- રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી
- પીએમ મોદી નાગૌરમાં કરી રહ્યા છે પ્રચાર
- ગેહલોત સરકારને લીધા આડેહાથ
રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીને લઇને બીજેપીએ પ્રચાર તેજ કર્યો છે. અમિતશાહ, જે. પી નડ્ડા, યોગી આદિત્યનાથ આ તમામ દિગ્ગજો તેલંગણા અને રાજસ્થાનમાં ચૂંટણીને લઇને પ્રચારમાં વ્યસ્ત બન્યા છે. ત્યારે પીએમ મોદી રાજસ્થાનના નાગૌરમાં ચૂંટણી સભા સંબોધી રહ્યા છે. તેઓએ આ દરમિયાન ગેહલોત સરકારને આડેહાથ લીધા હતા.
કોંગ્રેસ ખૂણામાં પણ ન રહી જાય- પીએમ મોદી
નાગૌરમાં પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે નાગૌર, મારવાડનો નિર્ણય સ્પષ્ટ છે – કોંગ્રેસને હટાવવાની છે અને ભાજપને લાવવાની છે. આપણે હમણાં જ દિવાળી ઉજવી. આપણે જોયું છે કે મહિલાઓ આખું વર્ષ ઘર વ્યવસ્થિત રાખે છે, દિવાળી દરમિયાન તેઓ ઘરનો ખૂણે ખૂણો સાફ કરે છે. ત્યારે આ ચૂંટણીઓમાં આપણે મહિલાઓ પાસેથી શીખવાની જરૂર છે.આપણે પણ એવી ‘સફાઈ’ કરવાની છે કે કોંગ્રેસ ખૂણામાં પણ ન રહી જાય.
કોંગ્રેસ પોતાનામાં જ વ્યસ્ત- પીએમ મોદી
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે રાજસ્થાનમાંથી કોંગ્રેસની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. રાજસ્થાનમાં કોંગ્રેસે પાંચ વર્ષમાં તમને વિશ્વાસઘાત સિવાય કંઈ આપ્યું નથી. કોંગ્રેસે તમને અહીં કુશાસનની સરકાર આપી છે. માત્ર ભ્રષ્ટાચાર અને ગોટાળાની સરકાર જ છે. જ્યાં સામાન્ય નાગરિકની કોઇ સુરક્ષા નથી. જ્યાં મહિલાઓનું સન્માન સુરક્ષિત નથી. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે હમણાં જ એક જાહેર સભામાં જાદુગર મુખ્યમંત્રીએ પોતે એક સત્ય સ્વીકાર્યું છે. તેમણે પોતે સ્વીકાર્યું કે તેમના ઉમેદવારો, તેમના ધારાસભ્યોએ કોઈ કામ કર્યું નથી. કારણ કે તે અહીં પોતાની ખુરશી બચાવવામાં વ્યસ્ત છે . હવે જો કોંગ્રેસ આવી સ્થિતિમાં હોય અને પોતે જ ખોવાઈ જાય તો તેઓ તમારા માટે શું કરશે?
ગેહલોત-પાયલોટ સંબંધો પર પીએમ મોદીનો ટોણો
પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં રાજસ્થાનમાં 100 સીએમ બન્યા. પોતાના વિસ્તારના દરેક માફિયા, દરેક તોફાની, દરેક ગુંડા પોતાને કોંગ્રેસ સરકારના મુખ્યમંત્રીથી ઓછા નહોતા માનતા. તેથી જ અહીં મહિલાઓ, દલિતો અને વંચિતો પર અત્યાચાર ચરમસીમાએ છે. હેન્ડશેકના કાર્યક્રમો રાજસ્થાનમાં વારંવાર થાય છે. મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી બનવા ઈચ્છતા અન્ય નેતા માટે દિલ્હીથી મોટા નેતાઓ આવીને કેમેરા સામે હાથ મિલાવે છે. પાંચ વર્ષમાં હેન્ડશેકની સદી થઈ ગઈ છે, પરંતુ તેમનું સમાધાન થયું નથી. દિલમાં ખટાશ છે પણ આ લોકો હાથ મિલાવવાનો ડોળ કરે છે.