રાજકોટ મનપા વોર્ડ નં. 17(બ)ના સેનેટરી ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયા
રજા સરભર કરવાના બહાને સફાઈ કામદાર પાસેથી રૂપિયા 2 હજારની માંગ; ACBના છટકામાં 1000 લેતા રંગેહાથ ઝડપાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા વોર્ડ નં. 17(બ)ના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર રમેશભાઈ ગડીયલને લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોએ રંગેહાથ ઝડપી લીધા છે. સફાઈ કામદારોને મળતી રજા સરભર કરવાના બહાને ગેરકાયદેસર રૂપિયા માગવામાં આવતા મામલો ACB સુધી પહોંચ્યો હતો.
મળતી વિગતો મુજબ, જે વિસ્તારમાં સફાઈ કામદારો ફરજ બજાવે છે ત્યાં રજા લીધેલી હોય તો તે રજા ગણતરીમાં લેવા બદલ સેનેટરી ઇન્સ્પેક્ટરે સંબંધિત સફાઈ કામદાર પાસેથી રૂપિયા 2,000ની લાંચની માંગ કરી હતી. આ બાબતે ત્રસ્ત થયેલા સફાઈ કામદારે એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે રાજકોટ શહેર ACBના પી.આઈ. આર. આર. સોલંકી અને ટીમે નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલા તથા મદદનીશ નિયામક જે. ડી. મેવાડાની માર્ગદર્શન હેઠળ છટકું ગોઠવ્યું હતું. ગોઠવાયેલા છટકામાં સેનેટરી ઇન્સ્પેક્ટર રૂપિયા 1,000ની લાંચ સ્વીકારતા જ ACBની ટીમે તેમને રંગેહાથ ઝડપી લીધા હતા.
ઉલ્લેખનીય છે કે આરોપી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વોર્ડ નં. 17(બ)માં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. ધરપકડ બાદ આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


