દારૂ-ડ્રગ્સનું દૂષણ ગુજરાતને ખોરી રહ્યું છે
રાજકોટમાં NSUI દ્વારા અર્ધનગ્ન અવસ્થામાં કરાયો અનોખો વિરોધ
ભાજપ સરકાર સામે વિરોધ વંટોળ ઉભો થતાં પોલીસે સ્થળ પર પહોંચી કાર્યકરોની કરી અટકાયત
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતમાં યુવાધનને નશાના રવાડે ચડાવતા દારૂ અને ડ્રગ્સના દૂષણ સામે રાજકોટમાં પ્રદેશ NSUI દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. રાજ્યમાં દારૂ અને ડ્રગ્સનું બેફામ વેચાણ થઈ રહ્યું છે અને તેને રોકવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપ સાથે પ્રદેશ પ્રમુખ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓએ કિશાનપરા ચોક ખાતે શર્ટ કાઢી અર્ધનગ્ન હાલતમાં રસ્તા રોકો આંદોલન કર્યુ હતુ. જોકે આ સમયે ત્યાં પહેલેથી હાજર પોલીસે તમામ કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી લીધી હતી.
NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે અને ડ્રગ્સનું નેટવર્ક શાળા-કોલેજો સુધી પહોંચી ગયું છે. જે રાજ્યના ભવિષ્ય માટે અત્યંત જોખમી છે. અમો ‘નશામુક્ત ગુજરાત’ની માંગ કરીએ છીએ અને પોલીસ તંત્ર તેમજ સરકાર આ મામલે કડક પગલાં ભરે તેવી રજૂઆત કરીએ છીએ.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ગુજરાતની પવિત્ર ધરા પર આજે ગલીએ ગલીએ દારૂ અને ડ્રગ્સ મળી રહ્યા છે. સરકાર આ દૂષણને રોકવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે ત્યારે સૂતેલી સરકારને જગાડવા માટે આજે અમે આ પ્રતીકાત્મક વિરોધ કર્યો છે. જો આગામી દિવસોમાં કડક કાર્યવાહી નહીં થાય તો NSUI સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન કરશે.
આ વિરોધ પ્રદર્શનમાં રાજકોટ શહેર અને જિલ્લા NSUI ના વિવિધ હોદ્દેદારો, કોલેજના વિદ્યાર્થી નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. જોકે આ દરમિયાન પોલીસે વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. આ સમયે એન.એસ.યુ.આઈ.ના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતુ અને રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.


