૨૦૨3માં કામ પુરૂ થયાં બાદ છેક હવે મુહૂર્ત આવ્યુ
આવતા વર્ષે કેન્દ્રની મંજૂરી બાદ AI આધારિત ટેસ્ટ પછી જ મળશે લાયસન્સ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં આશરે છ વર્ષ પૂર્વે એસ્ટીમેટ કરતા 22 ટકા નીચા ભાવ સાથે નવી આર.ટી.ઓ.કચેરીનું કામ રૂ।. 9.54 કરોડના ખર્ચે અપાયા બાદ ટલ્લે ચડેલું આ કામ અંતે પૂર્ણ થયું છે અને આર.ટી.ઓ.ની જુની અને અત્યંત જર્જરિત કચેરીની બાજુમાં આ નવી કચેરીનું લોકાર્પણ થશે.
નવી ઓફિસમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર ઉપર 1776 ચો.મી.નું અને સેકન્ડ ફ્લોર ઉપર 1213 ચો.મી.નું ફ્રેમ સ્ટ્રક્ચર બાંધકામ કરાયું છે જેમાં એલ્યુમિનિયમ સેક્શન વિન્ડો,ફ્લશ ડોર, વિટ્રીફાઈ ટાઈલ્સનો ઉપયોગ થયો છે. આ બાંધકામ કે 3 વર્ષ પહેલા પૂરૂ થઈ ગયું હતું પરંતુ, ફર્નિચર, ફાયર સેફ્ટી, વચ્ચે વરસાદમાં લીકેજ સહિત અનેકવિધ વિવાદોના પગલે તેનું લોકાર્પણ થયું ન્હોતું. અંતે હવે ઓફિસ ખુલ્લી મુકાતા આર.ટી.ઓ.સ્ટાફ અને અરજદારોને રાહત થશે.
આ સાથે રૂ।. 81 લાખના ખર્ચે તૈયાર થયેલ, ફોર અને ટુ વ્હીલરના ડ્રાઈવીંગ ટેસ્ટના ટ્રેકનું પણ લોકાર્પણ થશે. જો કે આ માટે હજુ કેન્દ્રની મંજુરી મળ્યા બાદ લોકોએ નવા ટ્રેકમાં ટેસ્ટ આપવો પડશે. રાજકોટ આર.ટી.ઓ.માં હાલ વર્ષે 90,000 વાહનચાલકો ડ્રાઈવીંગ લાયસન્સની ટેસ્ટ આપવા આવે છે જેમને હવે નજીકના ભવિષ્યમાં એ.આઈ. આધારિત અને જરા પણ ભૂલ નહીં ચલાવતા આર્ટીફીશિયલ ઈન્ટેલીજન્સના રિઝલ્ટને ધ્યાને લઈને ટેસ્ટ આપવો પડશે


