- ગાંધીનગરથી મંત્રી મધરાતે ઘટનાસ્થળે પહોંચી ગયા
- જ્યારે લોકો આફતમાં હોય ત્યારે હાજર ના રહે એ શું કામના ? : સોશિયલ મીડિયામાં ટીકા
- રાજકોટના ઉમેદવાર રૂપાલા અચાનક મુખ્યમંત્રીની સાથે નજરે પડયા
રાજકોટમાં ગેમઝોન દુર્ઘટના બાદ આખુ શહેર વિલાપ કરતું હતું ત્યારે સૌની નજર ચૂંટણીમાં સતત લોકોની વચ્ચે દેખાતા નેતાઓને શોધતી હતી.જેમાં રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા દુર્ઘટનાની સાંજે પણ ના દેખાયા, હજજારો આંખો અશ્રુ સારતી હતી ત્યારે ગાંધીનગરથી મંત્રી પહોચી ગયા પરંતુ રૂપાલા મધરાત સુધી યે ના દેખાતા સોશિયલ મીડિયામાં તીવ્ર આલોચના શરૂ થઈ હતી રૂપાલા આ દુર્ઘટનામાં ગેમઝોનની આગ બૂઝાઈ ગયા બાદ અને મૃતદેહોના ડીએનએ ટેસ્ટ માટેના બીજા દિવસે એમ્સમાં દેખાયા હતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શોકમગ્ન પરિવારજનોને સાંત્વના આપવા આવ્યા અને તેમણે અધિકારીઓ સાથે સમીક્ષા કરી છેક ત્યારે રૂપાલાની પ્રથમ એન્ટ્રી એમ્સ ખાતે થઈ હતી.ત્યાંથી પણ ઘટનાસ્થળે જવાને બદલે ભાજપના કાર્યાલય કમલમ ખાતે તેમણે મિડીયા સાથે વાતો કરી પરંતુ ઘટનાસ્થળે તો ના જ ગયા. ચૂંટણીપ્રચારમાં લોકોને સતત કહેતા કે હું તમારી સાથે જ છું અને સાથે જ રહીશ,પરંતુ હજૂ તો ચૂંટાયા પણ નથી ત્યાં રૂપાલા ગાયબ થઈ જતા સોશિયલ મીડિયામાં આકરી ટીકા થઈ રહી છે.


