- 23 જાન્યુઆરીથી મંદિર જનતા માટે ખુલ્લું રહેશે
- પ્રવાસીઓની માગને જોતાં મોટી સંખ્યામાં ટ્રેન દોડાવવામાં આવશે
- શ્રાદ્ધાળુ પવિત્ર શહેરની યાત્રા કરી શકે તે માટે આ આયોજન
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ નવનિર્મિત રામમંદિરના ભવ્ય ઉદ્ઘાટન માટે તડામાર તૈયારી ચાલી રહી છે. તે અરસામાં ભારતીય રેલવે પણ ભક્તો માટે દેશના વિવિધ વિસ્તારોમાંથી 1,000થી વધુ ટ્રેન દોડવવા યોજના ઘડી રહી છે. તે ટ્રેનનું સંચાલન 19 જાન્યુઆરીથી શરૂ થશે ઉદ્ઘાટન પછીના 100 દિવસ સુધી ટ્રેન દોડતી રહેશે. શ્રાદ્ધાળુ પવિત્ર શહેરની યાત્રા કરી શકે તે માટે આ આયોજન થઈ રહ્યું છે. તીર્થયાત્રીઓ માટે આ વિશેષ ટ્રેન દિલ્હી, મુંબઇ, ચેન્નઈ,બેંગલુરુ, પૂણે, કોલકાતા, નાગપુર, લખનઉ અને જમ્મુ સહિતના મુખ્ય સ્ટેશનેથી અયોધ્યા સુધી દોડશે. સૂત્રોના જણાવ્યા મુજબ,’પ્રવાસીઓની માગને જોતાં મોટી સંખ્યામાં ટ્રેન દોડાવવામાં આવશે.
ભારતીય રેલવેમાં વેઇટિંગ લિસ્ટ ભૂતકાળ થઇ જશે : રૂ. એક લાખ કરોડની યોજના
ભારતીય રેલવે આગામી કેટલાક વર્ષોમાં રૂ. એક લાખ કરોડનું રોકાણ કરવાની તૈયારીમાં છે. કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ઘણી બધી નવી ટ્રેન ચલાવવાની યોજના છે. તેમણે જણાવ્યું હતું કે પ્રવાસીઓ તરફથી વધી રહેલી માંગને ધ્યાનમાં રાખતાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રીઓએ જણાવ્યું હતું કે આ એક મોટા અપગ્રેડનો હિસ્સો છે કે જેનો ઉદ્દેશ પ્રવાસીઓ અન્ય ગૂડ્ઝની હેરફેર માટે ટ્રેનની ઉપલબ્ધિતાને વધારવાનો છે. તેમણે જણાવ્યું હતું કે અમે જૂના રોલિંગ સ્ટોકને બદલવા માંગીએ છીએ. તેના માટે 7000-8000 નવી ટ્રેન શરૂં કરવાની જરૂરિયાત રહેશે. તેને માટે આગામી 4-5 વર્ષમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે. તેમાં લગભગ રૂ. એક લાખ કરોડની ટ્રેનની ખરીદીના ટેન્ડર્સનો પણ સમાવેશ થાય છે.


