રાજકોટ ડેરીની ૧૯૬૧થી અમલમાં આવેલી ડેરીની ગોપાલ બ્રાન્ડ ગોપાલ નમકીનને વાપરવા દેવા માટે નજીવી રકમમાં થયું સમાધાન
રાજકોટ ડેરીએ ર૦૨૨ના ઓગષ્ટમાં ગોપાલ નમકીનને ગોપાલ બ્રાન્ડ વાપરવાની લીલીઝંડી આપી દીધી
કરોડોની બ્રાન્ડ પાણીના ભાવે આપી દીધાના ઉઠયા આક્ષેપ : કાનૂની લડતના થશે મંડાણ
રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપ.મિલ્ક પ્રોડયુસર્સ યુનિયન લીમીટેડ કે જે રાજકોટ ડેરીના નામે ખ્યાતનામ છે અને ૧૯૬૧માં જેની સ્થાપના થઇ છે તે રાજકોટ ડેરીની પ્રખ્યાત ગોપાલ બ્રાન્ડ ગોપાલ નમકીનને ઉપયોગ કરવા માટે નજીવી રકમમાં આપી દીધાનો ઘટસ્ફોટ થયો છે. જો કે આ અંગે રાજકોટ ડેરીના પૂર્વ સંચાલકો અને મેનેજમેન્ટ દ્વારા એવો બચાવ થાય છે કે રાજકોટ ડેરીએ દુધના બિઝનેસમાં ન આવવાની શરતે કાનૂની ખર્ચની રકમ લઇ ગોપાલ નમકીનને આ બ્રાન્ડ વાપરવા દેવાના કરાર થયા છે.
આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ ડેરીના ૭૪ હજાર સભાસદોને અંધારામાં રાખીને ૨૦૨૨ની સાલમાં ઓગષ્ટ મહિનામાં રાજકોટ ડેરીના મેનેજમેન્ટે આ ઠરાવ પાસ કરી લીધો છે અને કોઇ કારણોસર આ મામલે રાજકીય હરીફોએ વિગતો બહાર લાવતા ખળભળાટ મચી ગયો છે. સામાપક્ષે રાજકોટ ડેરીએ સમગ્ર સોદા અંગે તેમની વેબસાઇટ અથવા અન્ય કોઇપણ જગ્યાએ વિગતો જાહેર કરી નથી. એથી રાજકોટ ડેરીનું સમગ્ર મેનેજમેન્ટ શંકામાં આવ્યું છે.
અત્રે એ યાદ આપવું જરૂરી છે કે રાજકોટના સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડીયાનો હાલ દબદબો છે. રાજકોટ ડેરીના ચેરમેન તરીકે હાલ ગોરધન ધામેલીયા છે. પરંતુ આ સમગ્ર સોદા સમયે કોણ હતું અને ત્યારબાદ સમગ્ર સોદો થઇ ગયો અને ગોપાલ નમકીનને ગોપાલ બ્રાન્ડ અડધી અર્પણ કરી દેવામાં આવી તેના પાછળ કોઇ અંડર ટેબલ પ્રવૃતિ થઇ છે કે કેમ તે અંગે શંકાના વાદળો ઘેરાયા છે.
આ અંગે ‘અગ્ર ગુજરાત’ દ્વારા ગોરધન ધામેલીયાનો સંપર્ક કરવા અનેક પ્રયાસો થયા છે. પરંતુ રાજકોટ ડેરીના ચેરમેનનો સંપર્ક થઇ શકયો નથી. સહકારી સૂત્રોના જણાવ્યા મુજબ ૨૦૨૨ની સાલમાં ગોપાલ નમકીન અને રાજકોટ ડેરીના બોર્ડ વચ્ચે બંધ બારણે આ સમાધાન થયું હતું. જે અંગે ડેરીના ૭૪ હજાર જેટલા સભ્યોને વિશ્વાસમાં લેવાયા નથી. સહકારી સૂત્રોના જણાવ્યા મુજબ માર્કેટ પ્રાઇઝમાં આ બ્રાન્ડ મુકવામાં આવે તો તેની કિંમત કરોડો રૂપિયા થાય. છતાં બોર્ડ ઓફ ડિરેકટરે ગોપાલ નમકીનને નજીવી રકમમાં આ ગોપાલ બ્રાન્ડ નેમ વાપરવા શા માટે છુટ આપી દીધી તે સવાલ છે. આ બાબતે ૨૦૨૨માં સેટલમેન્ટ થઇ ગયું હોવા છતાં અત્યાર સુધી આ બાબતે ડેરીના મેનેજમેન્ટે વિગતો કેમ છુપાવી તે પણ સભાસદોમાં સવાલ પૂછાઇ રહ્યો છે.
શું કહે છે કે ગોપાલ ડેરીના એમ.ડી. નરેન્દ્ર શર્મા?
રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપ.મિલ્ક પ્રોડયુસર્સ યુનિયન લીમીટેડ રાજકોટ ડેરીના નામે જાણીતી દુધની ડેરીના મેનેજીંગ ડિરેકટર નરેન્દ્ર શર્માની ‘અગ્ર ગુજરાત’એ રૂબરૂ મુલાકાત લઇ સમગ્ર બાબત અંગે પૃચ્છા કરી હતી. તેમણે આ બાબતે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે આ કેસ ૨૦૦૮ની સાલનો હતો. જે તે સમયે ગોપાલ નમકીને ગોપાલ નામનો ઉપયોગ કરતાં ગોપાલ ડેરીએ બ્રાન્ડ અને રજીસ્ટ્રેશનના કન્સલ્ટન્ટ યશવંત જનાણી એન્ડ કંપની (જે રાજકોટ ડેરીના આ બાબતના લીગલ સલાહકાર છે) તેમની કાનૂની સલાહ મુજબ ગોપાલ નમકીનને ઓબ્જેકશન અરજી કરી હતી. ત્યારબાદ આ કેસ તબક્કાવાર લંબાયો હતો અને આ માટે રાજકોટ ડેરીને કાનૂની ખર્ચ થયો હતો. એક તબક્કે આ સલાહકાર જનાણીએ વાંધા અરજી કરી હતી. તેમણે ડેરીના મેનેજમેન્ટને એવી સલાહ આપી હતી કે આ કેસ ઉભો નહી રહે એટલે તે રકમ લઇ સમાધાન કરવું હિતાવહ છે. આથી રાજકોટ ડેરીને કુલ રૂ.૧પ.૫૬ લાખનો ખર્ચ થયો હતો તે ખર્ચ ગોપાલ નમકીને આપ્યો હતો અને આપસી સમજુતીથી એક સેટલમેન્ટ કરાર થયો હતો. જે મુજબ ગોપાલ નમકીન માત્ર નમકીન માટે ગોપાલ બ્રાન્ડનો ઉપયોગ કરી શકશે. જયારે રાજકોટ ડેરી દુધ અને બેકરીની આઇટમ માટે ગોપાલ બ્રાન્ડનો ઉપયોગ કાયમ રાખશે. આમ આપસી સમજુતીથી આ મામલો જે-તે સમયે સુલજી ગયો હતો. 3૦-૧૧-૨૦૨૨ના રોજ આ અંગે બંને પક્ષે ખુલાસો થયો હતો. જેમાં એક પક્ષે રાજકોટ ડેરીનું બોર્ડ અને બીજા પક્ષે ગોપાલ નમકીનનું મેનેજમેન્ટ રહ્યું હતું.
એમ.ડી.નરેન્દ્ર શર્માએ વધુમાં જણાવ્યું હતું કે વિવાદ થવાથી આ નામ ભગવાનને લગતુ હોવાથી કોઇ એકનો હક્ક ન રહે તો રાજકોટ ડેરીના ૭૪ હજાર સભાસદોના હિતને નુકશાન પહોંચે તેમ હોવાથી પણ આ સમાધાન કરવામાં આવ્યું હતું. જો કે આ સમયે જે-તે સમયના એમ.ડી. વિનોદ વ્યાસની મહત્વની ભૂમિકા હોવાનું કહેવાય છે. હાલના એમ.ડી. નરેન્દ્ર શર્મા જે-તે સમયે રાજકોટ ડેરીમાં ફરજ બજાવતા ન હતાં.
નિર્ણાયક અંગે કેટલાક સવાલો
- રાજકોટ ડેરીની જૂની બ્રાન્ડ ગોપાલ નમકીનને શા માટે આપી દેવાઇ?
- ગોપાલ નમકીને જયારે ગોપાલ બ્રાન્ડનો ઉપયોગ શરૂ કર્યો ત્યારે તેની સામે લીગલ કેસ કેમ ન થયો?
- બ્રાન્ડ એટર્ની યશવંત જનાણી એન્ડ કંપનીએ માત્ર વાંધા અરજી જ શા માટે આપી?
- કોર્ટ કાર્યવાહી જે -તે સમયે શા માટે ન થઇ?
- ૨૦૨૨માં જયારે સોદો થયો ત્યારે ૭૪ હજાર સભાસદોને વિશ્વાસમાં કેમ ન લેવાયા?
- ૨૦૨૨માં આ બ્રાન્ડનું સેટલમેન્ટ થયું ત્યારે બ્રાન્ડ વેલ્યુ માટે ઇન્ટરનેશનલ એજન્સીની સેવા કેમ ન લેવાઇ?
- માત્ર ૧૫.૫૬ લાખમાં રાજકોટ ડેરીની બ્રાન્ડ આપતા પહેલા કાનૂની કાર્યવાહી કેમ ન થઇ?