- ન્યૂઝીલેન્ડના ટિમ સાઉદીના રોહિતને 11 વાર આઉટ કરવાના રેકોર્ડને તોડયો
- ત્રીજા ક્રમે એન્જેલો મેથ્યૂઝે 10 વાર આઉટ કર્યો છે
- રબાડાએ રોહિતને આઉટ કરીને પોતાના નામે એક સિદ્ધિ નોંધાવી
કેપ્ટન રોહિત શર્માએ રવિવારે સાઉથ આફ્રિકા સામેની વર્લ્ડ કપ 2023 મેચમાં તોફાની બેટિંગ કરી હતી. રોહિત ભલે અર્ધસદી ચૂકી ગયો પણ જ્યાં સુધી તે ક્રિઝ પર ઊભો હતો ત્યાં સુધી તેનો દબદબો હતો. તેણે કોલકાતાના ઇડન ગાર્ડનમાં 24 બોલમાં 40 રન કર્યા હતા. પોતાની બેટિંગ દરમિયાન તેણે છ ચોગ્ગા અને બે સિક્સર ફટકાર્યાં હતાં. રોહિતની વિકેટ સાઉથ આફ્રિકાના ઝડપી બોલર કગિસો રબાડાએ લીધી હતી. રોહિતે છઠ્ઠી ઓવરના પાંચમા બોલે ટેમ્બા બાવુમાને કેચ આપી દીધો હતો.
રબાડાએ રોહિતને આઉટ કરીને પોતાના નામે એક સિદ્ધિ નોંધાવી છે. રબાડા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રોહિતને સૌથી વધારે વખત આઉટ કરનાર બોલર બની ગયો છે. તેણે અત્યાર સુધીમાં 12 વખત રોહિતને પેવેલિયન ભેગો કરી દીધો છે. તેણે ન્યૂઝીલેન્ડના પેસર ટિમ સાઉદીને પાછળ છોડી દીધો છે. ટિમ સાઉદીએ હિટમેનના નામે પ્રખ્યાત રોહિતને 11 વાર આઉટ કર્યો છે. તેના બાદ લિસ્ટમાં એન્જેલો મેથ્યૂઝ (10 વાર), ઓસ્ટ્રેલિયાના સ્પિનર નાથન લિયોન (9 વાર) અને ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટ (8 વાર)નો સમાવેશ થાય છે.
ભારત વિરુદ્ધ સાઉથ આફ્રિકાની મેચની વાત કરીએ તો રોહિતે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેણે શુભમન ગિલ સાથે પહેલી વિકેટ માટે 62 રનની ભાગીદારી કરી હતી. રોહિત આઉટ થયા બાદ ગિલે વિરાટ કોહલી સાથે બીજી વિકેટ માટે 31 રનની ભાગીદારી નોંધાવી હતી. ગિલને સ્પિનર કેશવ મહારાજે 11મી ઓવરમાં બોલ્ડ કર્યો હતો.