- હમાસ અને ઈઝરાયલને યુદ્ધને આજે સાત મહિના પૂર્ણ થયા
- રફા ક્રોસિંગના પેલેસ્ટાઈન વિસ્તારમાં ઈઝરાયલની સૈન્યનો કબ્જો
- ટૂંક સમયમાં ઈઝરાયલ સૈન્ય સત્તાવાર નિવેદન જાહેર કરશે
ટચૂકડા દેશ ઈઝરાયલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધને આજે સાત મહિના પૂર્ણ થયા છે. જો કે બંને પક્ષ હજી કોઈને મચક આપી નથી રહ્યું. આ દરમ્યાન ઈઝરાયલના સૈન્યએ રફા ક્રોસિંગના પેલેસ્ટાઈન વિસ્તાર પર કબ્જો જમાવી લીધો છે. ઈઝરાયલના આર્મી રેડિયોએ મંગળવારે આનો દાવો કર્યો છે. ટૂંક સમયમાં ઈઝરાયલ સૈન્ય જલ્દી સત્તાવાર નિવેદન જાહેર કરશે. ઉલ્લેખનીય છે કે રફા ક્રોસિંગ દક્ષિણ ગાઝામાં આવેલી ઈજિપ્તની સરહદ પર છે.
આ અગાઉ એક દિવસ અગાઉ છ મેએ ઈઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે ગમે તે સમયે રફા પર હુમલો કરી શકે છે. જેને જોતા સોમવારે બપોર બાદ ઈઝરાયલ સૈન્યએ પેલેસ્ટાઈનના પૂર્વ રફાને ખાલી કરવાની સૂચના આપી હતી. જણાવી દઈએ કે 10 લાખથી વધુ યુદ્ધ વિસ્થાપિત પેલેસ્ટાઈન લોકોએ આ સ્થળે શરણ લીધી છે.
રફાને હરાવીને જીત મળશે
ઉલ્લેખનીય છે કે હમાસ વિરુદ્ધ પોતાના યુદ્ધના સાત મહિનામાં ઈઝરાયલે રફામાં ઘૂસણખોરી શરૂ કરવાની ઘણીવાર ધમકી આપી છે. ઈઝરાયલી સેનાનું માનવું છે કે રફામાં હજારો હમાસ લડવૈયાઓ અને ડઝન બંધકોને શરણમાં રાખવામાં આવ્યા છે. સૈન્યનું માનવું છે કે રફાને હરાવ્યા વગર જીત શક્ય નથી.
ગાઝાના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલતા આ યુદ્ધમાં 34,600થી વધુ પેલેસ્ટાઈન લોકો માર્યા ગયા છે જ્યારે યુનોએ જણાવ્યું કે આ યુદ્ધ ત્યારે શરૂ થયું જ્યારે હમાસના આતંકવાદીઓએ સાત ઑક્ટોબરે ઈઝરાયલ પર હુમલો કર્યો હતો. ઈઝરાયલની આંકડાઓ અનુસાર આશરે 1200 લોકોની હત્યા કરી અને 252 અન્ય લોકોને બંધક બનાવ્યા જે અંગે મનાઈ રહ્યું છે કે 133 લોકો ગાઝામાં કેદ છે.


