વર્ષે 3૬૦૦૦નો જન્મ નોંધણી : સામાપક્ષે ૪૦,૦૦૦ વાહનોનું રજીસ્ટ્રેશન થાય છે
અગ્ર ગુજરાત, રાજકોટ
શહેરીકરણની આંધળી દોટમાં લાંબાગાળાના આયોજન વગર વાહનોના રજીસ્ટ્રેશન અને વપરાશની મંજૂરીએ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વિકરાળ બનાવી દીધી છે. કોઇપણ તંત્ર પહોંચી ન વળે તે સંખ્યામાં રાજકોટના સાંકડા રસ્તાઓ પર વાહનોના ટ્રાફિક જામ થાય છે. તેની પાછળનું કારણ વાહનોની વધતી જતી સંખ્યા છે. રાજકોટમાં એક વર્ષમાં 3૬ હજાર લોકોની જન્મનોંધણી થાય છે તેની સામે આરટીઓમાં તેનાથી વધુ વાહનોની નોંધણી થાય છે. સ્વભાવિક રીતે નિરંકુશ વાહનની વધતી સંખ્યા ટ્રાફિકની સમસ્યાનું મૂળ કારણ બની છે.
ચાલુ નાણાકીય વર્ષમાં તા.૨૬ માર્ચ સુધીમાં રૂા.૧૩૪.૫૨ કરોડની કિંમતના ૪૬,૮૧૦ વાહનો નોંધાયા છે જેના પર ટેક્સ ભરાયો છે. તેમાં સૌથી વધારે ટુ વ્હીલર ૩૪,૩૩૪ છે. ગત વર્ષ ઈ.સ. ૨૦૨૨-૨૩માં તા.૩૧ માર્ચ સુધીમાં કૂલ ૪૨,૦૩૮ વાહનો શહેરમાં રજીસ્ટર્ડ થયા હતા. ઉલ્લેખનીય છે કે શહેરમાં રજીસ્ટર્ડ નહીં થતા પણ શહેર નજીક થતા વાહનો પણ શહેરના ટ્રાફિકમાં વધારો કરે છે. એકંદરે ગત વર્ષ કરતા આ વર્ષે ૧૫થી ૨૦ ટકા વાહન વેચાણ વધ્યું છે.
વાહનો વધતા જાય છે તે સામે રસ્તા પહોળા થતા નથી, નવા બનતા નથી અને હજુ ઓનલાઈન સેવાઓ પર્યાપ્ત ઉપલબ્ધ નથી તેથી લોકોએ વિવિધ કામગીરી માટે રૂબરુ ધક્કા ખાવા પડે છે. જે કારણે શહેરમાં ટ્રાફિક જામ અત્યંત ગંભીર સ્થિતિ તરફ આગળ વધી રહ્યો છે.


