સવારના ૯ થી રાત્રિના ૯ વાગ્યા સુધી યોજાશે પ્રદર્શન : ઉભરતા કલાકારોની કલાકૃતિઓ પ્રદર્શિત કરાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં આકૃતિ આર્ટ ગ્રુપ દ્વારા તા.૨૪ થી ૨૬ સુધી ૧૭માં ભવ્ય વાર્ષિક કલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
અનોખાં કલા પ્રદર્શન માટે જાણીતા રાજકોટ ના ‘આકૃતિ આર્ટ ગ્રુપ’ તેના ૧૭મા ભવ્ય વાર્ષિક કલા પ્રદર્શનનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ પ્રદર્શનમાં ગુજરાતભરના સ્થાપિત અને ઉભરતા કલાકારોની અદભૂત કલાકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવશે.
પ્રદર્શનની તા. ૨૪ થી ૨૬ જાન્યુઆરી ત્રણ દિવસ સવારે ૯:૦૦ વાગ્યાથી રાત્રીના ૯:૦૦ વાગ્યા સુધી “શ્રી શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી” રેસકૉસ, રાજકોટ ખાતે યોજાશે. આ પ્રદર્શનમાં ચિત્રકળા તથા અન્ય કલાનમૂનાઓ રજૂ કરવામાં આવશે, જે કલાકારોની કલ્પના, સાંસ્કૃતિક પ્રેરણા, ભાવનાઓ અને આધુનિક વિષયોને પ્રતિબિંબિત કરે છે. પ્રદર્શનનો ઉદ્દેશ કલા પ્રત્યેની રૂચિને પ્રોત્સાહન આપવાનો તેમજ કલાકારોને તેમની સર્જનાત્મક દૃષ્ટિ વિશાળ દર્શકવર્ગ સુધી પહોંચાડવા માટે એક મજબૂત મંચ પૂરો પાડવાનો છે.
દરેક કલાનમૂનો પોતાની વિશિષ્ટ શૈલી, તકનીક, રંગોની પસંદગી અને દૃષ્ટિકોણ દ્વારા દર્શકોને સમૃદ્ધ અને રસપ્રદ દૃશ્ય અનુભવ આપે છે. કલા રસિકો, વિદ્યાર્થીઓ, કલાસંગ્રાહકો તથા સામાન્ય જનતાને આ પ્રદર્શનની મુલાકાત લેવા અને કલાકારો સાથે સંવાદ સાધવા માટે જણાવાયું છે. આ કાર્યક્રમ કલાકૃત્તિ, સર્જનાત્મકતા અને અભિવ્યક્તિનું પ્રેરણાદાયી ઉત્સવ સાબિત થશે.
‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે આવેલા આરતીબેન બાવીશી, કેયુરભાઇ સોરઠીયા અને દર્શનભાઇ સોલંકીએ કલા પ્રદર્શન વિશે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે ઉભરતા કલાકારોને રાજકોટમાં પ્લેટફોર્મ મળી રહે તે માટે ૧૭માં કલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ માહિતી માટે જયદીપભાઇ પરમાર ૭૪૦૫૫ ૭૭૦3૦ ઉપર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.


