- 15 ડિસેમ્બરે જયપુરમાં યોજાશે નવી સરકારનો શપથ ગ્રહણ કાર્યક્રમ
- ભજનલાલ શર્માએ રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો કર્યો
- 13 ડિસેમ્બરે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં શપથ ગ્રહણ કાર્યક્રમ
રાજસ્થાનમાં નવી સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. નવા ચૂંટાયેલા સીએમ ભજનલાલ શર્માએ આજે સાંજે રાજ્યપાલ કલરાજ મિશ્ર સાથે મુલાકાત કરી અને સરકાર બનાવવાનો દાવો કર્યો. આ સમયે રાજસ્થાનના નિરીક્ષક અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ હાજર રહ્યા હતા. ઉપરાંત વસુંધરા રાજે અને ડેપ્યુટી સીએમ દિયા કુમારી અને બીજા ડેપ્યુટી સીએમ પ્રેમચંદ બૈરવા પણ રાજ્યપાલના મળવા પહોંચ્યા હતા.
જણાવી દઈએ કે રાજસ્થાનમાં ભાજપે તમામ અટકળોને સાઇડલાઇન કરીને એક નવા બ્રાહ્મણ ચહેરા પર વિશ્વાસનો કળશ ઢોળ્યો છે. રાજસ્થાનમાં ભાજપે મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્માની પસંદગી કરી છે તો રાજ્યમાં બે ડેપ્યુટી સીએમ પણ હશે. રાજસ્થાનમાં પહેલા ડેપ્યુટી સીએમ દિયા કુમારી અને બીજા ડેપ્યુટી સીએમ પ્રેમચંદ બૈરવા હશે. આ ઉપરાંત અજમેર ઉત્તરના ધારાસભ્ય વાસુદેવ દેવનાનીને રાજસ્થાન વિધાનસભાના સ્પીકર બનાવવામાં આવ્યા છે. તેઓ 2003થી સતત પાંચમી વખત ધારાસભ્ય બન્યા છે.
જયપુરમાં 15 ડિસેમ્બરે યોજાશે શપથ ગ્રહણ
રાજસ્થાનમાં બની રહેલી નવી સરકારનો શપથગ્રહણ કાર્યક્રમ 15 ડિસેમ્બરે યોજાશે. જણાવી દઈએ કે, 15 ડિસેમ્બરે નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી ભજનલાલ શર્માનો જન્મદિવસ પણ છે. આ પહેલા 13 ડિસેમ્બરે અન્ય 2 રાજ્યો છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં સરકારો શપથ લેશે. 13 ડિસેમ્બરે મધ્યપ્રદેશમાં રાજધાની ભોપાલમાં સવારે 11 વાગ્યે શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાશે, જ્યારે છત્તીસગઢમાં રાજધાની રાયપુરમાં 13 ડિસેમ્બર ના રોજ સાંજે 4 વાગ્યે શપથ ગ્રહણ સમારોહ યોજાશે.
CMના નામને લઈને છેલ્લે સુધી સસ્પેન્સ
ઉલ્લેખનીય છે કે જે રીતે ભાજપ હાઈકમાન્ડે મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં નિર્ણય લઈને સૌને ચોંકાવી દીધા હતા તે જોઈને રાજસ્થાનમાં ભાજપના તમામ 115 ધારાસભ્યોની આશા જાગી હતી કે તેમના નામ પણ સીલબંધ પરબીડિયામાં સામેલ થઈ શકે છે. અને થયું કઈક એવું જ. પહેલી વખત વિધાનસભા ચૂંટણી જીતીને ધારાસભ્ય બનના ભજનલાલ શર્માને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.


