- થાનના 3 શખ્સો, 9 મજૂરો અને જમીનના માલિક સહિત 14 સામે ફરિયાદ નોંધાઈ
- બે કૂવામાં ઉતારેલા 9 એમપીના મજુરોને સુરક્ષિત બહાર કઢાયા
- ખાનગી માલિકીની જમીનમાંથી કાર્બોસેલનું કૂવા ખોદી ખનન કરવામાં આવતું હતું
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ધોળીયા ગામે તા. 1 નવેમ્બરના રોજ સવારે ખાણ ખનીજની ટીમે દરોડો કર્યો હતો. જેમાં ખાડામાં ઉતરી મજુરી કામ કરી ખનીજ બહાર કાઢતા 9 મજુરો હાથ લાગ્યા હતા. આ મજુરો પાસે થાનના ત્રણ શખ્સો ખનીજચોરી કરાવતા હતા. ત્યારે ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઈન્સપેકટરે તા. રને ગુરૂવારે રૂપીયા 21,65,000ની ખનીજચોરીની મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ચકચાર ફેલાઈ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં અખુટ ખનીજ સંપત્તી ધરબાયેલી છે. જેમાં થાન અને મુળી તાલુકામાં મળી આવતા કાર્બોસેલની ભારે માંગ છે. આથી અપાયેલ લીઝ ઉપરાંતની જમીનોમાંથી બેફામ ખનીજ ચોરી કરવામાં આવે છે. રીતસરના ઉંડા કુવા કરી તેમાં મજુરો અને ટ્રેકટર ઉતારી ખનીજ ચોરીને અંજામ આપવામાં આવી રહ્યો છે. ત્યારે ખાણ ખનીજ અધીકારી નીરવ બારોટ, સંજયસીંહ મસાણી, રાહુલભાઈ મહેશ્વરી, સાહીલભાઈ સહીતની ટીમે તા. 1ના રોજ સવારે મુળી તાલુકાના ધોળીયા ગામે દરોડો કર્યો હતો. જેમાં ર સર્વે નંબરોની ખાનગી માલીકીની જમીનમાં કુવા ગાળી કાર્બોસેલનું ખનન કરવામાં આવતુ હોવાનું સામે આવ્યુ હતુ. આથી ખાણ ખનીજની ટીમે ધોળીયા ગ્રામ પંચાયતના સરપંચ અને મુળી પોલીસની ટીમોને બોલાવી લીધી હતી. અને તપાસ કરતા ખાડામાં મજુરોના અવાજ સંભળાયા હતા. જેમાં એક ખાડામાંથી 6 અને બીજા ખાડામાંથી 3 એમ કુલ 9 મજુરોને હેમખેમ બહાર કઢાયા હતા. અને કાર્બોસેલનો 3 હજાર મેટ્રીક ટનથી વધુનો જથ્થો, ટ્રેકટર અને 3 ચરખી સહિતનો સામાન કિંમત રૂપીયા 21,60,535નો કબજે કરી મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ ડી.ડી.ચુડાસમા ચલાવી રહ્યા છે.
ધોળીયા ગામે છેલ્લા દોઢ માસથી ચાલતી હતી ખનીજ ચોરી
મુળી તાલુકાના ધોળીયા ગામે થાનનો વિજય નાનજીભાઈ ઉઘરેજા ખનીજ ચોરી કરતો હતો. જેમાં ટ્રેકટર અજય નાનજીભાઈ ઉઘરેજાનું હતુ તથા તેનો ચાલક માનસ ભગવાનભાઈ અઘારા હતા. આ ટ્રેકટર ખાડામાં ઉતારી કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન કરવામાં આવતુ હોવાનું બહાર આવ્યુ છે.
કોની કોની સામે ફરિયાદ નોંધાઈ
- માનસંગ ભગવાનભાઈ અઘારા, થાન
- અજય નાનજીભાઈ ઉઘરેજા, થાન
- મુકેશ પાંગલા વાખલા, જાંબવા, મધ્યપ્રદેશ
- ધનુબેન મોહનસીંગ ટોકરીયા, જાંબવા, મધ્યપ્રદેશ
- મુકેશ બાબુભાઈ ગામર, જાંબવા, મધ્યપ્રદેશ
- નુરજાબેન દરૂભાઈ સીંગાળ, જાંબવા, મધ્યપ્રદેશ
- માંગીલાલ દરૂભાઈ સીંગાળ, જાંબવા, મધ્યપ્રદેશ
- દુર્ગાબેન મુનાભાઈ વાખલા, જાંબવા, મધ્યપ્રદેશ
- રોશન મેદનભાઈ વાખલા, જાંબવા, મધ્યપ્રદેશ
- કમલેશ મેદનભાઈ વાખલા, જાંબવા, મધ્યપ્રદેશ
- રાકેશ બસુભાઈ બારીયા, જાંબવા, મધ્યપ્રદેશ
- વિજય નાનજીભાઈ ઉઘરેજા, થાન
- બે અલગ-અલગ રેવન્યુ નંબરના ખાતેદારો, કબજેદારો


