રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર
રાજયભરમાં ૪૬૦થી વધુ મુરતીયાઓની યાદી જાહેર : સામાન્ય લોકો પ્રાધાન્ય આપ્યું : ઇશુદાન
અગ્ર ગુજરાત, રાજકોટ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને AAPએ આજે(24 માર્ચ) 460થી વધુ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યું છે. પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ કહ્યું કે તાલુકાથી મહાનગરપાલિકા સુધી સામાન્ય લોકોને ટિકિટ આપવામાં આવી છે. ગઇકાલે રાજ્ય ચૂંટણી આયોગે પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરી હતી. તેમાં રાજ્યની 15 મહાનગરપાલિકા (મનપા), 84 નગરપાલિકા, 11 નગરપાલિકાઓની 13 બેઠક (પેટા ચૂંટણી), 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની પ્રાથમિક મતદાર યાદીનો સમાવેશ થાય છે. આ તમામ બેઠકો પર કુલ 4,18,87,818 મતદારો નોંધાયા છે. જેમાં 2,16,15,633 પુરૂષ મતદારો છે. જ્યારે 2,02,71,220 મહિલા મતદાર નોંધાઈ છે. આ ઉપરાંત 965 અન્ય મતદારો નોંધાયા છે.
રાજકોટ મહાનગરપાલિકાની 18 વોર્ડની કુલ 72 પૈકી 20 બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે જેમાં વોર્ડ નંબર 4ના તમામ 4, વોર્ડ નંબર 5ના 3, વોર્ડ નંબર 6ના 3, વોર્ડ નંબર 18ના 2, વોર્ડ નંબર 17ના 2, વોર્ડ નંબર 8ના 2, વોર્ડ નંબર 1ના 2, વોર્ડ નંબર 14ના 1 અને વોર્ડ નંબર 9ના 1 ઉમેદવારનો સમાવેશ થાય છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વીડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે, સામાન્ય લોકો માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. આજે આમ આદમી પાર્ટીએ આમ જનતાને તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ઉમેદવારી માટે ટિકિટ આપી છે અને આજે એક નવી રાજનીતિની શરૂઆત કરી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે મને ગર્વ થાય છે, અમે સ્વપ્ન જોયું હતું કે બહુ થયું બાપ-બેટાની રાજનીતિ, હવે સામાન્ય લોકોની રાજનીતિની શરૂઆત કરી છે અને એ અમારું સૌભાગ્ય છે.
આજે આમ આદમી પાર્ટીએ તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કર્યું છે. પ્રથમ લિસ્ટમાં 460થી વધુ ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ લિસ્ટ પ્રદેશ નેતૃત્વ, સ્ક્રીનિંગ કમિટી અને કેન્દ્રીય નેતૃત્વની સહમતિથી જાહેર કરવામાં આવ્યું છે, જેને લઈને મને ખૂબ આનંદ થાય છે.
AAP નેતા ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતુ કે, અત્યાર સુધી ભાજપના સાંસદ હોય તો તેમનો દીકરો ધારાસભ્ય બનવા માંગે, તેમનો દીકરો જિલ્લા પંચાયત અથવા નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ટિકિટ મેળવે, આમ સામાન્ય કાર્યકર્તાને ક્યારેય તક મળતી નહોતી. અથવા તો કરોડપતિઓ હોય કે નેતાઓના દીકરાઓને જ તક મળતી હતી.
460થી વધુ એવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે, જે સામાજિક રીતે સક્રિય છે અને ખરેખર સામાન્ય લોકો છે. હું તમામ 460થી વધુ ઉમેદવારોને હાર્દિક અભિનંદન પાઠવું છું. આ નવી રાજનીતિને ગુજરાતની જનતા જાતિ-ધર્મથી ઉપર ઉઠીને સ્વીકારશે એવી હું આશા અને પ્રાર્થના કરું છું.


