- બે હુમલાખોરોએ કરણી સેનાના પ્રમુખની કરી નિર્મમ હત્યા
- હત્યાકાંડ બાદ જયપુરમાં ગોગામેડીના સમર્થકોમાં આક્રોશ
- રાજપૂત કરણી સેના સહિત સંગઠનો દ્વારા બંધનું એલાન
રાજસ્થાનમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈને ચર્ચા ચાલી રહી છે ત્યારે આ બધા વચ્ચે મંગળવારે જયપુરની ધરતી રક્તરંજીત થઈ ગઈ. બે હુમલાખોરોએ કરણી સેનાના પ્રમુખ સુખદેવ ગોગામેડીની તેમના જ ઘરમાં ઘૂસીને હત્યા કરી દેવામાં આવી. હુમલાખોરોએ જે નિર્ભય રીતે આ હત્યાકાંડને અંજામ આપ્યો તેનાથી અતીક અહેમદ અને અશરફ હત્યાકાંડની ઘટનાઓની યાદો તાજી થઈ ગઈ.
આ સનસનાટીભર્યા હત્યાકાંડ બાદ જયપુરમાં ગોગામેડીના સમર્થકો આક્રોશમાં છે અને હુમલાખોરોની ધરપકડ માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વિરોધ પ્રદર્શનોને જોતાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દરમિયાન રાજપૂત કરણી સેના સહિત અન્ય કેટલાક સંગઠનોએ આવતીકાલે બુધવારે રાજસ્થાનમાં બંધનું એલાન આપ્યું છે. સંગઠનોની માંગ છે કે આ મામલે ન્યાયિક તપાસ થવી જોઈએ.
સુખદેવ સિંહે માંગી હતી પોલીસ સંરક્ષણ
દરમિયાન કોંગ્રેસના નેતા પ્રતાપસિંહ ખાચરીયાવાસે તો ત્યાં સુધી કહ્યું છે કે પોલીસને આવા ગુનેગારોનું એન્કાઉન્ટર કરવાનો સમય આવી ગયો છે. હાલ બંને આરોપીઓ પોલીસની પકડમાંથી બહાર છે. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ ગોગામેડીએ પોલીસ પાસે રક્ષણ માંગ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે સંપત નેહરા ગેંગ અને અન્ય ગેંગસ્ટર્સ તેને ધમકી આપી રહ્યા હતા. હાલમાં તેની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી રહી હતી.
રાજ્યના DGP ઉમેશ મિશ્રાએ આપ્યું નિવેદન
રાજસ્થાનના જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા મામલે રાજ્યના DGP ઉમેશ મિશ્રાએ નિવેદન આપ્યું છે. DGPએ કહ્યું છે કે આજે જયપુરમાં કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કરવામાં આવી. હુમલાખોરોના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. DGPએ વધુમાં જણાવ્યું કે અમે હરિયાણા DG સાથે પણ વાત કરી છે અને તેમની પાસે સહકાર આપવા માટે માંગ કરી છે. રોહિત ગોદારા ગેંગએ હત્યાની જવાબદારી લીધી છે. તેમણે વધુમાં જણાવ્યું કે હત્યાકાંડ સર્જનાર આરોપીઓને ટૂંક સમયમાં ઝડપી પાડવામાં આવશે.
સુખદેવ સિંહને શ્યામનગરમાં ગોળી મારવામાં આવી
રાજસ્થાનની રાજધાની જયપુરમાં મંગળવારે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કરવામાં આવી છે. સુખદેવ સિંહને શ્યામનગરમાં ગોળી મારવામાં આવી હતી. કેટલાંક અજ્ઞાત યુવકો તેમના પર ગોળીબાર કરીને ફરાર થઈ ગયા હતા. આ ફાયરિંગમાં સુખદેવ સિંહને બે થી ત્રણ ગોળી વાગી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે માનસરોવર ખાતે મેટ્રો માસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ડોકટરો સારવાર શરૂ કર્યા બાદ થોડા જ સમયમાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.
સમગ્ર ઘટનાના CCTV થયા વાયરલ
સુખદેવ સિંહ હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે ચાર બદમાશોએ આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. હુમલા કર્યા બાદ બે બદમાશો બાઇક પર ફરાર થઈ ગયા હતા જ્યારે અન્ય બે બદમાશોએ સ્કૂટી ચાલકને ગોળી મારીને સ્કૂટી છીનવી લીધું હતું. સ્કૂટી સવાર નવીનને પણ ગોળી વાગી હતી. એસએમએસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન સુખદેવ સિંહનું મોત થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ નજીકમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ અને અન્ય માધ્યમો દ્વારા આરોપી સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. ચાર પૈકી બે બદમાશો સીસીટીવી ફૂટેજમાં કેદ થયા છે. પોલીસ તેમને શોધી રહી છે.


