ખેલાડીઓને તા.૧3 ફેબ્રુઆરી સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લેવા અનુરોધ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં ચેસ રમતના પ્રોત્સાહન અને વિકાસ માટે એક વધુ મહત્વપૂર્ણ સ્પર્ધાનું આયોજન થવા જઈ રહ્યું છે. રોટરી ક્લબ ઓફ રાજકોટ પ્રાઇમ અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસિએશન (RDCA) ના સંયુક્ત ઉપક્રમે ઓપન ગુજરાત રેપિડ ચેસ ચેમ્પિયનશિપ-૨૦૨૬નું આયોજન આગામી તા. ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૬ રવિવારના રોજ એસ.એ.જી. મલ્ટી પર્પઝ ઇન્ડોર હોલ, રૂડા નગર-૨, સદગુરુ નગર, રાજકોટ ખાતે કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં આ ચેમ્પિયનશિપ સતત ચોથી વખત યોજાઈ રહી છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્ય પ્રાયોજકો તરીકે જ્યોતિ સી.એન.સી ઓટોમેશન લિમિટેડ અને જ્યોતિ ફાઉન્ડેશન તરફથી સહયોગ પ્રાપ્ત થયો છે. તેમજ સહ- પ્રાયોજકો તરીકે પેલીકન રોટોફ્લેક્સ પ્રા. લિમિટેડ, રાજુ ઈન્જીનિયરીંગ અને ઓ.એલ. પોપટ ચેરીટેબલ ટ્રસ્ટનો મહત્વપૂર્ણ સહયોગ સાંપડયો છે. છેલ્લા ચાર વર્ષથી સફળતાપૂર્વક આયોજિત થતી આ સ્પર્ધાએ ગુજરાતભરના ચેસ ખેલાડીઓ માટે એક વિશ્વસનીય અને પ્રતિષ્ઠિત મંચ તૈયાર કર્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પ્રતિભાશાળી ખેલાડીઓ આ સ્પર્ધામાં ભાગ લઈને પોતાની કાબેલિયત સાબિત કરે છે.
આ વર્ષના આયોજનમાં માત્ર ઓપન ગુજરાત રેપિડ ચેસ ટૂર્નામેન્ટ જ નહીં પરંતુ રાજકોટ જિલ્લાના ઉદયમાન ખેલાડીઓ માટે વિશેષ તક પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ટૂર્નામેન્ટ દરમિયાન અંડર-૭, અંડર-૯ અને અંડર-૧૫ (ઓપન તેમજ ગર્લ્સ કેટેગરી) માટે રાજકોટ જિલ્લાની પસંદગી સ્પર્ધા યોજાશે. આ પસંદગી સ્પર્ધામાં વિજેતા બનેલા ખેલાડીઓને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં રાજકોટ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે. આ ચેસ ટૂર્નામેન્ટમાં જીતનાર સ્પધકો માટે કુલ ૬૧ હજાર જેટલા રોકડ ઈનામો, ટ્રોફી તેમજ તમામ ભાગ લેનાર ખેલાડીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે.


