- વૃદ્ધ દરજીને દુકાન ખાલી ના કરે તો હત્યા થવાની ધમકી મળી
- પીડિતને ટપાલથી ધમકી આપતો પત્ર 13 દિવસ પહેલાં મળ્યો હતો
- પીડિતે શનિવારે પોલીસ મથકમાં અહેવાલ દાખલ કર્યો હતો
રાજસ્થાનના અલવર જિલ્લાના સદર પોલીસ મથક વિસ્તારમાં ચિકાની કસબામાં દરજીની દુકાન ધરાવતા સોહનલાલ જાટવને પીએફઆઇના નામે જાનથી મારી દેવાની અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. પીડિત સોહનલાલને ટપાલથી ધમકી આપતો પત્ર 13 દિવસ પહેલાં મળ્યો હતો. પીડિતે શનિવારે પોલીસ મથકમાં અહેવાલ દાખલ કર્યો હતો. પોલીસ આ કેસમાં તપાસ કરી રહી છે.
અલવર સદર પોલીસ મથકના પ્રભારી દિનેશ મીણાએ જણાવ્યું હતું કે સોહનલાલ જાટવને પ્રતિબંધિત સંગઠન પીએફઆઇના નામે ધમકી ભર્યો પત્ર મળ્યો છે. પીડિત સોહનલાલ ચિકાની કસબામાં દરજીની દુકાન ધરાવે છે. પીએફઆઇ તરફથી મળેલા પત્રમાં સોહનલાલ દરજીને 31 ડિસેમ્બર સુધીમાં દુકાન ખાલી કરવા મહેતલ આપવામાં આવી છે. પત્રમાં આ દરજી ઉપરાંત એક કુંભાર અને એક સરદારની એમ ત્રણ દુકાનો ખાલી કરવા ધમકી મળી છે.
પીડિત સોહનલાલે જણાવ્યું કે 13 દિવસ પહેલાં તેમને આ ધમકીભર્યો પત્ર ટપાલ મારફતે મળ્યો હતો. તેમાં લખ્યું છે કે, ‘સોહનલાલ મારી વાત સારી રીતે સમજી લેજે. તારી જે દુકાન છે તે મુસ્લિમ ભાઇઓની છે. આ જે સરદારની દુકાન છે અને રોતેશ કુંભારની દુકાન છે તે વિષે સરપંચ અને આસપાસના લોકોએ અમને જણાવ્યું છે કે પૂરી જગ્યા મુસ્લિમ ભાઇઓની છે અને તમે કબજો કરેલો છે.’
ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલાં ઉદયપુરમાં ટેલર કન્હૈયાલાલની હત્યા થઇ હતી. તે હત્યાકાંડ કેસમાં પણ આતંકવાદી કનેક્શન સામે આવ્યું હતું.
યોગ્ય કિંમત લઇને દુકાન ખાલી કરો : પત્રમાં ધમકી
પત્રમાં લખ્યું છે કે હવે આવું નહીં ચાલે. જગ્યાની યોગ્ય કિંમત લઇ લો અને ખાલી કરી દો. દુકાન ખાલી નહીં કરી તો તમને જાણ હશે કે હું કોણ છું. હું પીએફઆઇ છું. 31 ડિસેમ્બર સુધીની મુદત આપી રહ્યો છું. પીએફઆઇને વિશ્વ ઓળખે છે. એક રાતમાં બોમ્બથી બધું નષ્ટ કરી નાખીશ.


