- સાવલી નગર પાલિકા દ્વારા રૂા. 10 લાખના ખર્ચે નાખેલ
- પ્રજાના નાણાંનો દુર્વ્યય થતાં નગરજનોમાં વ્યાપેલો ભારે રોષ
- સાવલી નગર પાલિકા વિકાસના કામોના મુદ્દે ફરી એકવાર વિવાદમાં આવી
સાવલી નગર પાલિકા દ્વારા ભાટપુરા ગામે જવાના રોડ પર વરસાદી પાણીના નિકાલ માટે રૂા.10 લાખના ખર્ચે બનાવેલ પાઇપલાઇન 6 મહિનામાં તૂટી જવાના આક્ષેપ સાથે નગરના જાગૃત નાગરિકે જિલ્લા કલેકટર તેમજ પ્રાદેશિક કમિશનર કચેરીને લેખિતમાં રજૂઆત કરીને કસૂરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરતા તાલુકામાં રાજકીય ગરમાવો આવ્યો છે. પ્રજાના નાણાં વ્યર્થ જવાના પગલે નગરજનોમાં રોષ ફટી નીકળ્યો છે.
સાવલી નગર પાલિકા વિકાસના કામોના મુદ્દે ફરી એકવાર વિવાદમાં આવી છે. પાલિકા સત્તાધીશોની અણઆવડત અને બેદરકારી સામે આવી છે. પ્રજાના નાણાંનો ઉપયોગ તઘલખી નિર્ણયો દ્વારા વપરાતા હોવાની બુમો ઉઠી છે. સાવલીમાં છેલ્લા 15 વર્ષથી ભાજપ શાસિત પાલિકા છે. વારે ઘડીએ પાલિકાના વહીવટ અને ભ્રષ્ટાચારની બુમો તેમજ ફ્રિયાદો નગરજનો દ્વારા મુખ્યમંત્રી સુધી કરેલી છે. તેવામાં ફરી એકવાર સાવલી નગરપાલિકા વિવાદમાં ફ્સાઈ છે. સાવલીના રતનસિંહ ગોવિંદભાઈ પરમાર નામના જાગૃત નાગરિકે સાવલી ચીફ્ ઓફ્સિરને સંબોધીને લેખિત આક્ષેપ કરતો પત્ર પાઠવ્યો છે. તેની નકલ પ્રાદેશિક કમિશનર કચેરી વડોદરા તેમજ જિલ્લા કલેકટરને પાઠવી છે. લેખિત ફ્રિયાદમાં કરેલ આક્ષેપ મુજબ સાવલીથી ભાટપુરા જવાના રોડની બાજુમાં કાંસમાં સાવલી પાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે એક પાઇપલાઇન નાખી છે. જે નગરના માતા ભાગોળ અને રામદેવપીર મેદાનના વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન છે. જેનો અંદાજિત ખર્ચો રૂા.10 લાખ છે. જે પાઇપ લાઇન રોડની બાજુમાંથી પસાર થાય છે. આ પાઈપ લાઈનમાં થોડા થોડા અંતરે ચેમ્બરો બનાવેલ છે જે ચેમ્બરો હાલ તોડી નાખેલ છે. તેમજ પાઇપલાઇન પણ તોડી
નાખેલ છે.
આ પાઇપલાઇનને હજુ છ મહિના જેટલો સમય થયો છે. પરંતુ પાઇપલાઇન ઘણી જગ્યાએ તોડી નાખેલ છે. આ પાઇપલાઇન પરથી પાલિકાના સાધનો આ લાઈન પર અવરજવર કરે છે. તેના કારણે તૂટી છે. જેથી જે હેતુથી આ લાઈન બનાવેલી હતી તે હેતુ પૂરી થવાની કોઈ શક્યતા નથી. હજુ તો ચોમાસું આવેલ નથી. છતાં પાઇપલાઇન ઘણી જગ્યાએ તૂટેલ છે. તેમાં કચરો ભરાયો છે. જેથી આ પાઇપલાઇનનો વરસાદી પાણીનો નિકાલ થવાની કોઈ શક્યતા નથી. પાલિકાએ કોઈ પણ જાતની દેખરેખ કે કાળજી રાખેલ નથી. અણધડ વહીવટને લીધે પાલિકાને અંદાજિત રૂા.10 લાખનું નુકસાન થયું છે. જેથી પાઇપલાઇન બનાવનારા કોન્ટ્રાક્ટર અને પાઇપલાઇનને નુકસાન કરનાર વિરુદ્ધ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરાઇ છે.
તેઓ પાસેથી પાલિકાના થયેલ નુકસાનની ભરપાઈ કરવા અને પાલિકાના જવાબદાર સુપરવાઇઝર તેમજ અન્ય સંડોવાયેલા કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરતો પત્ર નગરજનોની સહી સાથે પાઠવ્યો છે. આ પાઇપલાઇનના નાણાં તો વ્યર્થ ગયા જ છે. પરંતુ વરસાદી પાણીના નિકાલ ન હોવાને કારણે સમગ્ર વિસ્તાર પાણીમાં ડૂબી જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.


