- અભિમાનરૂપી હાથી ઉપર હું ચઢેલો એના કારણે જ હું કેવલજ્ઞાનથી વંચિત રહ્યો છું
ભગવાનના આદિનાથ પ્રભુને સો દીકરા હતા. જેમાં પહેલા નંબરના ભરત મહારાજા હતા, તો બીજા નંબરના બાહુબલી હતા.
બાહુબલીએ માત્ર એમનું નામ જ ન હતું, પણ એમનો ગુણ પણ હતો અને એની પાછળ કંઈક કારણ પણ હતું. આપણા કર્મના આધારે આપણને ફળ મળતું હોય છે. જે પ્રકારના કર્મો કરીએ એને અનુરૂપ ફળ મળે. આરોગ્ય સંબંધી કાર્ય કરીએ તો આરોગ્ય સંબંધી ફળ મળતું હોય અને બળ સંબંધી કાર્ય કરીએ તો બળ સંબંધી ફળ મળે, પણ નિષ્ઠાપૂર્વક કર્મ કરવામાં વચ્ચે આપણી ઈચ્છા સામેલ થવી જોઈએ નહીં.
બાહુબલીએ એમના પૂર્વભવમાં સાધુ મહાત્માઓની ઘણી બધી સેવા કરેલી. કોઈપણ સાધુ મહાત્મા બીમાર હોય, ક્યાંય પણ હોય અને એને સમાચાર મળે તો એમની પાસે પહોંચી જવાનું, હાથ, પગ, માથું, દબાવી આપવાનું. જરૂર પડે તો એમને વૈદ્ય પાસે ઉપચાર માટે લઈ જવાના. બદલામાં ફળની કોઈ આશા જ રાખવાની નહીં અને એનું જ એમને આવું અપ્રતિમ બળ-બાહુબળ મળેલું. એના કારણે તો એમનું નામ બાહુબલી પાડવામાં આવલું. હકીકતમાં એમના બાહુ વજ્ર જેવા મજબૂત હતા.
આદિનાથ-ઋષભદેવ પ્રભુએ જ્યારે દીક્ષા લીધી ત્યારે પોતાના સોએ પુત્રોને રાજ્ય વહેંચી આપેલા એમાં બહલી દેશના રાજા તરીકે બાહુબલીની નિયુક્તિ કરેલી. એને પોતાના રાજ્યથી પૂર્ણ સંતોષ હતો. પ્રજાનું પાલન કરવું અને સાથે સાથે એ પણ વિચાર તો આવતો જ કે સાચો માર્ગ તો પિતાનો જ છે. જે રીતે એમણે દીક્ષા લીધી અને સંયમ જીવન જીવીને કેટલા બધા આત્માઓનો ઉદ્ધાર કરી રહ્યા છે. આપણે પણ એ જ માર્ગે જવું જોઈએ. આવો ભાવ એમના અંતરમાં ઉજાસ પાથરતો હતો.
બહલી દેશના પાટનગર પાસે રહેલી અરવીમાં એક દિવસ ઋષભદેવ પ્રભુ પધાર્યા છે. એક વૃક્ષની નીચે હાઉસગ્ગ ધ્યાનમાં ઊભા છે. હજુ ભગવાને કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિને વાર છે.
બીજા દિવસે બાહુબલીને સમાચાર મળ્યા છે. આપણા નગરના સમીપવર્તી અટવીમાં ઋષભદેવ પ્રભુ પધાર્યા છે. તરત જ બાહુબલી ભગવાનના દર્શન કરવા ગયા. ત્યાં જઈને જોયું તો પ્રભુનો ત્યાંથી વિહાર કરી ગયા હતા. એમના પગલાં રેતીમાં પડેલા હતા. પગલાને નમસ્કાર કર્યા અને મોટેથી પોકાર કર્યો કે જાણે આદિનાથ પરમાત્માને સંભળાય કે મારો બાહુબલી મને યાદ કરે છે.
જોકે, ભગવાનને એવું કશું ના હોય. તમે યાદ કરો કે ના કરો એમનું શું? એમને પોતાના દીકરા તરીકેનો પણ કોઈ સંબંધ ક્યાં છે?
એક વાર બાહુબલીજી પોતાની મસ્તીમાં બેઠેલા હતા ત્યારે બે દૂતોએ આવી નિવેદન કર્યું, અમારા મહારાજા ભરત ચક્રવર્તી બન્યા છે. બધાએ એમનો ચક્રવર્તી રાજા તરીકે સ્વીકાર કરેલો છે, આપ પણ પધારો, એમને નમન કરો અને પુરસ્કૃત કરો.
દૂતની વાત જ્યારે એમને પૂરેપૂરી સમજાઈ ત્યારે ખ્યાલ આવ્યો કે કહેવાનો ભાવ એ હતો કે ભરત મહારાજાને તમે તમારા માલિક તરીકે સ્વીકાર કરો અને ન કરો તો તમારે યુદ્ધ કરવા માટે તૈયાર રહેવું.
આ ભાઈનો તો પિત્તો ગયો. રાજ્ય આપનાર તો પિતાજી છે મોટા ભાઈ તરીકે વંદન કરવાનું કહેતા હોય તો મારી તૈયારી છે, પણ આ રીતે વંદન કરવાની મારી કોઈ ઈચ્છા નથી. યુદ્ધના મેદાનમાં આવવાનું આહ્વાન કરતા હોય તો થઈ જાય તૈયાર.
દૂતે જઈને વાત કરી, ભરત મહારાજાને પણ ગુસ્સો તો આવે જ ને! એને એના બાહુબળનું બહુ અભિમાન છે, પણ એને ખબર નથી મારું આ ચક્રરત્ન એક ક્ષણ વારમાં એને પરલોકના દ્વાર દેખાડી દેશે.
બેય ભાઈઓ પોતપોતાની સેના લઈને હાજર થઈ ગયા છે. લાખો નહીં, પણ કરોડોનું સૈન્ય છે. નહીં જેવી વાતમાં કરોડો માણસોનો કચ્ચરઘાણ નીકળે એ તો કેવું લાગે? આવો વિચાર ઈન્દ્ર મહારાજાને આવ્યો. બંનેને સમજાવ્યા કે આ ઝઘડો તમારા બે ભાઈઓનો છે એમાં આટલા મોટું સૈન્યને શા માટે સામેલ કરો છો? તમારા બે જણાના ઝઘડામાં કરોડો માણસોના જીવ લેવાનો? તમે બેય જણા યુદ્ધના મેદાનમાં શક્તિ બતાવો કોણ બળવાન છે? એ જાહેર કરો. બેય જણા હતા તો સમજદાર જ એ લોકો સમજી ગયા.
આપણા બેનું જ યુદ્ધ. જોઈએ કોણ જીતે છે? અને પછી જે યુદ્ધ થયું એને જોવા માટે ધરતી ઉપર માનવ મહેરામણ ઊમટેલો તો આખા આકાશમાં દેવો પણ આવીને ઊભા રહી ગયા છે. અને પછી ભાઈએ બંને ભાઈઓના યુદ્ધનો પ્રારંભ થયો. વાક્યુદ્ધથી શરૂ થયું. વાક્યુદ્ધમાં ચક્રવર્તીનો પરાજ્ય થયો અને બાહુબલીનો વિજય થયો.
આજ રીતે દ્રષ્ટિયુદ્ધ, મુષ્ટિ યુદ્ધ, ગર્જના યુદ્ધ, બાહુયુદ્ધ અને દંડયુદ્ધ બધાં યુદ્ધ લડાયાં, પણ એકય યુદ્ધમાં ચક્રવર્તી ભરત મહારાજા જીતી શક્યા નહીં, બધામાં બાહુબલીજી મેદાન મારી ગયા. હવે સ્વાભાવિક છે ભરત ચક્રવર્તીને મનમાં ખેદ તો થાય જ. એમને ગુસ્સો પણ આવ્યો. બધા યુદ્ધોમાં આ માણસ જીતી ગયો? હવે એને અંદરથી ગુસ્સો આવ્યો.
આ મારો નાનો ભાઈ હોવા છતાં મારી સામે પડયો? દરેક યુદ્ધમાં એ જ જીત્યો. ઠીક છે હવે મારી પાસે છેલ્લો એક જ રસ્તો છે. ચક્રરત્ન, બસ ચક્રરત્ન એની સામે નાથું અને વાત પૂરી. ભરત મહારાજાએ ચક્રરત્નને યાદ કર્યું. તરત જ ચક્રરત્ન એમના હાથમાં આવી ગયું. ગોળ ગોળ ભમાવીને બાહુબલીજી તરફ ફેંક્યું. બાહુબલીજી સમજી ગયા કે બસ હવે આપણે બે પાંચ ક્ષણોમાં પતી જવાના, તો સામે પક્ષે ભરતજી વિચારી રહ્યા હશે કે બે પાંચ ક્ષણોમાં મારા વિરોધી એવા બાહુબલીનું મૃત્યુ થશે અને હું રાજા ચક્રવર્તી રાજા તરીકે જાહેર થઈશ. ઉરમાં આનંદ સમાતો નથી, પણ આ શું! આ તો બેમાંથી એકેને કોઈ અસર થઈ નહીં. બંને જણા સ્વસ્થતાપૂર્વક ઊભેલા છે. બાહુબલી આનંદ અનુભવી રહ્યા છે. તો સામે ભરત મહારાજાના ભાગે ફરી પાછી વિમાસણ ઊભી થઈ, પણ આવું કેમ? ચક્રરત્નને આદેશ આપ્યો અને એ ધાર્યું કામ ન કરે એ બને જ કેવી રીતે? પણ બન્યું એ સાચું. તો કારણ શું?
જાણકારોએ કારણ જણાવ્યું એક ગોત્રમાં ચક્રરત્ન કામ કરે નહીં. આ બાજુ બાહુબલી પણ ખીજાયેલા છે. આને ચક્રરત્નનું આટલું અભિમાન! એનું કોઈ ફળ તો એને ના જ મળ્યુંને? કંઈ વાંધો નહીં હવે હું એને બરાબરનો ઠેકાણે લાવી દઈશ. એને પણ ખબર પડે.
એ ભયંકર ગુસ્સામાં ભરત મહારાજાને મારવા દોડ છે. મુઠ્ઠી ઉપાડેલી છે. એક-બે પળમાં તો ભરતજી હતા ન હતા થઈ જશે. તમામ દર્શકોના શ્વાસ અટકી ગયા. ભરત મહારાજા નજીક આવી રહ્યા છે. એમણે પણ માની લીધું છે કે બસ હવે ભગવાનના સ્મરણ સિવાય મારે કંઈ કરવાનું રહ્યું નથી.
બાહુબલી ઉગ્ર સ્વરૂપ જોવાઈ રહ્યું છે છેક નજીક પહોંચી ગયા છે, બસ હવે હાથ નીચો થાય એટલી જ વાર છે, પણ સામે એક અલગ જ દૃશ્ય જોવા મળે છે. બાહુબલી એ પોતાના જ વાળને ખેંચી કાઢયા. લોચ કરી નાંખ્યો. ભરત મહારાજાને કહી રહ્યા છે મોટા ભાઈ મારના નહીં વંદનના અધિકારી છે. મારી ભૂલની ક્ષમા કરજો! આ રાજ્ય પણ આપને અર્પણ કરું છું. હું પિતાજી અને અઠ્ઠાણું ભાઈઓના માર્ગે આગળ વધું છું. આટલું કહીને એ આગળ વધ્યા.
આ મહાપુરુષોને સમગ્ર રાજ્યનો ત્યાગ કરવામાં પણ વિચારવાનો સમય લાગતો ન હતો. કોઈને પૂછવાની પણ એમને જરૂર જણાતી ન હતી.
એ હવે વિચાર કરે છે મારા નાના ભાઈઓ દીક્ષામાં મોટા છે. અત્યારે ત્યાં જઈશ તો એમને વંદન કરવા પડશે. નાના ભાઈઓને વંદન કરવાનું આ તો કેવી રહી સહન થાય?
એમણે નક્કી કર્યું સાધના કરીશ, જંગલમાં જ રહીશ, કેવલજ્ઞાન મેળવીને પછી જ હું ભગવાન પાસે જઈશ. પછી મારે કોઈને વંદન પણ નહીં કરવા પડે અને બધું વ્યવસ્થિત થઈ જશે.
પોતાના વિચારનો અમલ કર્યો. જંગલમાં જઈને એક શુદ્ધ ભૂમિ જોઈને ત્યાં જ ઊભા રહી ગયા. આંખો બંધ કરીને ઊભા છે, ખાવા-પિવાનું કે પહેરવાનું ઓઢવાની મારે કોઈ જરૂર નથી. જ્યાં ઊભા છે ત્યાંથી એક તસુ જેટલા પણ હલનચલન કરવાનું નહીં. માત્ર મનમાં પોતે નક્કી કરેલા વિષયનું જ ચિંતન કરવાનું. કોણ આવે છે કે કોણ જાય છે, પક્ષી કલરવ કરે છે વગેરે કોઈપણ વિષયનો એમનો ખ્યાલ રહેતો નથી.
આમને આમ એક વરસના વહાણા વાઈ ગયા, પણ બાહુબલીજી ત્યાંને ત્યાં જ સાધનામાં સ્થિર તલ્લીનથી ઊભા છે. ન હલે કે ચાલે.
આ બાજુ ભગવાનની બે દીકરીઓ બ્રાહ્મી અને સુંદરી ભગવાનની પાસે ગઈ. ભગવાનને પૂછવા લાગી, પ્રભો! મારાભાઈ બાહુબલીજી ક્યાં ગયા? ભરતજી સાથેના યુદ્ધમાં વિજેતા બનીને કયાં ચાલ્યા ગયા છે? કંઈજ સમાચાર જ નથી. ક્યારે આવશે?
ભગવાને એને જવાબ આપ્યો. એને જ્યારે કેવલજ્ઞાન મળશે પછી જ એ આવશે.
કેવલજ્ઞાન ક્યારે મળશે?
તમે બેય બહેનો જશો ત્યારે. ભગવાને વધુમાં કહ્યું અહંકારના કારણે કેવલજ્ઞાન અટકેલું છે, તમે જઈને એનો અહં તોડાવો તમારા હાથમાં છે.
બેય બહેનો ત્યાં પહોંચી એમણે જોયું કે એમની ફરતે વેલા વીંટાયા છે. કાનમાં પક્ષીઓએ માળા બાંધ્યા છે. દૂરથી તો ખબર પણ ન પડે કે અહીં કોઈ સાધના કરે છે. ત્યાં જઈને એ બોલે છે, હાથી ઉપર બેસીને કેવલજ્ઞાન ન થાય. હાથી ઉપરથી નીચે ઉતરો.
પેલા વિચારે છે આ કેમ આવું બોલે છે? હું ક્યાં કોઈ હાથી ઉપર છું, જમીન ઉપર જ તો હું ઊભો છું. આ આવું કેમ બોલે છે?
અરે, હા અભિમાનરૂપી હાથી ઉપર હું ચઢેલો એના કારણે જ હું કેવલજ્ઞાનથી વંચિત રહ્યો છું. તરત જ એમણે વંદન કરવા પગ ઉપાડયો અને ત્યાં જ એમને કેવલજ્ઞાન મળી ગયું.
આપણે પણ અભિમાન છોડીએ એમને સાધના કરીએ જો કેવલજ્ઞાન હાથવેંતમાં છે.