તમામ આયોજકો સાથે પોલીસ કમિશનરે ત્વરીત મિટીંગ યોજી
સંવેદનશીલ વિસ્તારોમાં સતત પોલીસનું પીસીઆર અને બાઇક પેટ્રોલીંગ રહેશે
સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશજીના પંડાલ ઉપર પથ્થરમારા બાદ કોમી તનાવની સ્થિતિ સર્જાતા સમગ્ર પોલીસ તંત્રમાં એલર્ટનો મેસેજ અપાયો છે. જેને અનુસંધાને રાજકોટ પોલીસ કમિશનર દ્વારા તકેદારીના પગલા લેવા માટે એકશન પ્લાન ઘડી લેવાયો છે. ગણેશ મહોત્સવના તમામ આયોજકોને પોલીસ કમિશનરે એક તાકીદની બેઠક યોજી હતી. કોમી એકતા જળવાય રહે તે માટે તાકીદ કરવામાં આવી હતી. બીજી બાજુ શહેરના તમામ વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગ અને સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ પોલીસ દળ તૈનાત કરવા સુધીની તૈયારીઓ કરી લેવામાં આવી છે.
સુરતના વરીયાવી બજાર વિસ્તારમાં ઉભા કરવામાં આવેલા ગણપતિ પંડાલ પર ગત મોડીરાત્રીના અસામાજીક તત્વોએ પથ્થરમારો કરી તંગદીલીનો માહોલ સર્જી દીધો હતો. એટલું જ નહીં વાહનોમાં પણ તોડફોડ મચાવી હતી. જે ઘટના બાદ પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા હતા. રાત્રી દરમિયાન જ પોલીસે ટીખળખોર તત્વો સામે પગલાં લેવાનું શરૂ કરી દીધુ હતું. આખી રાત દરમિયાન કોમ્બીંગ કરીને ૧૦ શખ્સોને ઓળખીને ઉઠાવી લેવાયા હતા અને વધુ ૧૭ જેટલા લોકો ઓળખાતા તમામને ઝડપી લેવાયા હતા. ત્યારે ગૃહવિભાગ દ્વારા ગણપતિ મહોત્સવ સંદર્ભે સમગ્ર ગુજરાતમાં પોલીસ તંત્રને સુરક્ષા લક્ષી કામગીરી અંગે આદેશ આપવામાં આવતા તમામ જિલ્લાઓની પોલીસ કાર્યરત બની હતી.
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝાની અધ્યક્ષતામાં પણ સવારના પહોરમાં ગણેશ મહોત્સવના આયોજકો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી તમામ પોલીસ સ્ટેશનોનો સ્ટાફ તેના વિસ્તારમાં થયેલા આયોજનના સંચાલકોને સમાચાર પહોંચાડી કમિશનર ઓફિસે બોલાવ્યા હોવાની સૂચના આપતા તમામ આયોજકો કમિશનર ઓફિસ ખાતે પહોંચી ગયા હતા. તેઓ સાથે ખુદ પોલીસ કમિશનર ઝા, જોઇન્ટ પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ સહિતના અધિકારીઓની હાજરીમાં બેઠક યોજાઇ હતી. તમામ તકેદારી પગલાં લેવા માટે અને સુરક્ષા મામલે સતર્ક રહેવા માટે સુચના અપાઇ છે. રાત્રી દરમિયાન સતર્ક રહેવાનું અને પોલીસનો પૂરેપૂરો સહકાર મળશે તેવી બાહેંધરી આપવામાં આવી હતી.
આ મામલે પોલીસ કમિશનર બ્રજેશ ઝાનો સંપર્ક કરાતા તેમણે જણાવ્યું હતું કે તમામ આયોજકો સાથે સુરક્ષાલક્ષી બેઠક યોજવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ દ્વારા રાજકોટ શહેરને તમામ ગણપતિ પંડાલ પર વોચ રાખવામાં આવશે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં કોઇ કાંકરીચાળો ન થાય તે માટે તમામ ડિવીઝનની પીસીઆર વાન રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ કરશે. તેની સાથે બાઇક પેટ્રોલીંગ પણ કરવામાં આવશે. આમ તોફાની તત્વોને સીધા શબ્દોમાં પોલીસ તંત્રએ સીધા રહેવાનો મેસેજ પહોંચાડી દીધો છે.