રાજકોટના હેર સલૂન સંચાલક સાથે લોનના નામે 32 લાખની ઠગાઈ
સસ્તા વ્યાજે કરોડોની લોન અપાવવાની લાલચ આપી સુરત–મુંબઈ સુધી દોડાવ્યા, અંતે ઉત્રાણ પોલીસમાં ફરિયાદ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં સસ્તા વ્યાજે કરોડો રૂપિયાની લોન અપાવવાની લાલચ આપીને હેર સલૂન સંચાલક પાસેથી ₹32.45 લાખ પડાવી લેવામાં આવ્યા હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. લોન પ્રક્રિયાના નામે અલગ–અલગ બહાનાં હેઠળ નાણાં વસૂલવામાં આવતા અંતે પીડિતે ઉત્રાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદ મુજબ રાજકોટના માધાપર ચોકડી પાસે ક્રાંતિવીર ટાઉનશીપમાં રહેતા ભવ્ય મનસુખભાઈ વિઠલાપરા (ઉ. 24) ઉમિયા ચોક, આકાશદીપ મેઈન રોડ પાસે ‘જુલી હેર સલૂન’ ચલાવે છે. આ દરમિયાન સલૂન પર આવનાર કાર્તિક હસમુખભાઈ બાવીશી સાથે તેમની ઓળખાણ થઈ હતી. કાર્તિકે પોતે જમીન–મકાનની દલાલી કરતો હોવાનું જણાવી ભવ્યને મોટું સાહસ કરવા પ્રોત્સાહિત કર્યો હતો અને સસ્તા વ્યાજે કરોડોની લોન અપાવવાની વાત કરી વિશ્વાસમાં લીધો હતો.
લોન પ્રક્રિયા માટે કાર્તિક ભવ્યને સુરત લઈ ગયો હતો, જ્યાં તેને મોટાવરાછા વિસ્તારના પાટીદાર ચોકમાં રહેતા રસિક ઉર્ફે આર.કે. સાથે મળાવ્યો હતો. બાદમાં વધુ વિશ્વાસ પકડાવવા માટે મુંબઈમાં રહેતા શોયેબ અને આયુષ અગ્રવાલ સાથે સંપર્ક કરાવવામાં આવ્યો હતો. આ લોકોએ માત્ર 4 ટકા વ્યાજ દરે સાત કરોડની લોન મંજૂર કરાવવાની વાત કરી હતી.
આ પ્રક્રિયામાં વકીલ ફી, ટ્રાન્સપોર્ટેશન ચાર્જ, બોર્ડ ચાર્જ સહિતના બહાનાં હેઠળ સમયાંતરે નાણાંની માંગણી કરવામાં આવી. ભવ્ય વિઠલપરાએ આંગડિયા પેઢી તેમજ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન મારફતે વારંવાર રકમ ચુકવી હતી. એટલું જ નહીં, પોતાની કાર પણ ગીરવે મુકવામાં આવી હતી.
ફરિયાદ મુજબ કાર્તિક બાવીશીને ₹2.60 લાખ, રસિક ઉર્ફે આર.કે.ને ₹4.30 લાખ અને શોયેબ તથા આયુષ અગ્રવાલને કુલ ₹25.55 લાખ ચૂકવાયા હતા. આમ કુલ ₹32.45 લાખની રકમ લોનના નામે પડાવી લેવામાં આવી હતી. લાંબા સમય સુધી લોન અંગે પૂછપરછ કરવા છતાં કોઈ સ્પષ્ટ જવાબ ન મળતા અંતે ભવ્યએ કાર્તિક બાવીશી, રસિક ઉર્ફે આર.કે. વિનુભાઈ ખેની તેમજ શોયેબ અને આયુષ અગ્રવાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે મોટાવરાછાના આર.કે.એ ‘બ્લેકના નાણાં વ્યાજે મળશે’ એવી વાતો કરી ભવ્યને ભ્રમમાં મૂક્યો હતો અને મુંબઈની હોટલમાં મળાવી મોટા લોકોના નામે વિશ્વાસ પકડાવી નાણાં પડાવ્યા હતા. ઉત્રાણ પોલીસે તમામ આરોપીઓની ભૂમિકા તપાસી વધુ કાર્યવાહી શરૂ કરી છે.


