- શિષ્ટાચાર બનેલા ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં અનેક વહીવટી અડચણો
- ACBમાં ડાયરેક્ટ ભરતીથી અધિકારી અને કર્મચારી મૂકવા હિતાવહ
- કાર્યવાહી માટે મંજૂરી ના મળી હોય તેવા અનેક દાખલા બન્યા
ભ્રષ્ટાચારને ડામવાના મિશન અંગે લોકોને જાણકારી મળે અને તેઓ જાગૃત થાય તે હેતુસર દર વર્ષે વિશ્વના તમામ દેશો 9, ડીસેમ્બરના રોજ ઈન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે મનાવે છે . જો કે, રાજ્યમાં ભ્રષ્ટાચાર સામેની લડતનો આ હેતુ કેટલીક અડચણોને કારણે પુરેપુરો સિધ્ધ થતો નથી. રાજ્યમાં આવતી અડચણોમાં મોટો પ્રશ્ન એ છે કે, એસીબી (એન્ટી કરપ્શન બ્યૂરો)ની ટ્રેપમાં લાંચ લેનાર પકડાય પણ આપનાર પકડાતા નથી. એસીબીમાં લાંચ આપનાર એક ટકો પણ પકડાયા ન હોવાનો ઘટસ્ફોટ થયો છે. અમુક જીલ્લા અને શહેરમાં આવા કેસનો આંકડો શૂન્ય પર છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા આઈપીએસ અધિકારીઓ અને પોલીસ વિભાગને એસીબીની કમાન સોંપવામાં આવી હોવાના મુદ્દે પણ અનેક સવાલો ઉપસ્થિત થાય છે. એસીબીના કેસોમાં છેલ્લા બે વર્ષમાં ઘટાડો આવ્યો હોવાથી ભ્રષ્ટાચાર સામેના મિશનની ગતી ધીમી પડી હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે. જાણકારોના મતે રાજ્ય સરકારે એસીબીમાં અધિકારીઓ અને કર્મચારીઓને અલગથી ભરતી કરીને મુકે તો ભ્રષ્ટાચાર સામેની લડતને વેગ મળી શકે તેમ છે.
ઈન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે નિમિતે આજે રાજ્યમાં ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં આવતી અડચણોને દૂર કરવા માટે રાજ્ય સરકાર કોઈ એક્શન પ્લાન બનાવે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. જાણકારોના મતે એસીબીની કમાન આઈપીએસ અને પોલીસ અધિકારીઓને સોંપવાને કારણે અમુક કેસમાં વ્હાલા દવલાની નિતિ ચાલતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. એસીબીના મોટા ભાગના કેસમાં નાના વર્ગના પીએસઆઈ, એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ, એલઆરડી કે ટ્રાફિક બ્રિગેડનના જવાનો લાંચના છટકામાં આવે છે. જ્યારે મોટા અધિકારીઓ પકડાયા હોય તેવા કેસ બહુ જ જૂજ થાય છે. બીજી તરફ 2020માં ભ્રષ્ટાચારના 199 કેસો થયા બાદમાં 2021માં 173 અને 2022માં 176 કેસ જ થયા હતા. આમ, લાંચ આપનાર તો હાથમાં આવ્યા જ નહી પણ લાંચ લેનાર પણ ઓછા પકડાયા હતા.
આ જ રીતે ભ્રષ્ટાચારના કેસ કર્યા બાદ કોર્ટમાં પણ આરોપીઓને સજા કરાવવાના મામલે એસીબીને મોટી પછડાટ મળી હોવાનું આંકડાઓ પરથી સ્પષ્ટ થયું છે. એસીબીના 434 કેસની તપાસ અગાઉથી પેન્ડીંગ હોવાનું તેમજ 2022ના 176 કેસ મળીને કુલ 610 કેસ પેન્ડિંગ હતા. આ કેસોમાંથી એસીબીએ 300 કેસમાં ચાર્જ શીટ થયું, બાકીના 310 કેસમાંથી 22 કેસોમાં ફાઈનલ રિપોર્ટ ભર્યો, એક કેસ અન્ય રાજ્યમાં તપાસમાં મોકલ્યો, પાંચ કેસ સરકારમાં મોકલ્યા તેમજ બાકીના 282 કેસની તપાસ પૂર્ણ કરવામાં આવી હતી. ભ્રષ્ટાચારના કેસોમાં એસીબીની ટીમ આરોપીઓને સજા કરાવી શકે તેવા મજબૂત કાગળો અને સાક્ષીઓ ઉભા કરવાના નિષ્ફળ જઈ રહ્યાનું જોવા મળી રહ્યું છે.2022માં એસીબીના 90 કેસની કોર્ટમાં ટ્રાયલ ચાલી જેમાંથી માત્ર 35 આરોપીઓને સજા થઈ, 41 કેસના આરોપીઓ છૂટી ગયા હતા. ટ્રાયલ ચલાવવા યોગ્ય ના લાગતા 14 કેસ કોર્ટે કાઢી નાંખ્યા હતા. કોર્ટમાં ટ્રાયલ પેન્ડિંગ હોય તેવા એસીબીના 2180 કેસમાંથી 105 કેસ કાઢી નાંખવામાં આવતા 2075 કેસની ટ્રાયલ હાલમાં પેન્ડિંગ છે. આ આંકડાઓ પરથી ઘટસ્ફોટ થયો છે કે,ભ્રષ્ટાચારના આરોપીઓને સજા કરવામાં એન્ટી કરપ્શન બ્યૂરોની સફળતાનો ગ્રાફ માત્ર 32.5 ટકાનો છે.
અધિકારી સામે કાર્યવાહી કરવા મંજૂરી જ મળતી નથી
ભ્રષ્ટાચારના અનેક કેસોમાં એસીબીને અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે મંજૂરી મળતી ન હોવાનો મુદ્દો ચગ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ અનેક કેસોમાં એસીબીએ આરોપી અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે સરકારમાંથી અનેક વખત મંજૂરી માંગી છે. જો કે, કાર્યવાહી માટે મંજૂરી ના મળી હોય તેવા અનેક દાખલા બન્યા છે.જેના કારણે લાંચીયા અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માટે કેસો કરનાર અધિકારીઓ અને કર્મચારીઓના મનોબળ પર અસર પડતી હોવાનું પોલીસ અધિકારીઓ જણાવી રહ્યા છે. લોકલ પોલીસમાં જ કામ કરીને આવેલા અમુક અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના અગંત કે બેચમેટને બચાવવા માટે ટ્રેપની જાણકારી ખાનગી રીતે આપી દેતા હોય છે. જેના કારણે અમુક કેસમાં એસીબીને પછડાટ મળે છે.


