- GNLUમાં દુષ્કર્મ મુદ્દે સીલબંધ રિપોર્ટ વાંચી HCએ એડ્વોકેટ જનરલને ખખડાવ્યા
- લૉ સ્ટુડન્ટ્સનો અવાજ દબાવાશે તો પછી દેશમાં બોલી કોણ શકશે?
- લૉ કોલેજમાં આ સ્થિતિ હોય તો બધા લેક્ચર, સેમિનાર પાણીમાં ગયા
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી(જીએનએલયુ)માં કથિત દુષ્કર્મ અને જાતીય સતામણીના બે અલગ અલગ બનાવોને લઇ દાખલ થયેલી સુઓમોટો પિટિશનની સુનાવણીમાં આજે ગુજરાત હાઇકોર્ટે ફેક્ટ ફઇન્ડીંગ કમીટી( સત્યશોધક સમિતિ)ના રિપોર્ટને જોઇ ચોંકી ઉઠી હતી. અગાઉ જીએનએલયુ દ્વારા સંસ્થામાં આવી કોઇ ઘટના ઘટી નહી હોવાનો બચાવ કર્યો હતો, જેને લઇને ચીફ્ જસ્ટિસની ખંડપીઠે GNLU અને રાજ્યના એડ્વોકેટ જનરલને ફ્ટકાર લગાવી હતી અને તેનો ઉધડો લેતાં ગંભીર ટકોર કરી હતી કે, લો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સુરક્ષિત ના હોય અને અવાજ પણ ના ઉઠાવી શકે એ સ્થિતિ બહુ ગંભીર અને ચિંતાજનક છે. જો લો સ્ટુડન્ટ્સનો અવાજ જ દબાવવામાં આવશે તો પછી દેશમાં કોણ બોલશે? લો કોલેજમાં આ સ્થિતિ પ્રવર્તે છે તો આપણે કોઇને મોંઢુ નહી બતાવી શકીએ અને બધા લેક્ચર, સેમીનાર, વાર્તાલાપ બધુ વ્યર્થ ગયુ, તેનો કોઇ અર્થ નથી.
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના બનાવોની તપાસ માટે હાઇકોર્ટના પૂર્વ જસ્ટિસ હર્ષા દેવાણીના ચેરમેનપદે રચાયેલી ફેક્ટ ફઇન્ડીંગ કમીટીએ સીલબંધ કવરમાં રજૂ કરેલા રિપોર્ટમાં ઘટસ્ફેટ કરાયો હતો કે, જીએનએલયુમાં દુષ્કર્મ, છેડતી, જાતીય સતામણી, હોમોફેબીયા, પક્ષપાતની ઘટનાઓ બની છે, જેને લઇ ચીફ્ જસ્ટિસે આ અહેવાલને ખૂબ આઘાતજનક અને ડરામણો ગણાવ્યો હતો. હાઇકોર્ટે સમગ્ર અહેવાલને બારીકાઇથી નિહાળ્યા બાદ તેમાં ઉલ્લેખ કરાયેલી ચોંકાવનારી હકીકતોને લઇ હાઇકોર્ટ ભારે વ્યથિત થઇ ગઇ હતી. હાઇકોર્ટે રિપોર્ટને ટાંકતા જણાવ્યું કે, જીએનએલયુમાં જાતીય શોષણ, દુષ્કર્મ, ભેદભાવ, હોમોફેબીયાની ઘટનાઓ ઉપરાંત, લો સ્ટુડન્ટન્સના અવાજને દબાવવાનો પ્રયાસ, સંસ્થામાં ઇન્ટર્નલ કમ્પલેન કમીટીનો અભાવ અને તેની વિદ્યાર્થીઓને પણ કોઇ માહિતી નહી હોવા સહિતની ગંભીર બાબતો સામે આવી છે.
ચીફ્ જસ્ટિસે બહુ ગંભીર સવાલ કર્યો હતો કે, રાષ્ટ્રીય કક્ષાની એક લો કોલેજમાં આ પ્રકારની ઘટનાઓ કેવી રીતે બની શકે..? હાઇકોર્ટે જીએનએલયુના રજિસ્ટ્રારના એવા દાવા કે, સંસ્થામાં આવું કંઇ બન્યું નથી અને અમારી જાણમાં આવ્યું નથી તેને યાદ કરીને જીએનએલયુ સત્તાવાળાઓને ઝાટકતાં જણાવ્યું કે, રજિસ્ટ્રારે આવું સોગંદનામુ કરી અદાલતને સુઓમોટો પિટિશનનો નિકાલ કરવા એ વખતે વિનંતી કરી હતી. ખરેખર જયારે ખુદ હાઇકોર્ટે જયારે આ મુદ્દો પકડયો છે, ત્યારે તેમનામાં આવું કહેવાની હિંમત હતી તે બહુ ગંભીર બાબત છે. આવા લોકો શું વિદ્યાર્થીઓ(બાળકોનું) રક્ષણ કરશે…?
હાઇકોર્ટે એવી પણ ટકોર કરી કે, ફેકટ ફઇન્ડીંગ કમીટીની તપાસ દરમ્યાન વિદ્યાર્થીઓ માટે આ ઘટનાઓ વિશે બોલવું એટલું મુશ્કેલ હતું કે, સમિતિએ તેમના જવાબો મેળવવા માટે પ્રશ્નાવલી તૈયાર કરીને તેઓને આપવી પડી હતી. તેઓ કાયદાના વિદ્યાર્થીઓ છે અને જો તેમના માટે બોલવું ખૂબ મુશ્કેલ હતુ અને તેમનો જ અવાજ જો દબાવવામાં આવશે તો પછી દેશમાં બીજું કોણ બોલશે..? તેઓ અન્ય લોકોનું રક્ષણ કેવી રીતે કરી શકશે…? અને બીજાને કેવી રીતે મદદ કરી શકશે.
પોલીસ સમક્ષનો કેસ દબાવવામાં રાજકીય વગ ધરાવતી વ્યકિત સામેલ : HC
હાઇકોર્ટે ટકોર કરતાં જણાવ્યું કે, આ સમગ્ર પ્રકરણમાં આરોપીઓના નામ પણ જાહેર કરાયા છે અને સ્પષ્ટ થયું છે કે, પોલીસ સમક્ષ કેસને દબાવવામાં રાજકીય રીતે પ્રભાવશાળી વ્યકિત સામેલ છે. અદાલત પાસે વિદ્યાર્થીઓ પરત્વે અવિશ્વાસ રાખવાનું કોઇ કારણ નથી. અમે કેમ એવું માનીએ કે, વિદ્યાર્થીઓ ખોટું કહેતા હોય અને તેઓ શા માટે એવું કરે..? તેઓ સંસ્થામાં અભ્યાસ કરે છે અને તેઓને કોઇપણ ફેકલ્ટી મેમ્બર સામે કોઇ અંગત અણબનાવ નથી.
કાયદાના વિદ્યાર્થીઓ સમાજમાં કેવી રીતે બહાર આવશે ?
ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલે લાગણીસભર ટકોર કરતાં જણાવ્યું કે, તેઓ રિપોર્ટ જોઇ આઘાતમાં અને વ્યથિત છે. ખાસ કરીને કાયદાના વિદ્યાર્થીઓ એને તેમના ભવિષ્યને લઇ ખૂબ ચિંતિત છે. તેઓ કાયદાના રક્ષક છે.. તેઓ સમાજમાં કેવી રીતે બહાર આવશે..? જીએનએલયુના તમામ સેમીનાર, લેક્ચર્સ, વાર્તાલાપ બધુ બગડી ગયુ, હવે તેનો કોઇ અર્થ નથી.
રિપોર્ટની બાબતોને લઇ હવે કાર્યવાહી કરવી જરૂરી : હાઇકોર્ટ
હાઇકોર્ટે જણાવ્યું કે, ફેકટ ફઇન્ડીંગ કમીટીના રિપોર્ટને લઇ હવે ઉચ્ચ સ્તરીય તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી બને છે. ખાસ કરીને જીએનએલયુ અને તેની ફેકલ્ટીમાં તપાસની અનિવાર્યતા જણાય છે. હાઇકોર્ટે રાજય સરકારને પૃચ્છા કરી કે, રિપોર્ટ પરત્વે કાર્યવાહી કરી શકે તેવી સક્ષમ ઓથોરીટી અમને કહો કે જેને અમે કાર્યવાહી માટે હુકમ કરી શકીએ..


