રોયલ એડેલાઈડ હોસ્પિટલમાં રિસર્ચ આસિસ્ટન્ટની ઓફર બતાવી વોટ્સએપ ગ્રૂપ મારફતે જાળ બિછાવી
વિદેશમાં નોકરીના સપના જોઈ રહેલા યુવાન તબીબોને નિશાન બનાવી સાયબર ઠગાઈના વધુ એક ચોંકાવનારા બનાવમાં રાજકોટના એમબીબીએસ ડિગ્રી ધરાવતા યુવક સાથે રૂ. 50.75 લાખની ઠગાઈ આચરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાની નામચીન Royal Adelaide Hospitalમાં મેડિકલ રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે નોકરી અપાવવાની લાલચ આપી ગઠિયાઓએ કટકે-કટકે મોટી રકમ પડાવી લીધી હોવાનું બહાર આવ્યું છે. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ મથક રાજકોટમાં ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ અટલ સરોવર સામે આવેલા સનરાઈઝ પાર્ક વિસ્તારમાં રહેતા ચિન્મયભાઈ પ્રકાશભાઈ ત્રિવેદી (ઉ.વ. 26)એ સાયબર ક્રાઈમ પોલીસને જણાવ્યું છે કે, તેઓ એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરી ચૂક્યા છે અને ગાંધીનગર ખાતે જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં અભ્યાસ કર્યો છે. તેઓ ઓનલાઇન “એ.એમ.સી. બાય ડૉ. ગુપ્તા” નામે ક્લાસીસ પણ ચલાવે છે. આગળ સારી કારકિર્દી માટે તેમણે Australian Medical Councilની પરીક્ષા આપી હતી, જેમાં પાસ થયા બાદ તેઓ એક “AMC Australia 2025 – Dream Come True” નામના વોટ્સએપ ગ્રૂપમાં જોડાયા હતા.
આ ગ્રૂપમાં ઓક્ટોબર 2025 દરમિયાન Royal Adelaide Hospitalમાં નોકરી માટેની જાહેરાત મુકાઈ હતી. જાહેરાતમાં આપેલા ડૉ. જોસુઆ નામના વ્યક્તિના સંપર્કમાં આવતા ચિન્મયભાઈ પાસેથી પ્રથમ ડોક્યુમેન્ટ ચકાસણીના નામે 2100 ઓસ્ટ્રેલિયન ડોલર (અંદાજે રૂ. 1.20 લાખ) પડાવ્યા હતા. ત્યારબાદ તેમને ઓફર લેટર મોકલીને જોબ ફી તરીકે કુલ 28,400 ઓસ્ટ્રેલિયન ડોલર (અંદાજે રૂ. 16.50 લાખ) ચૂકવવા કહ્યું હતું, જે રકમ તેમણે બેંક ખાતામાં ટ્રાન્સફર કરી હતી.
આ પછી હોસ્પિટલમાંથી સીટ કન્ફર્મ થયાનો ઈ-મેલ મોકલી પ્લાનિંગ બફર અને એપ્લિકેશન પ્રોસેસ માટે વધુ રૂ. 7.50 લાખની માંગ કરવામાં આવી હતી. આ રકમ એચઆર મેનેજર હોવાનું કહીને ઓળખ આપનાર વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરાવવામાં આવી હતી. ત્યારબાદ વિઝા પ્રક્રિયાના બહાને તેમને ઓસ્ટ્રેલિયાના એક એજન્ટ ડેનિયલનો સંપર્ક નંબર આપવામાં આવ્યો હતો.
વિઝા માટે બેન્ક વેરિફિકેશનના નામે આરોપીઓએ Commonwealth Bank of Australiaમાં ખાતું ખોલ્યાનું જણાવી તેમાં ઓસ્ટ્રેલિયન ડોલર 41 હજાર (અંદાજે રૂ. 24 લાખ) જમા કરાવવાનું કહ્યું હતું. જોકે, બાદમાં ચિન્મયભાઈએ સીધો બેંક તથા રોયલ એડેલાઈડ હોસ્પિટલનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે તેમના નામે કોઈ ખાતું ખોલાયું નથી અને સંપર્કમાં રહેલા એજન્ટો ફ્રોડ હોવાનું સ્પષ્ટ થયું હતું.
આ રીતે તબીબને વિદેશી નોકરીની લાલચ આપી કુલ રૂ. 50.75 લાખની ઠગાઈ કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઈમ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા વોટ્સએપ ગ્રૂપ, ઈ-મેલ આઈડી, બેંક ટ્રાન્ઝેક્શન અને વિદેશી નંબરના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.


