પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ડો.ભરત બોઘરાએ રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસને લીધી આડે હાથ
વારસાઇ મિલકત પર ટેક્સ લગાવવાની વાત કરી કોંગ્રેસ પ્રજાને લૂંટવાની દાનત રાખે છે : ડો.બોઘરા
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે પ્રતિસ્પધિ પક્ષના નેતાઓ દ્વારા થતા વિવાદાસ્પદ ભાષણ ઉપર પલટવાર કરવા જે તે પક્ષ એક તક પણ ચુકતો નથી. વિપક્ષ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી છેલ્લા બે દિવસથી તેમના વિવાદાસ્પદ ભાષણને લઇને ચર્ચામાં છે. ગઇકાલે તેમણે રાજા-રજવાડા એ વખતે જમીન લઇ લેતા હતા તેવી એક ટીપ્પણી કરી હતી. તો એ પૂર્વે વારસાગત મિલકત પર ટેક્સ વસુલવાને લઇને વિવાદમાં આવી ગયા છે. ભાજપે આ વિવાદાસ્પદ ભાષણ પર તૂટી પડવા તક ઝડપી લીધી. સમગ્ર ગુજરાતમાં પ્રેસ કોન્ફરન્સ કરવાના એજન્ડા સંદર્ભે આજે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ડો.ભરત બોઘરાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
ભાજપના ઉપપ્રમુખ ડો. ભરતભાઈ બોઘરાએ પત્રકાર પરિષદમાં કહ્યુ હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકસિત ભારતનું સ્વપ્નું સાકાર કરવા કટીબધ્ધ બન્યા છે. દેશની જનતાએ પણ અબ કી બાર મોદી સરકાર અબ કી બાર ૪૦૦ કે પાર ના સુત્રને દેશના યુવાનો, દેશના ગરીબો, દેશના શોષિતો, પીડીતો, મહિલાઓ, ખેડુતો, સાકાર કરવા માટે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયા છે ત્યારે આવા સમયે શાંત પાણીને ડહોળવા માટે કોંગ્રેસ અને અન્ય અલગતાવાદી પરિબળો સાથે મળી દેશમાં કોમવાદ, જ્ઞાતિવાદ, નકસલવાદ, આંતકવાદ જેવા મુદાઓને જોર-શોરથી ઉત્તેજન આપી દેશ વિરોધી તાકાતોને બળ આપી રહયુ છે.
વધુમા તેમણે કહ્યુ હતુ કે, લોકશાહીના પર્વ સમાન ચુંટણીઓમાં દરેક પાર્ટીઓ પોત પોતાના એજન્ડા રજુ કરતાં હોય છે. ત્યારે આ લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસે પોતાના એજન્ડાઓ રજુ કરેલ છે જેમાં પ્રથમ દૃષ્ટિએ કોંગ્રેસના એજન્ડામાં દેશ વિરોધી તાકાતોને બળ મળે તેવાં મુદાઓનો સમાવેશ કરેલ છે. જેમાં ખાસ કરી વારસાગત ટેક્ષની વાત કરેલ છે. માતા પિતા પાસેથી વારસામાં મળેલી સંપત્તિ પર પણ ટેક્ષ લગાવશે અને આવી સંપત્તિ તેના સંતાનોને નહિ પણ કોંગ્રેસને મળશે.દરમિયાન બે દિવસ પહેલા રાહુલ ગાંધીએ રાજા-રજવાડાને લઇને એવી ટીપ્પણી કરી હતી કે, રાજવીઓએ લોકોની જમીન લઇ લીધી હતી. આ વિવાદાસ્પદ ભાષણને લઇને ડો.બોઘરાએ કોંગ્રેસની ઝાટકણી કાઢતા એવી પ્રતિક્રિયા આપી હતી કે, રાહુલ ગાંધીની આ ટીપ્પણી દેશના રાજા-રજવાડાઓના ભવ્ય અને દિવ્ય ઇતિહાસનું અપમાન છે, સમગ્ર દેશની જનતાનું અપમાન છે. કોંગ્રેસના આ લોકસભાની ચુંટણીના એજન્ડામાં દેશના વિકાસની કોઈ વાત નથી. પરંતુ કોંગ્રેસે જીવન સાથે પણ, જીવન પછી પણ અને જયાં સુધી તમે જીવતા રહો ત્યાં સુધી તમારા પર કર બોજ નાખી આર્થિક પરિસ્થિતિને નુકશાન પહોંચાડશે એ નક્કી છે. ભારત આઝાદ થયું ત્યારથી કોંગ્રેસે પોતાના એજન્ડામાં હંમેશા દેશ પછાત રહે તેવી દિશામાં કામ કર્યુ છે. બીજીબાજુ નરેન્દ્રભાઈ મોદીએ આગામી ૨૪ વર્ષ ૨૦૪૭ ભારતની પ્રગતિનો માર્ગ નકકી કરવા માટે એક મોટી યોજનાની રૂપરેખા રજૂ કરી છે. જેમા દેશની જનતા, યુવાનો, મહિલાઓને દેશને ડીઝીટલ ક્ષેત્રે, શિક્ષણક્ષેત્રે, વિજ્ઞાનક્ષેત્રે સંશોધનમાં આગળ કરી દેશની સુખાકારીમાં વધારો થાય તેવા પ્રયત્નો નરેન્દ્રભાઈ મોદીના રહયા છે. લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસે ચુંટણીના પરિણામ પહેલાં જ હાર સ્વીકારી લીધી છે અને પરિણામ પછીની જે માનસિકતા હારેલા પક્ષની હોય તેવી માનસિકતા કોંગ્રેસ પક્ષની થઈ રહી છે. પત્રકાર પરિષદમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્વીન મોલીયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા અને રાજુભાઈ ધ્રુવ સહિતના ઉપસ્થિત રહયા હતા. આ પ્રેસ કોન્ફરન્સના આયોજન માટે ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષીએ જહેમત ઉઠાવી હતી.


