રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ડમી તબીબ કાંડનો ભાંડાફોડ
રેસિડેન્ટ ડોક્ટરે રૂપિયા લઈ વિદ્યાર્થીને સોંપી ડ્યૂટી, દર્દીઓને આપતો હતો ઈન્જેક્શન
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય વ્યવસ્થાને લઈને ચોંકાવનારી બેદરકારી સામે આવી છે, જેમાં એક રેસિડેન્ટ તબીબે પોતાની ફરજ બજાવવાના બદલે ડમી વ્યક્તિને રાખી દર્દીઓની સારવાર કરાવતો હોવાનો ખુલાસો થયો છે. આ ઘટનાએ હોસ્પિટલની કામગીરી અને દર્દીઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
માહિતી મુજબ, મેડિસિન વિભાગમાં એમડીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા રેસિડેન્ટ તબીબ આર્યન પટેલે પોતાની ડ્યૂટી માટે વિશાલ જોશી નામના યુવકને રાખ્યો હતો. તે યુવક કોઈ મેડિકલ કે નર્સિંગનો વિદ્યાર્થી નથી, પરંતુ હોમિયોપેથીનો અભ્યાસ કરે છે. છતાં તે વોર્ડમાં જઈ દર્દીઓને ઈન્જેક્શન આપતો અને સેલાઇન ચડાવતો હતો. આ માટે ડમી તરીકે કામ કરનારને દિવસે આશરે રૂ.500 અને રાત્રે ડ્યૂટી માટે રૂ.1000 ચૂકવવામાં આવતા હોવાનો પણ ખુલાસો થયો છે. તાજેતરમાં ઇમર્જન્સી વોર્ડમાં વિશાલ એક દર્દીને ઈન્જેક્શન આપતો હતો ત્યારે તેની હરકત સામે આવતા તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
સરકારી હોસ્પિટલમાં ડોક્ટર અને સ્ટાફ માટે ઓળખપત્ર સાથે એપ્રન પહેરવાની ફરજિયાત વ્યવસ્થા હોવા છતાં તેનું પાલન થતું નથી. જેના કારણે અજાણ્યા લોકો સરળતાથી વોર્ડમાં પ્રવેશી સારવાર કરતા હોવાનો આ બનાવ ઉદાહરણ છે. આ ઘટનાએ સિવિલ હોસ્પિટલમાં ચાલતી બેદરકારી, સ્ટાફની નિષ્ક્રિયતા અને દર્દીઓની સલામતી અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. જાણવા મળ્યા મુજબ, કેટલાક સ્ટાફ સભ્યો પણ આવા કિસ્સામાં મૌન સમર્થન આપતા હોવાના આક્ષેપો છે, જેથી કામનો ભાર ટાળી શકાય.
હાલ આ મામલે તપાસની માંગ ઉઠી રહી છે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત જણાઈ રહી છે.


