- અમરેલીના ખાંભાના ગ્રામ્ય પંથકમાં વરસાદ
- મોટા સરાકડિયા, કોદીયા સહિત ગામમાં વરસાદ
- અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના પગલે વિવિધ ભાગોમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. આજે અમરેલી જિલ્લા ખાંભાના ગ્રામ્ય વિસ્તારના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.
છેલ્લા બે દિવસથી રાજ્યના વિવિધ ભાગોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. જેમાં ખાંભાના ગીરના ગામડાઓમાં બીજા દિવસે પણ ધોધમાર વરસાદ શરૂ થયો છે. ખાંભાના મોટા સરાકડિયા, કોદીયા સહિત ગામોમાં ધોધમાર વરસાદ વરસતો જોવા મળ્યો છે.
છેલ્લા થોડાં સમયથી અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદના આગમનથી લોકોએ થોડી રાહત અનુભવી છે તો બીજી તરફ હાલ મગફળીની સિઝન ચાલુ હોય ખેડૂતોને નુકસાન થવાની ભીતિ જોવા મળી રહી છે. ખાંભા ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ થી મગફળી અને કપાસના પાકને નુકસાનની ખેડૂતોમાં ભીતિ રહેલી છે.
હવામાન વિભાગ દ્વારા આગાહી
ગુજરાતમાં હવામાન વિભાગે 24 કલાક માટે વરસાદની આગાહી કરી છે. તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઇ છે. તેમજ 24 કલાક બાદ વરસાદની શકયતા નહિવત છે. જેમાં ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધતા 24 કલાક માટે સામાન્ય વરસાદ રહેશે.
છેલ્લા 24 કલાકમાં વરસાદી માહોલ
આ તરફ ગઇકાલે દાહોદમાં વરસાદી માહોલ છવાતા ખૈલેયાઓના ગરબામાં ભંગ પડ્યો હતો. આ સાથે અરવલ્લીમાં પણ વરસાદી માહોલ છવાયો હતો. બપોર બાદ અરવલ્લીમાં મેઘરજના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. તાલુકાના કંભોરડા, ઇપલોડા, પિસાલ, શાંતિપુરાકંપા અને રાજપુરમાં વરસાદી માહોલ છવાયો હતો. વરસાદને કારણે ખેતરમાં મકાઇ, સોયાબિન, મગફળીના પાકને નુકસાન થવાની ભીતિ છે.