- “CBI”ની ટીમે સત્યપાલ મલિકના ઘર અને અન્ય 30 જગ્યાઓ પર દરોડા પાડયા
- આ દરોડા કિરુ હાઈડ્રો પ્રોજેક્ટ કેસમાં ચાલી રહ્યા છે
- સત્યપાલ મલિકે ખેડૂતો અને મહિલા કુસ્તીબાજોના વિરોધના મુદ્દે સરકારની ટીકા કરી છે
સત્યપાલ મલિકે આરોપ લગાવ્યો હતો કે, જ્યારે તેઓ રાજ્યના રાજ્યપાલ હતા (જમ્મુ અને કાશ્મીર હજુ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું ન હતું) ત્યારે તેમને પ્રોજેક્ટ સાથે સંબંધિત બે ફાઈલો ક્લિયર કરવા માટે રૂ. 300 કરોડની લાંચની ઓફર કરવામાં આવી હતી. તેઓ 23 ઓગસ્ટ 2018 થી 30 ઓક્ટોબર 2019 સુધી જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ હતા.”CBI”એ જમ્મુ-કાશ્મીરના કિરુ હાઈડ્રો ઈલેક્ટ્રીક પ્રોજેક્ટ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં આજે સવારે દિલ્હીમાં પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના નિવાસસ્થાન અને કાર્યાલયની સર્ચ કરી હતી. આ સિવાય કેન્દ્રીય એજન્સીએ જમ્મુ-કાશ્મીરમાં 30 સ્થળો પર પણ દરોડા પાડયા હતા. આ મામલો કિશ્તવાડમાં ચેનાબ નદી પર પ્રસ્તાવિત કિરુ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ માટે 2019 માં રૂ. 2200 કરોડના સિવિલ વર્ક કોન્ટ્રાક્ટ આપવામાં કથિત ભ્રષ્ટાચાર સાથે સંબંધિત છે.
કયા કેસમાં દરોડા
જો કે, આ પહેલીવાર નથી જ્યારે “CBI”એ કિરુ હાઈડ્રોઈલેક્ટ્રિક પ્રોજેક્ટ કેસમાં સત્યપાલ મલિકના પરિસરમાં દરોડા પાડ્યા હોય. ગયા વર્ષે મે મહિનામાં પણ “CBI”એ આ જ કેસમાં 12 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાંથી એક સત્યપાલ મલિકના ભૂતપૂર્વ સહયોગીનો હતો. તપાસ એજન્સીએ સત્યપાલ મલિકના મીડિયા સલાહકાર સૌનક બાલીના ઘરે દરોડા પાડ્યા હતા. તે જ સમયે, હજુ સુધી એ જાણી શકાયું નથી કે,જ્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે,તે 30 સ્થળો કયા રાજ્યોમાં છે.
આવી જ હતી સત્યપાલ મલિકની રાજકીય સફર
ઉત્તર પ્રદેશ (યુપી)ના બાગપતના રહેવાસી સત્યપાલ મલિકે મેરઠની ચૌધરી ચરણ સિંહ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. તેમની રાજકીય કારકિર્દી 1974માં બાગપતથી ધારાસભ્ય તરીકે શરૂ થઈ હતી. 1980માં તેઓ લોકદળમાંથી સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં પહોંચ્યા. પછી યુપીના અલીગઢથી સાંસદ બન્યા. 1996માં સમાજવાદી પાર્ટી (SP)ની ટિકિટ મળી હતી પરંતુ આ સીટ પર તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.ત્યારબાદ 2004માં તેઓ ભાજપનો ભાગ બન્યા અને ચૂંટણી લડ્યા પરંતુ આ વખતે પણ તેમને હારનો સ્વાદ ચાખવો પડ્યો. 2012 માં, તેમને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા અને પછી તેમને એક પછી એક 4 રાજ્યોના રાજ્યપાલની જવાબદારી આપવામાં આવી (અનુક્રમે બિહાર-2017, જમ્મુ કાશ્મીર-2018, ગોવા-2019 અને મેઘાલય-2020).


