રાજકોટના ઉપલેટા તાલુકામાં ભાયાવદર નગરપાલિકાના ભાજપના નેતાના ઘરે રાત્રે પોલીસે દરોડા પાડી જુગારધામ ઝડપી પાડ્યું હતું. નગર પાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન કારોબારી ચેરમેનના પતિ અતુલ વાછાણીના ઘરે પોલીસે દરોડા પાડીને મોટી કાર્યવાહી કરી છે.
ભાયાવદર નપાના અગ્રણીના ઘરેથી જુગારધામ ઝડપાયું
ભાયાવદરમાં પોલીસે રાતના સમયે જ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન કારોબારી ચેરમેનના પતિ અતુલ વાછાણીના ઘરે દરોડા પાડ્યા હતાં. જેમાં નગરપાલિકાના કારોબારી ચેરમેન માયાબેન વાછાણીના પતિ ઘરે જુગારનો અખાડો ચલાવતા હોવાનુ સામે આવ્યું હતું. પોલીસે આ દરોડા દરમિયાન જુગાર રમતા 6 લોકોને ઝડપી પાડ્યા હતાં. આ ઉપરાંત રોકડ રકમ, 6 મોબાઈલ અને 4 મોટરસાયકલ સહિત કુલ રૂ2.74 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
ભાજપ નેતા પોતાના ઘરે માણસો બોલાવી જુગાર રમાડતો
પોલીસને ભાજપના અગ્રણી અતુલ વાછાણી પોતાના ઘરે બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતાં. રાજકીય વગ ધરાવતા નેતાના ઘરે થયેલી આ રેડને પગલે સમગ્ર પંથકમાં અને રાજકીય આલમમાં ભારે ચકચાર મચી ગઈ છે.ભાયાવદરના રાજકીય આગેવાનો રાજકીય ધાક અને વગને કારણે અનેક ગોરખધંધાઓ સાથે સંકળાયેલા હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું છે.


