યાર્ડમાં કોઈ પણ જાતના દાવપેજ નહીં હોય, ગત ટર્મમાં બનાવેલ સેડ ગુજરાતમાં કોઈ યાર્ડમાં નહિ હોય : જયેશ બોઘરા
આજે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણીમાં જયેશ બોધરાને માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે વાઇસ ચેરમેન તરીકે વિજય કોરાટની નિયુક્તિ કરવામાં આવી છે.
રાજકોટનું બેડી માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ છે અને રાજ્યમાં ત્રીજું સ્થાન ધરાવે છે. રાજકીય રીતે સહકારી ક્ષેત્રના રાજકારણમાં બેડી માર્કેટિંગ યાર્ડ મહત્વનું માનવામાં આવે છે.એક સમયે એવું માનવામાં આવતું હતું કે, આ વખતની બેડી માર્કેટિંગ યાર્ડની ચેરમેન પદની ચૂંટણી રસપ્રદ રહેશે પરંતુ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં ફરીએકવાર જયેશ રાદડિયા જૂથનો દબદબો જોવા મળ્યો છે.
આજે સહકારી આગેવાન નરેન્દ્રસિંહ જાડેજા મેન્ડેટ લઇને આવ્યા હતા. ભાજપ દ્વારા બેડી માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે જયેશ બોધરાના નામનું મેન્ડેટ આપ્યું હતું.આજે યોજાયેલી ચૂંટણીમાં ઉપસ્થિત રહેલા પદાધિકારીઓ દ્વારા સર્વાનુમતે ચેરમેન પદ માટે જયેશ બોઘરાના નામને સમર્થન આપ્યું હતું. જ્યારે વાઇસ ચેરમેન તરીકે વિજય કોરાટના નામની જાહેરાત કરવામાં આવી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન પદે રિપીટ થતાં જયેશ બોધરાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, મને સોંપાયેલ કામ મે અને મારી ટીમે પ્રમાણિકતાથી કર્યું હતું. યાર્ડમાં કોઈ પણ જાતના દાવપેજ નહીં હોય, ગત ટર્મમાં બનાવેલ સેડ ગુજરાતમાં કોઈ યાર્ડમાં નહિ હોય. ખેડૂતો, મજૂરો, દલાલ, એજન્ટ કામને લઈને મને રાત્રીના ફોન કરી શકે છે. આ ભરોસો અને વિષવસ કાયમી જાળવી રખાશે.