- રાજસ્થાનના મુખ્યમંત્રી પદના ભજનલાલે લીધા શપથ
- પીએમ મોદીની હાજરીમાં યોજાયો શપથ સમારોહ
- મુખ્યમંત્રી કાર્યાલય ખાતે વિધિવત કરી પૂજા
રાજસ્થાનના નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ શુક્રવારે સાંજે સચિવાલયમાં વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. શર્માએ સચિવાલય સ્થિત મુખ્યમંત્રી કાર્યાલય ખાતે વિધિવત પૂજા કર્યા બાદ સાંજે 4 વાગ્યે ચાર્જ સંભાળ્યો હતો. આ અવસર પર કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ, કૈલાશ ચૌધરી અને ગજેન્દ્ર સિંહ શેખાવત, પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, પૂર્વ વિપક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડ, વિપક્ષના પૂર્વ ઉપનેતા સતીશ પુનિયા અને પાર્ટીના ઘણા નવા ચૂંટાયેલા ધારાસભ્યો હાજર રહ્યા હતા.
કોણ રહ્યું હતું હાજર?
આ પ્રસંગે પાર્ટીના પ્રદેશ પ્રભારી અરુણ સિંહ અને પ્રદેશ અધ્યક્ષ સીપી જોશી પણ હાજર હતા. ઉલ્લેખનીય છે કે શર્માએ શુક્રવારે અહીં ઐતિહાસિક આલ્બર્ટ હોલની સામે આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ કલરાજ મિશ્રાએ તેમને મુખ્ય પ્રધાન તરીકે અને દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવડાવ્યા હતા.
115 બેઠકો ભાજપે જીતી
રાજસ્થાનની 200 વિધાનસભા બેઠકોમાંથી 199 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 115 બેઠકો જીતી હતી. કોંગ્રેસ 69 સીટો મેળવી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્યની કરણપુર બેઠકની ચૂંટણી કોંગ્રેસના ઉમેદવારના મૃત્યુને કારણે મોકૂફ રાખવામાં આવી હતી. હવે ત્યાં 5 જાન્યુઆરીએ મતદાન થશે.


