રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રેપિડો સર્વિસનો પ્રારંભ
દેશ-વિદેશથી આવતા મુસાફરો માટે સ્નેકબારનું પણ ઓપનિંગ કરાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં તા. 11 અને 12 જાન્યુઆરીના સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે, ત્યારે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટ્રાન્સપોર્ટેશન માટે રેપિડો સર્વિસ શરૂ કરવામાં આવી છે. જેનું ઉદ્ઘાટન એરપોર્ટ ડાયરેક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સાથે જ દેશ વિદેશથી આવતા હવાઈ મુસાફરો માટે સ્નેક બારનું પણ ઓપનિંગ કરાયું હતું. આ ઉપરાંત ગુજરાતની ઓળખ સમાન પટોળા પણ ડિસ્પ્લેમાં મૂકવામાં આવેલા છે.
મુસાફરોને ધ્યાનમાં રાખી રેપિડો કેબ સેવા શરૂ કરી રાજકોટના એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહે જણાવ્યું હતું કે, ગુજરાતની રીજનલ વાઇબ્રન્ટ સમિટ રાજકોટમાં યોજાવાની છે, ત્યારે રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મુસાફરો અને મુલાકાતીઓના ધસારાને ધ્યાનમાં રાખીને રેપિડો કેબ સેવા શરૂ કરી દેવામાં આવી છે. જેમાં મોબાઇલ એપ્લિકેશન દ્વારા બુકિંગની સુવિધા આપવામાં આવશે અને મુસાફરોને મદદ કરવા માટે ટર્મિનલ બિલ્ડિંગની સામે પાર્કિંગ વિસ્તારમાં એક કાઉન્ટર ઊભું કરવામાં આવ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના પાર્કિંગ વિસ્તારમાં સ્થિત ટર્મિનલ બિલ્ડિંગની સામે સ્નેક બારનું પણ આજે ઓપનિંગ કરાયું હતું. જ્યાં વાઇબ્રન્ટ સમિટમાં આવતા દેશ – વિદેશના મુલાકાતીઓ અને હવાઈ મુસાફરોને ચા, કોફી અને અલગ અલગ પ્રકારનું ફૂડ મળી રહેશે. આ સાથે જ ટર્મિનલ બિલ્ડિંગના પ્રસ્થાન વિસ્તારમાં AVSAR સુવિધા પણ કાર્યરત થશે.
એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) ની એક પહેલ છે. જે સ્વ-સહાય જૂથો (SHGs) અને સ્થાનિક કારીગરોને તેમના અનન્ય પ્રાદેશિક ઉત્પાદનોનું પ્રદર્શન અને વેચાણ કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. જેનાથી સ્થાનિક સંસ્કૃતિને પ્રોત્સાહન મળે છે અને મહિલાઓને સશક્તિકરણ મળે છે. જે અંતર્ગત અહીં પટોળા ડિસ્પ્લેમાં રાખવામાં આવ્યા છે.


