- રસ્તાના નબળા કામને લઈ ભાજપ કોર્પોરેટર મેદાને
- સોરઠીયા વાડીમાં નબળા કામને લઈને વારંવાર રજૂઆત
- રજૂઆત બાદ પણ નિરાકરણ નહીં આવતા ચીમકી
ભાજપના કોર્પોરેટર જ ભ્રષ્ટાચારથી ત્રસ્ત થવાની વિગતો સામે આવી રહી છે. જેમાં રસ્તાના નબળા કામને લઈ ભાજપ કોર્પોરેટર જ હવે અધિકારીઓની સામે મેદાને પડ્યા છે. જેમાં અધિકારીઓ શાસક પક્ષના કોર્પોરેટરને ગણકારતા ના હોય તેવી સ્થિતિ રાજકોટ મહાનગર પાલિકામાં જોવા મળી રહી છે.
ભાજપના શાસનમાં ભાજપના જ કોર્પોરેટરની ચીમકી આપવાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં વોર્ડ ન.14ના મહિલા કોર્પોરેટર ભારતી મકવાણાએ મનપા કચેરીમાં મુખ્ય સચિવના પુતળા દહનની ચીમકી આપી છે. જેના કારણે ફરી એકવાર કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.
એટલું જ નહીં મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા જાય ત્યારે કોર્પોરેટર સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવતું હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. તેમજ પત્રો પાછો લેવા માટે ભાજપના એક મોટા નેતાએ સમજાવ્યા પરંતુ મ્યુનિસિપલ કમિશનર સાથે ફરી ચકમક થતા પત્ર પાછો ન લીધો હોવાની પણ ફરિયાદ કોર્પોરટર દ્વારા કરવામાં આવી રહી છે. આ અંગે કોર્પોરેટર દ્વારા જણાવ્યું કે, નબળા કામ અંગે મ્યુનિસિપલ કમિશનરને પાંચ વખત લેખિત અને 15 થી 20 વખત મૌખિક રજૂઆત કરવામાં આવી હતી.
આ અંગે થોડા દિવસ પહેલા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ પણ કોર્પોરેશનમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થતા હોવાની વાત કરી હતી. જ્યારે સોરઠીયા વાડીમાં સીસી રોડના નબળા કામ મામલે કોર્પોરેટરે રણસિંગું ફૂક્યું છે. અને રજૂઆત બાદ પણ નિરાકરણ નહીં આવતા ચીમકી ઉચ્ચારી છે ત્યારે શું સ્થિતિ બને છે તે આગામી દિવસોમાં જોવા મળશે.


