રાજકોટ મનપાની શાળાના પાંચ શિક્ષકો આઉટ સ્ટેન્ડીંગ ટીચર એવોર્ડથી સન્માનિત
નિઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા યોજાયો કાર્યક્રમ
અગ્ર ગુજરાત, રાજકોટ
નિઓરાજકોટ ફાઉન્ડેશન સરકારી શાળાઓમાં શિક્ષણમાં પરિવર્તન લાવવા માટે પ્રતિબદ્ધ છે, સરકારી શાળાઓના વિદ્યાર્થીઓમાં કૌશલ્યનો વિકાસ કરી, આર્થિક રીતે વંચીત વિદ્યાર્થીઓના જીવનમાં અર્થપૂર્ણ અને માપી શકાય તેવી સકારાત્મક અસરો ઉભી કરીને બાળકો અને જ્ઞાન વચ્ચે સેતુ સાધવા, તેમના પરિવારોના જીવનને સમૃદ્ધ બનાવવામાં અને સમાજને મોટા પાયે લાભ થાય તેવા હેતુથી વિવિધ પ્રવૃતિઓ છેલ્લા ઘણા વર્ષોથી કરવામાં આવે છે. નિઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા રાજકોટ મહાનગરપાલીકાની શાળાઓમાં શિક્ષણને લગતા ઘણા કાર્યક્રમો ચાલે છે તેમા મોરપીંછની કલગીરુપ શ્રેષ્ઠ શિક્ષકો ને આઉટસ્ટેન્ડીંગ ટીચર એવોર્ડ ૨૦૨૬ એનાયત કરવાની શરુઆત ચાલુ વર્ષથી કરવામાં આવી છે. જેમાં પાંચ શિક્ષકોને એવોર્ડ એનાયત થયા હતાં.
રાજકોટ મહાનગરપાલીકાની શાળાઓના તમામ શિક્ષકોમાંથી વિવિધ માપદંડો જેવા કે શિક્ષકોના શ્રેષ્ઠ જ્ઞાન, વિશિષ્ટ કૌશલ્ય અને ઉમદા અભિગમ તેમજ એમના સામાજિક, સાંસ્કૃતિક, સેવાકીય ક્ષેત્રે યોગદાન, શિક્ષકોનું વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે નો સંબંધ, શિક્ષણના પોતાના કાર્યમાં ક્રિએટિવિટી વગેરે જેવા જુદા જુદા માપદંડોના આધારે તેમના કાર્યોને મુલવી તેમાંથી પાંચ શિક્ષકોની પસંદગી કરી તેમની કાર્યનિષ્ઠાને વધાવવા અને સન્નમાનિત કરવા માટે તેમને નિઓરાજકોટ ફાઉન્ડેશન દ્વારા આઉટસ્ટેન્ડીંગ ટીચર એવોર્ડ ૨૦૨૬ થી નવાઝવામાં આવ્યા હતા. જે શિક્ષકોએ પોતાની ફરજ ઉપરાંત વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અસાધારણ સેવા, શૈક્ષણિક શ્રેષ્ઠતા અને ભાવિ પેઢીઓને ઘડવામાં અર્થપૂર્ણ ભૂમિકા ભજવી છે, તેમના કાર્યોને બિરદાવવા, તેમના આત્મવિશ્વાસને સરાહવવા તેમની પસંદગી આ એવોર્ડ માટે કરવામાં આવી હતી.
સપ્ત સંગીતિ ૨૦૨૬ ના મંચ પર રાજકોટ શહેરના સુજ્ઞ નાગરિકોની હાજરીમાં સંસ્થાના ડિરેક્ટરશ્રીઓ, પેટ્રનશ્રીઓ અને રાજકોટ મહાનગરપાલીકાના કમિશ્નરશ્રી તુષાર સુમેરાના હસ્તે આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ માટે જે પાંચ શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. તેમાં રાજેશ ગડારા, ડો. હેતલ પારિયા, આશાબેન ગજ્જર, નયનકુમાર રુદકિયા અને ગોદાવરીબેન ભાલોડીયાનો સમાવેશ થાય છે. આ એવોર્ડ સાથે તેમને પ્રમાણપત્ર તેમજ પ્રથમ ત્રણ શિક્ષકો આશાબેન ગજ્જર, નયનકુમાર રુદકિયા અને ગોદાવરીબેન ભાલોડીયાને દરેકને રોકડ પુરસ્કાર અંકે રુ. ૧ લાખ તથા રાજેશ ગડારા અને ડો. હેતલ પારિયા આ બન્ને શિક્ષકોને અંકે રુ. ૫૦ – ૫૦ હજારની રોકડ રાશી અને પ્રમાણપત્ર અર્પણ કરી તેમના કાર્યોને બિરદાવી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.


