્રે 12.30 વાગે કિશોરી ગુમ થઈ
28 નવેમ્બરના રોજ રાત્રે 12.30 વાગે સરગાસણથી કિશોરી ગુમ થઈ હતી જેને ફરિયાદને બે મહિના થવા છતાંય પોલીસે કોઈ કાર્યવાહી ન કરતાં માતા-પિતાએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યાં હતાં. સગીર વયની કિશોરી ગુમ થતાં માતાપિતાએ હાઈકોર્ટમાં હેબિયર્સ કોપર્સ દાખલ કરી છે.


