લખતરના ભાસ્કરપરા ગામના પાટીયા નજીક કાળવજી કંપાવતો અકસ્માત
રાજકોટના ભરવાડ સમાજના પદયાત્રા સંઘ પર ટ્રક ફરી વળ્યો : એક જ પરિવારના સાતના મોત
ગઢકાથી વિરમગામના મેરા જઇ રહેલા સંઘને ભાસ્કરપરા પાસે પાછળથી આવેલા કાળમુખા ડમ્પરે કચડયા : હાઇ-વે મરણચિસોથી ગુંજયો
પાંચ મહિલા અને બે પુરૂષ કાળનો કોળીયો બન્યા, અન્ય ચાર શ્રધ્ધાળુઓને ગંભીર ઇજા થતા સારવારમાં ખસેડાયા
લખતરના ધારાસભ્ય, ઇન્ચાર્જ એસપી, કલેકટર સહિત સમાજના અગ્રણીઓ હોસ્પિટલ પહોંચ્યા : પરિવારજનોમાં કરૂણ આક્રંદ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતના ધોરીમાર્ગો પર રક્તરંજિત અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આજે વહેલી સવારના સુમારે સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર એક કાળજું કંપાવી દે તેવી દુર્ઘટના આકાર પામી છે. લખતરના ભાસ્કરપરા ગામના સીમાડે હાવે પર બેફામ ગતિએ દોડતા એક ડમ્પર ચાલકે શ્રદ્ધાના માર્ગે નીકળેલા પદયાત્રીઓના સંઘને કચડી નાખતા 7 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. જ્યારે અંદાજે 4થી વધુ પદયાત્રીઓ ઘાયલ થયા છે
લખતર-વિરમગામ હાઈવે પર આવેલા છારદ અને ભાસ્કરપરા ગામ વચ્ચે ગતરાત્રે ડમ્પરની અડફેટે અકસ્માતની એક ભયાનક ઘટના સામે આવી છે. રાજકોટથી મેરા જઈ રહેલા ભરવાડ સમાજના યાત્રાળુઓના સંઘને આ ગોઝારો અકસ્માત નડ્યો હતો. રાજકોટથી નીકળેલા આ પદયાત્રીઓ જ્યારે છારદ અને ભાસ્કરપરા વચ્ચે પહોંચ્યા, ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પરે તેમને હડફેટે લીધા હતા.
આ દુર્ઘટનામાં મસાભાઇ કરશનભાઈ મુંધવા, જાલુબેન મસાભાઇ મુંધવા, રાણીબેન મંગાભાઇ લાંબરીયા, અને વજીબેન વીભાભાઇ મુંધવા સહિત કુલ 7 લોકોના પ્રાણ પંખેરુ ઉડી ગયા હતા. અકસ્માતને પગલે યાત્રાળુઓની કરુણ ચીસોથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો. ઘટનાની જાણ થતા જ લખતર પોલીસ કાફલો ત્વરિત ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા ગેડીયા મહંત સહિત વિવિધ સમાજના અગ્રણીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. ભરવાડ સમાજના એકસાથે 7 સભ્યોના મોતથી સમગ્ર માલધારી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ભીષણ અકસ્માતનો ભોગ બનનારા તમામ કમનસીબ મૃતકો ભરવાડ સમાજના મુંધવા પરિવારના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે. આજે સવારે મંદિરે આ સંઘની ધજા ચઢવાની હતી તે દરમિયાન લખતર-વિરમગામ માર્ગ પર કાળમુખા ડમ્પરે તેમને પોતાની અડફેટે લીધા હતા. આ દુર્ઘટનામાં 5 મહિલાઓ અને 2 પુરુષો એમ કુલ 7 સભ્યો કાળનો કોળિયો બની જતાં પરિવાર પર વજ્રઘાત થયો છે. આ અકસ્માતમાં મસાભાઇ કરશનભાઈ મુંધવા, જાલુબેન મસાભાઇ મુંધવા, રાણીબેન મંગાભાઇ લાંબરીયા અને વજીબેન વીભાભાઇ મુંધવા સહિત કુલ 7 લોકોના કરુણ મોત નિપજ્યા હતા.
પ્રત્યક્ષદર્શીઓના હચમચાવી દેતા નિવેદન અનુસાર, બેકાબૂ ડમ્પરે ચાલકે અંદાજે 10 જેટલા યાત્રિકોને અડફેટે લીધા હતા. અકસ્માતની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે પદયાત્રીઓના પાર્થિવ દેહ હાઈવે પર લોહીલુહાણ હાલતમાં વેરવિખેર થઈ ગયા હતા.
લખતર વિરમગામ હાઈવે પર મધ્ય રાત્રે થયેલા ગોઝારા અકસ્માતમાં ભરવાડ સમાજમાં સાત લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ ગોઝારી ઘટનાના પગલે દસાડા લખતરના ધારાસભ્ય પી. કે. પરમાર, ઇન્ચાર્જ એસપી વેદિકા બિહાની ઘટના સ્થળે પહોંચ્યા છે, અને ઘટના અંગે સંપૂર્ણ જાણકારી મેળવી હતી.
લખતર વિરમગામ હાઈવે પર સર્જાયેલા ગોઝારા અકસ્માતના પગપાળા જઈ રહેલા સંઘ પર ટ્રકના ટાયર ફરી વળતા સાત લોકોના મોત નીપજ્યા હતા. આ ગોઝારી ઘટનાના સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર જી.એચ.સોલંકી ઘટનાસ્થળે પહોંચ્યા હતા, અને અકસ્માતની ઘટના અંગે સ્થિતિની સમીક્ષા કરી વિગતો મેળવી હતી.
ભરવાડ સમાજની જગ્યા ગેડીયાના મહંત લાલદાસ બાપુએ સાંત્વના પાઠવી
રાજકોટથી મેરા પગપાળા જઈ રહેલા ભરવાડ સમાજના સંઘ પર બેફામ દોડતો ટ્રક ફરી વળતા ભરવાડ સમાજના સાત લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ ગોઝારી ઘટનાની જાણ થતાં ભરવાડ સમાજની જગ્યા ગેડીયાના મહંત લાલદાસ બાપુ પણ તાકીદે ઘટના સ્થળે દોડી ગયા હતા. અને મૃતક ભરવાડ સમાજના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી.
દુ:ખદ ઘડીમાં અમે સમાજ સાથે છીએ : ધારાસભ્ય
ધારા સભ્ય પી.કે. પરમારે આ કમનસીબ બનાવ વિશે વાત કરતા જણાવ્યું હતું કે,’ રાજકોટના દત્તા ગામથી ઠાકરના દર્શન કરી મુંધવા પરિવારનો સંઘ વિરમગામ રાજબઈ માની ધજા ચઢાવી અને મેરા ગામે મહાદેવ મંદિરે કથા હતી ત્યાં જવાનો હતો, ત્યારે લખતર વિરમગામ હાઈવે પર વિઠ્ઠલગઢ પાસે છારદમાં રાત્રી રોકાણ કરી છારદથી ચાલતા વિઠ્ઠલગઢ બાજુ જતા હતા, ત્યારે ટ્રકમાં ટાયર બદલવાનું કામ ચાલતું હતું, ત્યારે આ પગપાળા સંઘ પર પાછળથી એક સ્પીડમાં આવતા ડમ્પરે પાંચ મહિલાઓ અને એક પુરુષ પરથી પસાર થઈ જતા એમના કરુણ મોત નીપજ્યા હતા, અને દશથી બાર જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. એમને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. અને મૃતકોનું પોસ્ટ મોર્ટમ થઇ ગયું છે, ત્યારે ધારાસભ્ય તરીકે હું મૃતક પરિવારજનોને સાંત્વના પાઠવું છું, અને પરિવાર પર આવેલી આ દુઃખદ ઘટના માટે સંવેદના પાઠવું છું. મારી સાથે ભરવાડ સમાજની ગેડીયા જગ્યાના મહંત લાલદાસ બાપુ સહિતના ભરવાડ સમાજના લોકો મોટી સંખ્યામાં અહીં પહોંચ્યા છે.’
ભરવાડ સમાજમાં ઘેરો શોક
ચીસ અને આક્રંદ વચ્ચે ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો અને 108ની ટીમ ત્વરિત ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે લખતર હોસ્પિટલ ખસેડી ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ કરુણ ઘટનાથી સમગ્ર પંથક અને ભરવાડ સમાજમાં ઘેરો શોક વ્યાપી ગયો છે, તેમજ હાઈવે પરની સુરક્ષા વ્યવસ્થા સામે પુનઃ ગંભીર પ્રશ્નાર્થ ચિન્હ ઊભા થયા છે.


