- રાજકોટના પડધરી વિસ્તારમાં 50 વર્ષ જૂનો એક પુલ પણ તુટી પડયો હતો
- મોટા ખીજડિયા ગામની નદીના પૂરમાં પ્રૌઢ તણાયા પણ બચાવી લેવાયા
- પાલીતાણામાં સૌથી વધુ તાલુકામાં સવા ઈંચ વરસાદ પડયો હતો
શુક્રવારના રોજ રાજ્યનાં 18થી વધુ તાલુકાઓમાં વરસાદી માહોલ રહ્યો હતો, જેમાં સૌથી વધુ પાલીતાણા તાલુકામાં સવા ઈંચ વરસાદ પડયો હતો. આ સિવાય ડાંગના વઘઈ અને ભાવનગરના તળાજા તાલુકામાં અડધો ઈંચ વરસાદ પડયો હતો. બીજી તરફ આજે ડાંગના ગલકુંડ વિસ્તારમાં વાદળ ફાટયાં જેવો ધોધમાર વરસાદ પડયો હતો.
સૌરાષ્ટ્રમાં રાજકોટના પડધરી ગામમાં પણ ધોધમાર વરસાદ પડતા ઘુંટણસમા પાણી ભરાયા હતા. એટલુ જ નહી, આ વિસ્તારમાં 50 વર્ષ જૂનો એક પુલ પણ તુટી પડયો હતો. આ સિવાય કચ્છના રાપર શહેર અને તાલુકાના ગામોમાં અડધા ઈંચ જેટલો વરસાદ પડયો હતો. અમદાવાદ શહેરમાં પણ રાત્રે 9 વાગ્યા પછી વરસાદ શરૂ થયો હતો.
સૌરાષ્ટ્રમાં અસહ્ય ઉકળાટ બાદ આજે રાજકોટ, વાંકાનેર અને પડધરી પંથકમાં વરસાદની એન્ટ્રી થઈ હતી. પડધરીના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસાદ પડતા ગામમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતા. પ્રથમ વરસાદમાં ગામનો ચેકડેમ છલોછલ થઈ ગયો હતો. મોટા ખીજડીયા ગામની નદીમાં ધસમસતા પૂરમાં બાઈક લઈ પસાર થતા પ્રોઢ પાણીના પ્રવાહમાં તણાયા હતા. જો કે ગ્રામજનોએ તેમને બચાવી લીધા હતા. ભુજમાં સવારે 9 વાગ્યાની આસપાસ છાંટારૂપી વરસાદ થયો હતો. રાપર ઉપરાંત તાલુકાનાં નંદાસર, કલ્યાણપર, હમીરપર, કાનમેર, મોડા, ખાંડેક, પ્રાગપર આસપાસના ગામોમાં જોરદાર વરસાદી ઝાપટા પડતાં આ ગામોમા પણ અડધો ઈંચ જેટલો વરસાદ થયો હોવાનું જાણવા મળ્યું હતું.
6 દિવસ દરમિયાન આ વિસ્તારમાં વરસાદની આગાહી
શનિવાર : દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર
રવિવાર : ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર અને બોટાદ
સોમવાર : નવસારી, વલસાડ અને ભાવનગર
મંગળવાર : નવસારી, વલસાડ, ભાવનગર અને અમરેલી
બુધવાર : ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ
ગુરુવાર : નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ


