રાજકોટ મનપામાં જૂના જોગીઓને મેદાને ઉતારશે કોંગ્રેસ
ગાયત્રીબા વાઘેલા, અતુલ રાજાણી, વશરામ સાગઠીયા, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા, રણજીત મુંધવા, રાજુ ચાવડીયા સહિતના ૨૦ નેતાઓને ટેલીફોનીક જાણ કરાઇ
આવતીકાલે ઉમેદવારોની પ્રથમ યાદી કોંગ્રેસ જાહેર કરશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકામાં સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ આ વખતે એડીચોટીનું જોર લાગવી દીધુ છે. આવતીકાલે પ્રથમ યાદી જાહેર કરશે તે અગાઉ કોંગ્રેસ દ્વારા રાજકોટના ૨૦ જેટલા જૂના-નવા નેતાઓને ટેલીફોનીક જાણ કરી લડવા માટે તૈયારી કરવાની સૂચના આપી છે. જેમાં ગાયત્રીબા વાઘેલા, વશરામ સાગઠીયા, અતુલ રાજાણીનો પણ સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા રાજકોટના ખાનગી રિસોર્ટમાં કોંગ્રેસની બેઠક યોજાઇ હતી. તેમાં ૫૦ ટકા નવા ચહેરા અને યુવાનોને તક આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે મુજબ રાજકોટ મનપામાં કેટલાક નવા ચહેરાને તક મળવાની ચર્ચા વચ્ચે જૂના જોગીઓને ફોન કરવામાં આવ્યા હતાં અને તૈયારીઓ કરવા સુચના આપવામાં આવી છે. ખાસ કરીને પોતાનો ગઢ જાળવી રાખવા માટે કમર કસી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26 એપ્રિલે એક જ તબક્કામાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની 10,005 બેઠકોની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભાજપ સહિતના પક્ષોએ ઊમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ કરી છે.
કોંગ્રેસમાં ઉમેદવારો પસંદ કરવાની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. જે બેઠકો પર વિવાદ કે મડાગાંઠ છે તેવી બેઠકો પર પેનલ તૈયાર થઇ શકી નથી. આવી વિવાદાસ્પદ બેઠકો માટે આજે (4 એપ્રિલ) પ્રદેશ કક્ષાએ નિરીક્ષકોની હાજરીમાં બેઠકોનો દોર હાથ ધરાશે. આ બેઠકોમાં જે બેઠક પર એક સરખા સમીકરણો ધરાવતા મજબૂત દાવેદારો વચ્ચે સ્પર્ધા છે, તેવી બેઠકો પર નિર્ણય લેવાશે. શનિવારે હાથ ધરાનારી બેઠકોમાં સૌ પ્રથમ મહાનગર પાલિકાની કામગીરી હાથ ધરવામાં આવશે અને 5 એપ્રિલે ઉમેદવારો જાહેર કરાશે. રાજકોટમાં કોંગ્રેસે જૂના જોગીઓને મેદાને ઉતારવાનો નિર્ણય લીધો છે. જેમાં 20 જેટલા ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરાઈ છે.
કોંગ્રેસમાંથી મળતી માહિતી મુજબ વોર્ડ નં.3માં ગાયત્રીબા વાઘેલા, અતુલ રાજાણી, વોર્ડ નં.૧૧માં કેતન વાળા, વોર્ડ નં.૨માં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા, વોર્ડ નં.૧માં રમેશ જુંજા, વોર્ડ નં.૧૫માં પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા, મકબુલ દાઉદાણી, વોર્ડ નં.૧3માં જાગૃતિબેન ડાંગર, કમલેશ કોઠીવાલા, વોર્ડ નં.૧૨માં સંજય અજુડીયા, વોર્ડ નં.૪માં ઠાકરશી ગજેરા, વોર્ડ નં.૧૮માં નિલેશ મારૂ, વોર્ડ નં.૮માં રણજીત મુંધવા, રાખોલીયા ભગત, વોર્ડ નં.૬માં શૈલેષ સાકરીયા, વોર્ડ નં.૧૪માં રાજુ ચાવડીયા, વોર્ડ નં.૯માં ગિરીશ ધરસાણીયા, વોર્ડ નં.૧૭માં રસીક ભટ્ટ અને વોર્ડ નં.૧૬માં સુરેશ ગેરૈયાને ફોન આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.


